એક તરફ કેન્દ્રની ભાજપ સરકાર લોકસભા ચૂંટણીઓ પહેલાં નાગરિક સંશોધન કાયદા (CAA) લાગુ કરવાના મૂડમાં છે. તો બીજી તરફ આનો અંદાજો આવતાની સાથે જ ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામની અમુક વિપક્ષી પાર્ટીઓ તેના વિરોધમાં ઉતરી આવી છે. આસામના વિપક્ષી મંચ યુનાઇટેડ ઓપોઝિશન ફૉરમ આસામ (UOFA) દ્વારા CAAના વિરોધમાં રાજ્યવ્યાપી બંધ પાળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેને લઈને આસામના DGP જ્ઞાનેન્દ્ર સિંઘે ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે આ બંધ દરમિયાન રાજ્યને જે નુકસાન પહોંચશે તેની ભરપાઈ બંધનું એલાન કરનાર આંદોલનકારીઓ પાસેથી જ વસૂલવામાં આવશે.
આસામ બંધના આહ્વાનને લઈને DGP જ્ઞાનેન્દ્ર સિંઘે X પર પોસ્ટ કરીને ચેતવણી જાહેર કરી હતી. તેમણે ગુવાહાટી હાઈકોર્ટનો આદેશ ટાંકીને આ પોસ્ટ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “આ બંધ પર વર્ષ 2019માં આવેલો એક નિર્ણય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આસામની GDP 5,65,401 કરોડ રૂપિયા છે. એક દિવસ બંધ કરવામાં રાજ્યને લગભગ ₹1,643 કરોડનું નુકસાન ભોગવવું પડી શકે છે. આ નુકસાનને પહોંચી વળવા માટે હાઈકોર્ટના આદેશના પેરા 35 (9) અનુસાર બંધનું આહ્વાન કરવાવાળા લોકો પાસેથી વસૂલી શકાય તેવી જોગવાઈ છે.”
Reiterating my post of June 2022 about Bandh Calls and responsibility/accountability of those who call for Bandh as directed by Hon’ble Gauhati High Court in WP(C) 7570/2013
— GP Singh (@gpsinghips) February 28, 2024
Date : 19.03.2019
Needless to say that with the GSDP of Assam pegged at INR 5,65,401 Crore, loss from a… https://t.co/ljYCUN90V8
તેમની આ પોસ્ટ સામે આવ્યા બાદ અનેક લોકો તેમની વાત સાથે સમર્થન દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ આસામના મુખ્યમંત્રીએ વિરોધીઓને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ સમયે CAA વિરુદ્ધ કોઈ પ્રદર્શનની કોઈ પ્રાસંગિકતા નથી, માટે વિરોધ કરનારા લોકો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. એક પત્રકાર પરિષદ સંબોધતાં તેમણે કહ્યું હતું કે, જેમણે કાયદો બનાવ્યો છે તે ‘સર્વોચ્ચ’ નથી. કારણ કે ન્યાયાલય તેનાથી પણ ઉપર છે અને તે કોઈ પણ કાયદાને રદ કરી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, “CAA વિરુદ્ધ પ્રદર્શન કરવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે આંદોલન સંસદ દ્વારા પારિત કોઈ કાયદા વિરુદ્ધ કારગર ન નીવડી શકે. તેમાં ફેરફાર માત્ર સુપ્રીમ કોર્ટમાં જ થઈ શકે, જેવું ભાજપ સરકારે લાગુ કરેલી ચૂંટણી બોન્ડ યોજનાના મામલામાં થયું.” તેમણે કહ્યું કે, ન્યાયતંત્રને કોઇ પણ કાયદા કે નિયમમાં ફેરબદલ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત સંસદનું સત્ર અનિશ્ચિત કાળ સુધી સ્થગિત પણ થઈ ચૂક્યું છે અને આગામી ચાર મહિના સુધી કોઈ પણ વ્યક્તિ CAAને હટાવવા સંસદના બંને ગૃહમાં બેઠક ન બોલાવી શકે, માટે વિપક્ષી દળો માટે સુપ્રીમ કોર્ટ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી.
નોંધવું જોઈએ કે CAA વર્ષ 2019માં મોદી સરકારે પસાર કર્યો હતો. આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ હજુ સુધી ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાના કારણે લાગુ થયો નથી. કેન્દ્રીય ગૃહમંત્રી શાહ એલાન કરી ચૂક્યા છે કે લોકસભા ચૂંટણી પહેલાં તેને લાગુ કરી દેવામાં આવશે.