ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર જે સ્થાન પર લેન્ડ થયું હતું તે સ્થાન હવે ‘શિવશક્તિ પોઈન્ટ’ તરીકે ઓળખવામાં આવશે. આખી દુનિયા હવે તે ઐતિહાસિક સ્થાનને ‘શિવશક્તિ’ પોઈન્ટ તરીકે સંબોધિત કરશે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ આ માટેની માન્યતા આપી દીધી છે. આ પહેલાં વડાપ્રધાન મોદીએ 26 ઓગસ્ટ, 2023ના રોજ એલાન કર્યું હતું કે, ચંદ્રયાન-3નું જ્યાં સોફ્ટ લેન્ડિંગ થયું હતું તે સાઇટ હવે ‘શિવશક્તિ પોઈન્ટ’ તરીકે ઓળખાશે.
Chandrayaan-3 landing site name 🔱 'Shiva Shakti' gets IAU nod.
— THE SQUADRON (@THE_SQUADR0N) March 24, 2024
Nearly 7 months after Prime Minister @narendramodi announced (Aug 26, 2023) that the Chandrayaan-3 landing site will be called 'Shiva Shakti', the International Astronomical Union (IAU) approved it. #Chandrayaan3… pic.twitter.com/v8kbFRUTCw
PM મોદીના એલાન બાદ લગભગ 7 મહિના પછી જ IAUના વર્કિંગ ગ્રુપ કાર પ્લેનેટરી સિસ્ટમ નોમેનક્લેવરે 19 માર્ચ, 2024ના રોજ આ નામને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી દીધી છે. હવે ચંદ્રયાન-3નું જ્યાં સોફ્ટ લેન્ડિંગ થયું હતું તે સ્થળ ઓફિશિયલ ‘શિવશક્તિ પોઈન્ટ’ તરીકે ઓળખવામાં આવશે. નોંધનીય છે કે, IAU ખગોળશાસ્ત્રીઓનું એક વૈશ્વિક સંગઠન છે. તેની સ્થાપન વર્ષ 1919માં થઈ હતી. IAU અવકાશી પદાર્થો અને તેની સપાટીને નામ આપે છે. IAU દ્વારા આપવામાં આવેલું નામ જ તે જગ્યાની આંતરરાષ્ટ્રીય ઓળખ બને છે. બ્રહ્માંડમાં મળેલા નવા ખગોળીય પિંડોનું નામ પણ આ સંગઠન દ્વારા જ રાખવામાં આવે છે.
ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ ભારત
ભારતે ગત વર્ષે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ ભારત બન્યો છે. આ ઉપરાંત ચંદ્ર પર પહોંચનારો વિશ્વનો ચોથો દેશ પણ ભારત છે. ભારતની આ સફળતાએ દેશને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો અને તેના લીધે જ દેશના યુવાનોનો વિજ્ઞાન ક્ષેત્રે રસ વધ્યો હતો. ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગ બાદ ISROના વૈજ્ઞાનિકોએ પણ અનેક મિશનો પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, ‘શિવશક્તિ પોઈન્ટ’ નામનું એલાન વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટ-2023ના રોજ ચંદ્ર પર સફળ ઉતરાણના ત્રણ દિવસ બાદ બેંગ્લોરના ISRO સેન્ટરમાં કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થયું છે, તે સ્થાનનું નામ નામ શિવશક્તિ પોઈન્ટ રખાશે. અગાઉ જે જગ્યાએ ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, તેને તિરંગા નામ અપાયું હતું. આ ઉપરાંત 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત પણ કરાઈ હતી.