Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઉત્તરકાશીમાં યુદ્ધના ધોરણે બચાવકાર્ય સતત ચાલુ: ધરાશાયી થયેલી ટનલમાં 24 મીટર અંદર...

    ઉત્તરકાશીમાં યુદ્ધના ધોરણે બચાવકાર્ય સતત ચાલુ: ધરાશાયી થયેલી ટનલમાં 24 મીટર અંદર પહોંચ્યું મશીન, ફસાયેલા 40 શ્રમિકો જલ્દી બહાર આવશે

    શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને અહીં એક અસ્થાયી દવાખાનું પણ તૈયાર કરવામાં આવ્યું છે. NDRF, ITBP અને પ્રશાસન ખડેપગે રહીને સતત રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવા મથી રહ્યા છે.

    - Advertisement -

    ઉત્તરકશીમાં દિવાળીના દિવસે થયેલા ભૂસ્ખલનના કારણે 40 જેટલા શ્રમિકો નિર્માણધીન ટનલમાં ફસાઈ ગયા હતા. અકસ્માતના 6 દિવસ બાદ પણ હજુ સુધી તેમને બહાર નથી લાવી શકાયા. બીજી તરફ અત્યાધુનિક વિદેશી મશીનરી દ્વારા સતત ડ્રિલિંગ કરવાનું કામ ચાલુ છે, જેના થકી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવશે. તાજી જાણકારી અનુસાર આ મશીન ટનલમાં 24 મીટર સુધી પહોંચી ગયું છે અને આગામી થોડા જ કલાકોમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવશે.

    અહેવાલો અનુસાર, અમેરિકાથી લાવવામાં આવેલા અત્યાધુનિક ઓગર મશીન દ્વારા બુરાઈ ગયેલા ટનલના ભાગમાં સતત ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં ડ્રિલિંગના 2 પ્રયત્નો નિષ્ફળ ગયા હતા, પરંતુ હવે આ મશીન 24 મીટર સુધી ડ્રીલ કરવામાં સફળ થયું છે. જો કોઈ જાતની અડચણ વગર આ પ્રકારે જ ડ્રિલિંગ ચાલતું રહેશે તો થોડા જ કલાકોમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢી શકાશે.

    અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે ખાસ મશીન

    ઉલ્લેખનીય છે કે ભયંકર ભૂસ્ખલન થયા બાદ રેસ્ક્યુ માટે અમેરિકાથી ઓગર મશીન લાવવામાં આવ્યું છે. આ મશીનને ખાસ એરલિફ્ટ કરીને અહીં પહોંચાડવામાં આવ્યું છે. મશીન દ્વારા 900mm 6-6 મીટરના 5 પાઈપ કાટમાળમાં નાખવામાં આવશે. આ મશીને અત્યાર સુધીમાં ધસી પડેલા કાટમાળમાં 24 મીટર સુધી ડ્રીલિંગ કરી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ 30થી 35 ફૂટ ડ્રીલ કરીને પછી આ પાઈપો નાખવામાં આવશે. ફસાયેલા શ્રમિકોને આ એસ્કેપ ટનલ દ્વારા બહાર કાઢવામાં આવશે.

    - Advertisement -

    શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને અહીં એક અસ્થાયી દવાખાનું પણ તૈયાર કરવામાં આવ્યું છે. NDRF, ITBP અને પ્રશાસન ખડેપગે રહીને સતત રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવા મથી રહ્યા છે. આટલું જ નહીં, ટનલની અંદર ફસાયેલા શ્રમિકોને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયું મળી રહે તે માટે ઓક્સિજન તેમજ તેમના ખાવા માટે વસ્તુઓ પણ એક પાઈપલાઈન દ્વારા અંદર પહોંચાડવામાં આવી રહ્યા છે.

    નોંધનીય છે કે આ દુર્ઘટના દિવાળીના દિવસે ઘટી હતી. જે સમયે ભૂસ્ખલન થયું તે સમયે નાઈટ શિફ્ટના કામદારો ટનલમાંથી બહાર આવી રહ્યા હતા અને આગળની શિફ્ટના કામદારો અંદર જઈ રહ્યા હતા. ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી લગભગ 300 મીટર દૂર ઉપરના ભાગમાંથી કાટમાળ પડવાને કારણે ટનલ બંધ થઈ ગઈ હતી. અહીંથી લગભગ 2700 મીટરની અંદર આ મજૂરો કામ કરી રહ્યા હતા. આ ધરાશાયી થયેલી ટનલમાં કુલ 40 શ્રમિકો ફસાયા છે.

    ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે ટનલનું બાંધકામ

    ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટની આ સૌથી લાંબી ટનલ લગભગ સાડા ચાર કિલોમીટરની છે. તેમાંથી લગભગ 4 કિલોમીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે. લગભગ 1000 મજૂરો સુરંગના નિર્માણમાં દિવસ-રાત લાગેલા છે. જેઓ અલગ-અલગ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. કારણ કે ફેબ્રુઆરી 2024 સુધીમાં તેનું ખોદકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

    યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને જંગલચટ્ટી વચ્ચે આ ટનલના નિર્માણથી ગંગોત્રી અને યમુનોત્રી વચ્ચેનું અંતર 26 કિમી ઘટી જશે. આ ટનલ લગભગ 853 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં