જાણીતા ભારતીય મૂળના લેખક સલમાન રશ્દીના વિશ્વવિખ્યાત પુસ્તક ‘ધ સેટાનિક વર્સીસ’ને (The Satanic Verses) લઈને ચાલતો એક કેસ દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) બંધ કર્યો છે. અરજદારે વાસ્તવમાં વર્ષ 1988માં રાજીવ ગાંધીની સરકારે પુસ્તક પર લગાવેલા પ્રતિબંધ સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે સરકારી વિભાગ પાસે જે-તે પ્રતિબંધને સૂચિત કરતું નોટિફિકેશન મંગાવ્યું હતું, પરંતુ રજૂ કરી ન શકતાં કોર્ટે એમ કહીને કેસ બંધ કરી દીધો કે જો નોટિફિકેશન ક્યાંય ન મળતું હોય તો એવું માની લેવામાં આવે કે તે ઇસ્યુ જ થયું ન હતું અને અરજદાર પુસ્તક મંગાવી શકે છે. એક રીતે હવે આ પુસ્તક પરથી ભારતમાં પ્રતિબંધ હટી ગયો છે.
ગત 5 નવેમ્બર, 2024ના રોજ દિલ્હી હાઇકોર્ટનાં જજ રેખા પલ્લીની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે, “તથ્યો અને સામગ્રીને ધ્યાને લેતાં અમારી પાસે એવું માની લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કે આવું કોઈ નોટિફિકેશન અસ્તિત્વ ધરાવતું નથી. જેથી તેની પ્રમાણભૂતતાની ખરાઈ પણ થઈ શકે તેમ નથી. આથી અરજીનો નિકાલ કરવામાં આવે છે.”
કોર્ટે કહ્યું કે, અરજદાર આ પુસ્તક મેળવવા માટે કાયદાની હદમાં રહીને તમામ અધિકારો મેળવી શકશે. સરળ ભાષામાં, હવે તેઓ પુસ્તક પ્રાપ્ત કરી શકશે.
વાસ્તવમાં કોર્ટમાં કાર્યવાહી દરમિયાન 1988માં પુસ્તક પર પ્રતિબંધ કરતું નોટિફિકેશન મંગાવવામાં આવ્યું હતું. પરંતુ ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ’ વિભાગ આ નોટિફિકેશન રજૂ કરી શક્યો ન હતો. કોર્ટને કહેવામાં આવ્યું કે આ નોટિફિકેશન હવે મળી રહ્યું નથી. એટલું જ નહીં, જે અધિકારીએ આ અધિસૂચના તૈયાર કરી હતી તેમણે પણ તેની નકલ પૂરી પાડવામાં અસમર્થતા દર્શાવી દીધી હતી.
પ્રતિબંધને લઈને નોટિફિકેશન જ ઉપલબ્ધ નહીં
અરજદારે તર્ક આપ્યો હતો કે પ્રતિબંધના કારણે તેઓ આ પુસ્તક આયાત કરી શકતા નથી. તેમણે દલીલમાં જણાવ્યું હતું કે, 5 ઑક્ટોબર, 1988માં કેન્દ્રીય ‘અપ્રત્યક્ષ કર તેમજ સીમા શુલ્ક બોર્ડ’ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સીમા શુલ્ક અધિનિયમ હેઠળ ભારત દેશમાં આ પુસ્તક આયાત કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સાથે જ અરજદારે દલીલમાં તેમ પણ કહ્યું હતું કે આ નોટિફિકેશન ન તો કોઈ આધિકારિક વેબસાઈટ પર છે કે ના કોઈ સંબંધિત પ્રાધિકારી પાસે.
અરજીમાં તેમણે પુસ્તક પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવા ઉપરાંત ગૃહ મંત્રાલય દ્વારા 1988માં જાહેર કરવામાં આવેલા તેના સંબંધિત નિર્દેશો પણ રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં તેમ પણ માંગ કરી હતી કે આ પુસ્તકને તેના પ્રકાશક કે આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સ વેબસાઈટ પરથી પણ મંગાવી શકાય તે પ્રકારના આદેશો આપવામાં આવે જેથી તે સરળતાથી મેળવી શકાય.
નોંધનીય છે કે આ અરજી સામે કોર્ટમાં સામા પક્ષે સરકારી વિભાગ 1988ના આ નોટિફિકેશનની પ્રત કે તેના સંબંધિત કોઈ પુરાવાઓ રજૂ ન કરી શકતાં દિલ્હી હાઈકોર્ટે સલમાન રશ્દીના પુસ્તક સેટાનિક વર્સીસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1988માં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે આ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઉપરાંત, તે વિશ્વના ઘણા ઇસ્લામિક દેશોમાં પણ પ્રતિબંધિત છે. કારણ એ છે કે પુસ્તક આવતાંની સાથે જ કટ્ટરપંથી મુસ્લિમોએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમાં ઇસ્લામવિરોધી વાતો લખવામાં આવી છે અને ઈશનિંદા કરવામાં આવી છે. પછીથી રશ્દીને અનેક ધમકીઓ પણ મળી હતી. ભારતમાં અમુક મુસ્લિમ સંગઠનોએ માંગ કરતાં રાજીવ સરકારે પુસ્તક બૅન કરી દીધું હતું. જેની પુષ્ટિ પછીથી એક RTIમાં ગૃહ મંત્રાલયે પણ કરી હતી.
કોણ છે સલામન રશ્દી?
સલમાન રશ્દી હાલ પોતાના જીવનનાં 75 વર્ષ વટાવી ચૂક્યા છે. તેમનો જન્મ બ્રિટીશકાળ દરમિયાન 19 જૂન, 1947માં મુંબઈમાં થયો હતો. તેમના પિતા અનીસ અહમદ એક મોટા વેપારી હતા. તેમણે દક્ષિણ મુંબઈની કેથેડ્રલ જોન કોનન હાઈસ્કુલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. લગભગ 14 વર્ષની વયે જ તેમને ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાં તેમણે રગ્બી ખાતેની એક શાળામાં આગળનો અભ્યાસ કર્યો. બાદમાં કેમ્બ્રિજ વિશ્વવિધ્યાલયથી તેમણે ઇતિહાસમાં ડીગ્રી મેળવી. ત્યાં જ સ્થાયી થયા બાદ તેમને બ્રિટીશ નાગરિકતા પણ મળી ગઈ. આ બધા વચ્ચે તેમણે પોતાનો મુસ્લિમ મઝહબ ત્યાગી દીધો હતો. તેમણે થોડો સમય અભિનેતા તો થોડો સમય કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું. આ સમય દરમ્યાન તેની લેખનમાં પણ રુચિ રહી.
સલમાન રશ્દીએ પોતાનું પ્રથમ પુસ્તક 1975માં લખ્યું હતું, જેનું નામ ગ્રિસમ હતું. ત્યારબાદ તેમણે એનચેંટ્રેસ ઓફ ફ્લોરેન્સ, ધ ગ્રાઉન્ડ બિનીથ હર ફીટ, શાલીમાર ધ ક્લાઉન, ક્વિક્સોટ અને અન્ય અનેક પ્રખ્યત નવલકથાઓ લખી. તેમને તેમના કાર્ય માટે વિવિધ પારિતોષિક પણ મળ્યાં. જોકે તેઓ સહુથી વધારે તેમના પુસ્તક ‘સેટાનિક વર્સીસ’ માટે ચર્ચામાં આવ્યા. આ પુસ્તકને લઈને આખા વિશ્વમાં મુસ્લિમો તેમના દુશ્મનો બની ગયા. તેમની હત્યા કરવા માટે લાખો ડોલર્સના ઇનામો જાહેર કરવામાં આવ્યાં. ભારતમાં પણ તેમનો ખાસ્સો વિરોધ કરવામાં આવ્યો હતો.
1988માં લખવામાં આવ્યું હતું ‘સેટાનિક વર્સીસ’
નોંધનીય છે કે બહુ ચર્ચિત અને વિવાદોમાં રહેલું ‘સેટાનિક વર્સીસ’ પુસ્તક સલમાન રશ્દીએ 1988માં લખ્યું હતું. તથાકથિત રીતે આ પુસ્તક ઇસ્લામના મહોમ્મદ પૈગમ્બર વિશે હતું. આ પુસ્તક બહાર પડતાંની સાથે જ આખા વિશ્વના કટ્ટરપંથી મુસ્લિમો ભડકી ઉઠ્યા અને સલમાન રશ્દીના લોહીના તરસ્યા બની ગયા. આટલું જ નહીં, ઈરાનના સુપ્રીમ લીડર અયોતુલ્લા ખામેનેઈએ તો ફતવો જાહેર કરીને રશ્દીનું માથું વાઢનારને 3 મિલિયન ડોલરનું ઇનામ આપવાની વાત કહી હતી. જોકે બાદમાં વિરોધના પગલે ફતવો પરત લઈ લીધો હતો.
અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો જીવલેણ હુમલો
નોંધવું જોઈએ કે 12 ઓગસ્ટ, 2022ના રોજ સલમાન રશ્દી અમેરિકાના ન્યૂયોર્ક ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી દીધી હતી. તેમને ગાળામાં ત્રણ ગંભીર ઘા વાગ્યા હતા. હાથની નસ પણ કપાઈ ગઈ હોવાના કારણે એક હાથ પણ કામ કરવાનો બંધ થઇ ગયો હતો. તેમની છાતી અને ધડમાં અલગ-અલગ 15 જેટલા ઘા વાગ્યા હતા. રશ્દી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં સંબોધન કરવા ગયા ત્યારે હાદી મતાર નામનો એક કટ્ટરપંથી સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી સલમાન રશ્દી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો.