જેમ-જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ-તેમ ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં રવિવારે (24 માર્ચ) ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ રાકેશ કુમાર સિંઘ (RKS) ભદૌરિયા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે-સાથે YRS કોંગ્રેસ પાર્ટીના નેતા વરપ્રસાદરાવ વેલ્લાપલ્લી પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. આ બંને નેતાઓએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં ભગવો ખેસ ધારણ કર્યો.
ભાજપમાં જોડાયા બાદ RKS ભદૌરિયાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વનાં વખાણ કર્યાં, તો વરપ્રસાદ રાવે ભાજપમાં જોડાયા બદલ ગર્વ છે તેમ કહ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં પૂર્વ એર ચીફ માર્શલ RKS ભદોરિયા અને વારા પ્રસાદ રાવનું સ્વાગત છે. દરમિયાન ઠાકુરે તેમ પણ કહ્યું કે, “હું જ્યારે પણ ભદોરિયાજીને યુનિફોર્મમાં જોતો, ત્યારે મને ખૂબ જ પ્રેરણા મળતી.”
#WATCH | Former Chief of Air Staff, Air Chief Marshal (Retd.) RKS Bhadauria joins BJP in the presence of party General Secretary Vinod Tawde and Union Minister Anurag Thakur. pic.twitter.com/n3s9k7INmf
— ANI (@ANI) March 24, 2024
વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું- પૂર્વ વાયુસેના પ્રમુખ ભદૌરિયા
ભાજપમાં સામેલ થયા બાદ પૂર્વ વાયુસેના પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ જે. પી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “એકવાર ફરી રાષ્ટ્ર નિર્માણના નિર્માણમાં યોગદાન આપવા અવસર આપ્યો તે બદલ પાર્ટી નેતૃત્વનો આભાર. મેં ચાર દાયકાથી વધુ સમય સુધી ભારતીય વાયુસેનાની સેવા કરી છે. પરંતુ મારી સેવાનો સૌથી સારો સમય ભાજપ સરકારના નેતૃત્વમાં પાછલાં 8 વર્ષ રહ્યાં.”
તેમણે આગળ જણાવ્યું કે, “દેશનાં સશસ્ત્ર દળોને સશક્ત બનાવવા અને આધુનિકીકરણ કરવા સાથે જ તેમને આત્મનિર્ભર બનાવવા માટે ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંથી સેનાની ક્ષમતા વધી અને તેનામાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો. સરકારના આત્મનિર્ભર પગલાંના પરિણામો જમીની સ્તરે દેખાઈ રહ્યાં છે. સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર જે પગલાં લઈ રહી છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે આવનાર દિવસોમાં દેશને એક નવી દિશા આપશે. વિકસિત ભારતનો સંકલ્પ દેશને વૈશ્વિક સ્તરે અલગ ઓળખ અપાવશે. આપણે સૌ વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું તેમ તેમણે છેલ્લે ઉમેર્યું હતું.
#WATCH | After joining the BJP, former Chief of Air Staff, Air Chief Marshal RKS Bhadauria (Retd.) says, "… I thank the party leadership for giving me this opportunity to contribute to nation-building once again. I served the IAF for more than four decades, but the best time of… pic.twitter.com/B7U7pazklr
— ANI (@ANI) March 24, 2024
દેશને રાફેલ અને તેજસ અપાવવામાં મહત્વની ભૂમિકા
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ સાથે 36 રાફેલ ફાઈટર જેટની ડિલ માટે જે ટીમ બનાવવામાં આવી હતી, તેનું નેતૃત્વ RKS ભદૌરિયાએ જ કર્યું હતું. તેમના નેતૃત્વમાં તમામ પડકારોને પાર કરીને ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ શક્ય બની હતી. આ સાથે જ તેમણે સ્વદેશી ફાઈટર જેટ તેજસ લાઈટ કૉમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામને તૈયાર કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓ આ પ્રોજેક્ટમાં નેશનલ ફ્લાઈટ સેન્ટરના ચીફ ટેસ્ટ પાઈલટ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ શરૂઆતના તેજસ પ્રોટોટાઈપ ફ્લાઈટ ટેસ્ટમાં પણ સામેલ હતા.
તેમનો પરિવાર વર્ષોથી રક્ષા ક્ષેત્રમાં
RKS ભદૌરિયાના ભાજપમાં જોડાયા બાદ અટકળો ચાલી રહી છે કે કદાચ પાર્ટી તેમને ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદથી કે પછી ફિરોઝાબાદ બેઠક પરથી લોકસભા લડાવી શકે છે. ભદોરિયા મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના કોરથ ગામના છે. તેમણે વર્ષ 2019માં ભારતીય વાયુસેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમણે પોતાના જીવનનાં 40 વર્ષ વાયુસેનામાં સેવા આપી. તેમના પિતા સૂરજપાલ સિંઘ પણ એરફોર્સમાં અધિકારી હતા. તેમનો પરિવાર છેલ્લા અનેક વર્ષોથી રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલો છે. દેશને અત્યાધુનિક રાફેલ ફાઈટર જેટ અપાવવામાં ભદૌરિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.