જમ્મુ-કાશ્મીરમાં PMOના મોટા અધિકારી હોવાનો દાવો કરીને ઝેડ પ્લસ સિક્યોરીટી સહિતની સુવિધાઓ ભોગવનાર કૉનમેન કિરણ પટેલ (Conman Kiran Patel) આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેણે PMOનો એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને છેતરપિંડી કરીને Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ એસયુવી, ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણ જેવી વીવીઆઈપી સુવિધાઓ મેળવી હતી. આ બદલ તેના વિરુદ્ધ ગુના નોંધાયા હતા તો મે 2023માં તેના વિરુદ્ધ EDએ તપાસ હાથ ધરીને અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા. હવે EDએ કિરણ પટેલ વિરુદ્ધ શ્રીનગરમાં ફરિયાદ નોંધાવી છે. મની લોન્ડરિંગના ( Money Laundering) આ કેસમાં તેને આગામી 27 નવેમ્બરે હાજર થવા ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે.
EDએ પોતાના આધિકારિક X હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, કોર્ટે ફરિયાદને ધ્યાને લીધી છે અને આરોપીને સમન્સ ફટકારીને 27 નવેમ્બરના રોજ હાજર થવા જણાવ્યું છે. નોંધનીય છે ગત 29 ઓગસ્ટે કિરણ પટેલને જામીન મળી જતાં તે બહાર આવી ગયો હતો. ત્યારે ફરી એક વાર તેના વિરુદ્ધ કાયદાનો ગાળિયો ક્સાતો નજરે પડી રહ્યો છે.
ED, Srinagar has filed a Prosecution Complaint (PC) against Kiran Patel S/o Jagdish Bhai Patel R/o Ahmadabad, Gujarat before the Hon'ble Special Court (PMLA), Srinagar on 28-10-2024, under the provisions of the PMLA, 2002. The Hon’ble Court has taken cognizance of the PC.
— ED (@dir_ed) November 9, 2024
આ પહેલાં ED કરી ચૂકી છે કાર્યવાહી
નોંધનીય છે કે કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સના માલિક સાથે 1 કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી. આ કેસમાં કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલો EDના ધ્યાનમાં આવતાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે કેસની તપાસ કરવા માટે EDની એક ટીમ વડોદરા પણ ગઈ હતી. ત્યારે હવે EDએ ઠગ કિરણ પટેલ વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે શ્રીનગરમાં ફરિયાદ કરતા તે ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.
PMOનો મોટો અધિકારી હોવાના નામે પ્રશાસનને લગાડ્યું હતું ધંધે
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં PMOના મોટા અધિકારી હોવાનો દાવો કરીને ઝેડ પ્લસ સિક્યોરીટી સહિતની સુવિધાઓ ભોગવનાર કૉનમેન કિરણ પટેલ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. કાશ્મીર પોલીસે તેની ધરપકડ કર્યા બાદ અમદાવાદમાં પણ તેની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસને PMOમાં ‘એડિશનલ સેક્રેટરી’ તરીકે ઓળખાણ આપીને કૌભાંડી કિરણ પટેલે કાશ્મીર ડીસીની વિનંતી પર Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ એસયુવી, ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણ જેવી વીવીઆઈપી સુવિધાઓ મેળવી હતી.
3 માર્ચ 2023ના રોજ એક ફાઇવ સ્ટાર હોટલમાંથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરકડ બાદ એક પછી એક તેનાં કારસ્તાનો સામે આવ્યાં હતાં. તેણે તેની પત્ની સાથે મળીને અનેક લોકોને ચૂનો લગાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. અનેક ઠેકાણે પાડવામાં આવેલા દરોડામાં કિરણ પટેલ પાસેથી અનેક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. આટલું જ નહીં, અમદાવાદની એક ઇવેન્ટ કંપનીના માલિકે કિરણ પટેલ સામે PMO અધિકારીની ખોટી ઓળખ આપી, કાશ્મીરમાં મોટી ઇવેન્ટ અપાવવાની લાલચ આપીને G20ના બેનર હેઠળ અમદાવાદમાં મોટો કાર્યક્રમ કરીને તેનો ખર્ચ ન આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી.