દિલ્હીની કેજરીવાલ સરકાર પર ફરી એક વાર સંકટ તોળાયું છે. આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર બાદ હવે બનાવટી દવા મામલે આમ આદમી પાર્ટીની સરકાર પર CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના દ્વારા આપવામાં આવ્યા છે. આરોપ છે કે કેજરીવાલ સરકારે સરકારી દવાખાનામાં દવાઓ ખરીદવા માટે કાયદાને કિનારે કરીને હલકી કક્ષાની દવાઓ ખરીદી છે, આ દવાઓના સેમ્પલ લેબમાં ફેલ થતા કેજરીવાલ સરકાર વિરુદ્ધ CBI તપાસના આદેશ અપાયા છે.
અહેવાલો અનુસાર દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ અરવિંદ કેજરીવાલ સરકર વિરુદ્ધ CBI તપાસના આદેશ આપ્યા છે. આ આદેશ સરકારી દવાખાનામાં ખરીદવામાં આવેલી દવાઓમાં કૌભાંડ કરવાના મામલે આપવામાં આવ્યા છે. કેજરીવાલ સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા છે કે આમ આદમી પાર્ટીની સરકારે સરકારી દવાખાના માટે ખરીદેલી દવાઓ હલકી ગુણવત્તાવાળી છે. આ દવાઓના સેમ્પલ લેબમાં તપાસ દરમિયાન ફેલ થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
On the Vigilance Department's report of spurious drugs in Delhi government hospitals, Delhi LG VK Saxena writes to Chief Secretary Naresh Kumar directing him for an investigation and CBI inquiry into it.
— ANI (@ANI) December 23, 2023
આ સમગ્ર મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી સરકાર હેઠળ આવતી સરકારી હોસ્પિટલો માટે અવ્યવસ્થિત રીતે નકલી દવાઓ ખરીદવામાં આવી હતી. ફરિયાદો બાદ આ દવાઓ સરકારી અને ખાનગી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. પરીક્ષણમાં દરમિયાન દવાઓના સેમ્પલ નિષ્ફળ ગયા છે. સેમ્પલ નિષ્ફળ ગયા બાદ સામે આવેલા રિપોર્ટના આધારે કેજરીવાલ સરકાર વિરુદ્ધ CBI તપાસની ભલામણ કરતા દિલ્હીના એલજી વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, આ મામલો ચિંતાજનક છે. આ દવાઓ લાખો દર્દીઓને આપવામાં આવી રહી છે. પત્રમાં તેમણે દવાની ખરીદીમાં જંગી બજેટની ફાળવણી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
આ મામલે વિજીલન્સ વિભાગે આપેલા રિપોર્ટ અનુસાર સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવેલા દવાઓના 43 સેમ્પલ માંથી 3 સેમ્પલ નિષ્ફળ ગયા છે અને 12ના રીપોર્ટ આવવાના હજુ બાકી છે. બીજી તરફ પ્રાઈવેટ લેબમાં મોકલવામાં આવેલા 43 નમૂનાઓ પૈકી 5 નમૂનાઓ ફેલ થયા છે. આ રીપોર્ટના આધારે વિભાગે જણાવ્યું છે કે 10 ટકાથી વધુ સેમ્પલ ફેલ જતા નમૂના કલેક્ટ કરવાનો દાયરો વધારવો જોઈએ. આ દવાઓ કેજરીવાલ સરકાર દ્વારા ખરીદીને સરકારી દવાખાનાઓ અને મહોલ્લા ક્લિનિકોમાં ફાળવવામાં આવી હતી.