Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોના રેસ્ક્યુ માટે રણનીતિમાં બદલાવ, PMOની ટીમે કમાન સંભાળી:...

    ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોના રેસ્ક્યુ માટે રણનીતિમાં બદલાવ, PMOની ટીમે કમાન સંભાળી: આજે CM ધામી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લેશે મુલાકાત

    હવે ટનલની ઉપરથી પણ ડ્રિલિંગ કરવામાં આવશે. આ માટે પાંચ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ પૈકી બે સ્થળો પર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    ઉત્તરકાશીમાં દિવાળીના દિવસથી ટનલ તૂટી પડતાં લગભગ 41 જેટલા શ્રમિકો અંદર ફસાયા છે. તેમને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિદેશી મશીનરીઓથી લઈને પાઈપ વડે ઓક્સિજન પહોંચાડવા સુધીની તમામ મદદ કરવામાં આવી રહી છે. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટેની રણનીતિમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. એવી આશા સેવાઈ રહી છે કે 4થી 5 દિવસમાં તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે. બીજી તરફ ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઘટનાસ્થળની મુલાકાત લેશે.

    ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાની કામગીરી અટકાવવી પડી છે. ઇવેક્યુએશન ટનલ માટે 900 મીમી સ્ટીલ પાઈપ નાખવા માટે ચલાવવામાં આવી રહેલા ડ્રિલિંગ મશીનના વાઇબ્રેશનને કારણે શુક્રવારે (17 નવેમ્બરે) બપોરના સમયે પર્વતની તિરાડનો જોરદાર અવાજ સંભળાયો હતો. આના કારણે બચાવ કામગીરી કરી રહેલી ટીમોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. તે પછી ટનલના 150 મીટરથી 203 મીટર સુધીના ભાગને ડેન્જર ઝોન માનીને કામ સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવ્યું હતું. જ્યારે હવે બચાવ કામગીરીની રણનીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરશે.

    PMOની ટીમે કમાન સંભાળી, રણનીતિ બદલી અન્ય વિકલ્પ પર કામગીરી શરૂ

    દરમિયાન, વડાપ્રધાન કાર્યાલય (PMO)ની ટીમ શનિવારે (18 નવેમ્બરે) સિલ્ક્યારા પહોંચી હતી અને બચાવ કામગીરીની કમાન સંભાળી હતી. રાજ્યમાં કાર્યરત કેન્દ્રીય સંસ્થાઓ સાથે સંકલન માટે સરકારે વરિષ્ઠ IAS ડૉ. નીરજ ખૈરવાલને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. અન્ય બચાવ વિકલ્પો અંગે, PMOની ટીમે ભૂસ્તરશાસ્ત્રીઓ સાથે સિલ્ક્યારા ટનલની આસપાસની ટેકરીઓનું નિરીક્ષણ કર્યું હતું.

    - Advertisement -

    જે બાદ આવી ગંભીર સ્થિતિમાં શ્રમિકોને બહાર કાઢવાની રણનીતિ બદલવામાં આવી હતી અને વર્ટિકલ અને હોરીઝોન્ટલ બોરિંગ દ્વારા ટનલની અંદર પહોંચવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. એટલે કે હવે ટનલની ઉપરથી પણ ડ્રિલિંગ કરવામાં આવશે. આ માટે પાંચ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. આ પૈકી બે સ્થળો પર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

    4થી 5 દિવસમાં શ્રમિકોને બહાર કાઢી શકવાની આશા, CM ધામી, કેન્દ્રીય મંત્રી ગડકરી લેશે મુલાકાત

    સિલ્ક્યારા તરફની ટનલના મુખથી એક સ્થળ લગભગ 500 મીટર દૂર છે. અહીંથી શ્રમિકો સુધી પહોંચવા માટે લગભગ 103 મીટરનું વર્ટિકલ બોરિંગ કરવું પડશે. આ માટે સૌપ્રથમ એક કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જેના દ્વારા બોરિંગ માટે માર્ક કરેલી જગ્યાએ ડ્રિલિંગ મશીન લઈ જવામાં આવશે. જ્યારે બીજું સ્થાન પોલગાંવ (બારકોટ) તરફ છે. અહીથી શ્રમિકો સુધી પહોંચવા માટે 500 મીટર આડું બોરિંગ કરવું પડશે. PM મોદીના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુબલેએ જણાવ્યું હતું કે સુરંગમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં ઓછામાં ઓછા 4થી 5 દિવસ લાગશે.

    બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી પણ બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળે પહોંચશે. રવિવારે (19 નવેમ્બરે) CM ધામી સાઈટ પર પહોંચીને નિરીક્ષણ કરશે. CM ધામીની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરશે.

    દિલ્હીમાં યોજાઈ હતી હાઈ લેવલ મિટિંગ

    ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સરકાર સંપૂર્ણ પ્રયત્નો કરશે અને દરેક મોરચે યુદ્ધના ધોરણે કામ કરશે. શનિવારે (18 નવેમ્બરે) દિલ્હીમાં હાઈ લેવલ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિકલ્પો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાંથી પાંચ વિકલ્પો પર કામ કરવાનું નક્કી થયું હતું. BRO અને ભારતીય સેનાની બાંધકામ શાખા પણ બચાવ કાર્યમાં સહયોગ આપી રહી છે.

    નેશલન હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના MD મહમૂદ અહેમદને તમામ કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન માટે સિલ્ક્યારામાં પ્રભાવી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે બચાવ કામગીરી માટે જે કાર્ય શક્ય હોય તે તમામ કાર્ય કરવા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં