ચંડીગઢ સ્થિત એક પેઈંગ ગેસ્ટ (PG) હાઉસમાં યુવતીઓના બાથરૂમમાં હિડન કેમેરો લગાવવાનો મામલો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે PGની જ એક અન્ય યુવતીએ તેના બોયફ્રેન્ડના કહેવા પર આ કેમેરો લગાવ્યો હતો. પોલીસે યુવતી અને તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે. તેમના મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ઘટના રવિવાર (26 નવેમ્બર 2023)ની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ચંડીગઢ સ્થિત સેક્ટર 22માં બની હતી. અહીં ચાલી રહેલા PGમાં 5 યુવતીઓ રહે છે. તેમાંની એક યુવતી મૂળ ઉત્તર પ્રદેશની છે, જે IELTSની તૈયારી કરી રહી હતી. આ યુવતીઓના કોમન બાથરૂમમાં હિડન કેમેરો જોવા મળ્યો હતો. 26મી નવેમ્બરના રોજ એક યુવતી બાથરૂમમાં નહાવા ગઈ ત્યારે તેણે અંધારામાં ગીઝરની પાછળ કંઈક ચમકતું જોયું, જે હિડન કેમેરો હતો.
તેણે અન્ય યુવતીઓને બોલાવીને તપાસ કરી તો તે હિડન કેમેરો હોવાનું બહાર આવ્યું. આ પછી યુવતીઓએ મકાન માલિકને જાણ કરી અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે 29 નવેમ્બર 2023ના રોજ જણાવ્યું હતું કે 3 દિવસ પહેલા મળેલી ફરિયાદ પર પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી. તપાસમાં ગીઝરની પાછળ હિડન કેમેરો લાગેલો હોવાની પુષ્ટિ થઈ હતી.
પોલીસે જણાવ્યું કે આ કેસમાં PGમાં રહેતી એક યુવતીને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડ અમિત હાંડાએ તેને 3 દિવસ પહેલા જ એક કેમેરો આપ્યો હતો. પોલીસે આ મામલામાં IPCની કલમ 354C અને 506ની સાથે IT એક્ટની કલમ 66 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
On the MMS scandal in Chandigarh, DSP Gurmukh Singh says, "…Around 5 days back, the girl and boy purchased the spy camera from Chandigarh and installed it in the washroom. We are investigating the case that either they have uploaded the photos and videos on social media or… pic.twitter.com/43KJDB2409
— Republic (@republic) November 29, 2023
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિડીયો બનાવવામાં આવ્યો છે કે નહીં અને જો વિડીયો બનાવવામાં આવ્યા છે તો કેટલા બનાવાયા છે. મામલો સામે આવ્યા બાદ બાકીની યુવતીઓના પરિવારજનો તેમને પોતાની સાથે લઈને ઘરે જતાં રહ્યા હતા. હાલમાં PG ખાલી કરવામાં આવ્યું છે. સેક્ટર 17 પોલીસ સ્ટેશને બંને આરોપીઓના મોબાઈલ ફોન અને કેમેરો કબજે કરી તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે.
બંને આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે જે કેમેરો છુપાવવામાં આવ્યો હતો તે વેબ કેમેરા હતો. પોલીસનું કહેવું છે કે રેકોર્ડિંગ ક્યાં થઈ રહ્યું હતું અને તેનું કંટ્રોલ અને સ્ટોરેજ સેન્ટર ક્યાં હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયો ઓનલાઈન ચલાવવામાં આવ્યો હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબર, 2023ના રોજ ચંડીગઢની એક ખાનગી શાળામાં AIની મદદથી 70 વિદ્યાર્થીનીઓના ફોટોગ્રાફ્સ એડિટ કરવાનો મામલો સામે આવ્યો હતો . આ ઘટનામાં શાળાના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.