સોમવાર, 21 ઓક્ટોબરે પૂર્વી લદ્દાખમાં (East Laddakh) વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે LAC પર પેટ્રોલિંગને (LAC Patrolling) લઈને ભારત અને ચીન વચ્ચે કરારની જાહેરાત થઇ હતી. આ જાહેરાત થયા પછી ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે (S. JaiShankar) કરારને લઈને કહ્યું હતું કે ચીન સાથે સૈનિકો પરત બોલાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. તથા બંને દેશો 2020માં સંઘર્ષ પહેલા જે પરિસ્થિતિમાં હતા ત્યાં જ પાછા પહોંચી ગયા છે. હવેથી 2020 પહેલા જે રીતે પેટ્રોલિંગ કરવામાં આવતું હતું એ જ રીતે કરવામાં આવશે.
અહેવાલો અનુસાર જુલાઈ મહિનામાં 4 જુલાઈ, 25 જુલાઈ અને 31 જુલાઈએ આ બેઠક યોજાઈ હતી. આ સિવાય 29 ઓગસ્ટે પણ બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં ભારત-ચીન સરહદી બાબતો પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC) માટે વર્કિંગ મિકેનિઝમની કુલ 31 વખત અને ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની 21 વખત બેઠકો યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં યોજાનારા BRICS સંમેલનમાં ભારતના PM નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે. આ મુલાકાત પહેલા જ આ નિર્ણય લેવાયો છે. પૂર્વીય લદ્દાખમાં લગભગ 4 વર્ષ કરતા વધુ સમયથી સૈન્ય અવરોધ ચાલી રહ્યો હતો. NDTV દ્વારા આયોજિત સમિટમાં LAC કરારને માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી હતી.
દૃઢ કૂટનીતિનું પરિણામ
તેમણે કહ્યું હતું કે, “અમે પેટ્રોલિંગ મામલે એક કરાર પર પહોંચ્યા છીએ અને આ સાથે અમે 2020ની સ્થિતિમાં જ પાછા પહોંચી ગયા છીએ. હવે એમ કહી શકીએ કે ચીન સાથે સૈન્ય પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.” આ ઉપરાંત તેમણે આ કરાર અંગે કહ્યું હતું કે, આ કરાર એક સકારાત્મક પ્રગતિ છે તથા તે ખૂબ જ ધીરજ અને દૃઢ કૂટનીતિનું પરિણામ છે.
2020થી ચાલી રહી હતી વાતચીત
એસ. જયશંકરે કહ્યું LAC કરારને લઈને કહ્યું કે , “મડાગાંઠને સમાપ્ત કરવા માટે બંને પક્ષો સપ્ટેમ્બર 2020થી વાતચીત કરી રહ્યા હતા. એક તરફ દેખીતી જવાબી કાર્યવાહીની તૈયારી ચાલી રહી હતો તો બીજી તરફ વાટાઘાટો પણ કરવામાં આવી રહી હતી.” તેમણે કહ્યું હતું કે આ ખૂબ ધૈર્યપૂર્ણ પ્રક્રિયા હતી. આ સિવાય તેમણે આ પ્રક્રિયાને ધર્યા કરતા વધુ જટિલ ગણાવી હતી.
જયશંકરે કહ્યું કે, “2020 પહેલા LAC પર શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ હતું અને આશા છે કે આપણે તે સ્થિતિમાં પાછા આવી શકીશું.” તેમણે કહ્યું હતું કે, “આ અમારી સૌથી મોટી ચિંતા હતી કારણ કે અમે હંમેશા કહ્યું છે કે જો તમે શાંતિ અને સંવાદિતા નથી જાળવી શકતા તો તમે કેવી રીતે સંબંધો આગળ વધવાની અપેક્ષા રાખી શકો છો.” તેમણે કહ્યું હતું કે આ ખૂબ જટિલ પ્રક્રિયા હતી કેટલીક વખત તો લોકો લગભગ હાર માની ચૂક્યા હતા.
આ મામલે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે બંને પક્ષો LAC પર પેટ્રોલિંગ ફરી શરૂ કરવા માટે સંમત થયા છે, જેના પગલે સૈનિકો પરત પહોંચી રહ્યા છે. ઉપરાંત 2020માં આ વિસ્તારોમાં ઉદ્ભવેલા મુદ્દાઓનું સમાધાન પણ થઇ શકશે એવું તેમણે જણાવ્યું હતું. આગળ તેમણે કહ્યું કે બંને પક્ષોના રાજદ્વારી અને લશ્કરી વાર્તાકારો સંપર્કમાં છે. સરકારી સૂત્રોએ આ મામલાનો ‘મોટા ઘટનાક્રમ’ તરીકે ઉલ્લેખ કર્યો હતો.