આસામમાં તાજેતરમાં જ એક આતંકી ગતિવિધિને અટકાવવામાં આવી હતી. થોડા સમય પહેલાં જ આસામમાંથી ISISના ઇન્ડિયા ચીફ હરીશ ફારુકી અને તેના એક સહયોગીને પકડી પાડવામાં આવ્યા હતા. બંને આતંકી ISISની મોટી પોસ્ટ પર તહેનાત હતા. તેવામાં આસામ પોલીસ અને એજન્સીઓ એલર્ટ છે. તે દરમિયાન જ આસામ પોલીસે IIT-ગુવાહાટીના તૌસીફ અલી ફારુકી નામના વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. આરોપ છે કે, તે વિદ્યાર્થી આતંકી સંગઠન ISISમાં સામેલ થવા માટે જઈ રહ્યો હતો અને ISIS પ્રત્યે પોતાની વફાદારી દર્શાવી હતી.
આસામના DGP જી.પી સિંઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ISIS પ્રત્યે વફાદારીના શપથ લેવા મામલે IIT ગુવાહાટીના વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે. આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ યુવકને શનિવારે (23 માર્ચ) સાંજે આસામના હાજો (Hajo)થી પકડવામાં આવ્યો હતો. આ ઘટનાના ચાર દિવસ પહેલાં જ ISIS 2 વૉન્ટેડ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
Reference @IITGuwahati student pledging allegiance to ISIS – the said student has been detained while travelling and further lawful follow up would take place. @assampolice @CMOfficeAssam @HMOIndia
— GP Singh (@gpsinghips) March 23, 2024
અધિક પોલીસ અધિક્ષક કલ્યાણ કુમાર પાઠકે આ વિશે વધુ જાણકારી મીડિયાને આપી હતી. તેમણે કહ્યું કે, “ઇમેઇલ મળ્યા બાદ અમે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તે મેઇલ વિદ્યાર્થી દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે ISISમાં સામેલ થવા માટે જઈ રહ્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઇમેઇલ મળ્યા બાદ તરત જ અમે IIT-ગુવાહાટીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જેમણે અમને જણાવ્યું હતું કે, તૌસીફ નામનો વિદ્યાર્થી બપોરથી ગાયબ હતો અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તે ચોથા વર્ષનો વિદ્યાર્થી છે અને દિલ્હીના ઓખલાનો રહેવાસી છે.”
પોલીસ અધિકારી પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછ બાદ તેને STF ઓફિસમાં લાવવામાં આવ્યો હતો અને ઇમેઇલ કરવાના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, તે વિદ્યાર્થીના હોસ્ટેલ રૂમમાંથી એક કાળો ઝંડો મળી આવ્યો છે, જે ISISનો હોવાની આશંકા છે. જેને પ્રતિબંધિત સંગઠનો સાથે કામ કરતી વિશેષ એજન્સીઓને મોકલવામાં આવ્યો છે. પાઠકે વધુમાં કહ્યું કે, “અમે જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ કરી રહ્યા છીએ, અમે ઇમેઇલ મોકલવાનો ઈરાદો જાણવા માંગીએ છીએ અને તે દિશામાં તપાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીએ કેટલીક માહિતી આપી છે. પરંતુ અમે વધુ કહી શકતા નથી.”
લિંક્ડઇન પર લખ્યો હતો ઓપન લેટર, કહ્યું- કાફિરો નહીં રોકી શકે
વાસ્તવમાં ફારૂકીએ લિંક્ડઇન પર એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં પોતે ISISમાં જોડાવા જઈ રહ્યો હોવાની વાત કહી હતી. તેણે લખ્યું કે તે ભારતના બંધારણને અને તેની સંસ્થાઓને માનતો નથી અને જેથી મુસ્લિમીન તરફ હિજરત કરવા માટે ISKP (ISISની અફઘાનિસ્તાન પ્રાંતની શાખા)માં જોડાવા માટે જઈ રહ્યો છે.
તેણે લખ્યું કે, “ઇન્શાલ્લાહ મારી સફર પગપાળા હશે અને હું જાહેરમાં જ જઈશ. તો જે કોઇ કાફિર મને રોકવા માંગતો હોય એ સામે આવી જાય.” પત્રમાં આગળ કહ્યું કે, “આ લડાઈ મુસ્લિમીન અને કાફિરો વચ્ચેની છે.”