પછાત સમુદાય માટે આપવામાં આવતા અનામતના લાભને લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પછાત વર્ગમાં જે લોકો અનામતના હકદાર હતા અને તેમને લાભ પણ મળી ચૂક્યો છે, તો તેવા લોકોએ હવે અનામતનો લાભ છોડી દેવો જોઈએ. તેમણે અનામત કેટેગરીમાંથી બહાર નીકળી જવું જોઈએ. સાથે જ સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે, તેવા લોકોએ વધુ પછાત લોકો માટે રસ્તો બનાવવો જોઈએ. જેથી તે લોકો પણ અનામતનો લાભ લઈ શકે.
મંગળવારે (6 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી સામે આવી હતી. જે મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી પણ ચર્ચાનો વિષય બની હતી. સુપ્રીમ કોર્ટે અનામતને લઈને નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું છે કે, પછાત વર્ગના જે લોકો અનામતનો લાભ મેળવી ચૂક્યા છે, તેવા લોકોએ હવે અનામત કેટેગરીથી બહાર જતું રહેવું જોઈએ અને અન્ય વધુ પછાત લોકો માટે રસ્તો બનાવી આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના સાત જજોની એક બંધારણીય બેન્ચે એક કાયદેસરના પ્રશ્નની સમીક્ષા શરૂ કરી છે કે, ‘શું રાજ્ય સરકારને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓના પ્રવેશમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિના પેટા-વર્ગીકરણ કરવાની સત્તા છે કે કેમ?’
સુપ્રીમ કોર્ટમાં અનામતને લઈને CJI ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 7 જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. જેમાં CJI ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, બેલા એમ ત્રિવેદી, પંકજ મીથલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 2004માં ચુકાદો આપ્યો હતો કે, રાજ્યોને (સરકારને) અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિને વધુ પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર નથી. 2004ના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની 7 જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે.
‘લાભ મેળવનારાઓ માટે અનામત સમાપ્ત થવું જોઈએ’- કોર્ટ
અનામત વર્ગ વિશે વાત કરતી વખતે અને કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેટલીક પેટા જાતિઓએ એક વિશેષ વર્ગમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. જો તે કેટેગરીમાં આગળ હોય તો એમને અનામતમાંથી બહાર આવીને જનરલ કેટેગરીમાં આવી જવું જોઈએ. અનામતનો લાભ એવા લોકોને જ મળવો જોઈએ જેઓ હજુ પણ વધુમાં વધુ પછાત છે. કોર્ટે કહ્યું કે, એક વખત તેમને અનામતનો લાભ મળી જાય તો તેમણે તેમાંથી બહાર આવવું જોઈએ.