Tuesday, June 25, 2024
More
  હોમપેજગુજરાતભાજપને 7 બેઠકો પર હરાવવાની વાતો માત્ર વાતો જ રહી, પરિણામો પર...

  ભાજપને 7 બેઠકો પર હરાવવાની વાતો માત્ર વાતો જ રહી, પરિણામો પર ધારેલી અસર ન પાડી શક્યું ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન: ગુજરાતનાં પરિણામો અને અમુક તારણો

  એક કારણ એ પણ છે કે ગુજરાતમાં ભાજપ સમર્થકોનો બહુ મોટો એક વર્ગ એવો છે કે પાર્ટી કે સરકાર સામે નારાજગી વ્યક્ત કરે છે પણ કોંગ્રેસને ક્યારેય વિકલ્પ તરીકે જોતો નથી. ક્ષત્રિય મતદારોમાં પણ આવો એક મોટો વર્ગ હતો, જેઓ ભાજપ સામે નારાજ હતા, પણ બીજી તરફ કોંગ્રેસને સમર્થન કરવાથી અળગા રહ્યા.

  - Advertisement -

  આ ચૂંટણીમાં માત્ર ઉત્તર પ્રદેશનાં પરિણામોએ જ ચોંકાવ્યા હોય એમ નથી, ગુજરાતમાં પણ એવું થયું છે. ગુજરાતમાં જોકે અવળું થયું. જે રીતે માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, જે રીતે મહિના કરતાં વધુ સમય ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન ચાલ્યું, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પક્ષમાં નેરેટિવ સેટ કરવામાં આવ્યા તેને જોતાં ‘વિશ્લેષકો’ અનુમાન લગાવવા માંડ્યા હતા કે ગુજરાતમાં ભાજપને ખાસ્સું નુકસાન જશે. પણ આ અનુમાનો ખોટાં પડ્યાં અને ભાજપે માત્ર 1 જ બેઠક ગુમાવવી પડી. એ બનાસકાંઠા.  બાકીની તમામ 25 બેઠકો પાર્ટીના ખાતામાં જ આવી. 

  એ વાત સાચી છે કે ઘણાં વર્ષો પછી ગુજરાતમાં ભાજપ સામે પડકારો આવ્યા હતા અને ચૂંટણી એકપક્ષીય રહી ન હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પહેલેથી જ ભાજપતરફી માહોલ હતો, પણ લોકસભા ચૂંટણીમાં એવું ન હતું અને ક્ષત્રિય આંદોલનના કારણે સીધી કે આડકતરી રીતે કોંગ્રેસ પણ સક્રિય બની હતી. મતદાન વખતે પણ ક્ષત્રિય સંકલન સમિતિએ પૂરેપૂરું જોર લગાવીને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું હતું અને 7 બેઠકો પર હરાવવાની વાત કરી હતી. પરંતુ પરિણામ ભાજપના પક્ષમાં જ આવ્યું અને માત્ર એક બેઠક ગુમાવવી પડી. જ્યારે દાવાઓ તો આઠ-દસ બેઠકો હરાવવાના થયા હતા. 

  ક્ષત્રિયોની વસ્તી, જે પરિબળ પહેલેથી જ ધ્યાનમાં હતું 

  આમ તો ગુજરાતમાં કયા સમુદાયની કેટલી વસ્તી છે તેના અધિકારિક આંકડા ક્યાંય નથી. પણ અનુમાન એવું છે કે લગભગ આઠેક ટકા ક્ષત્રિયોની વસતી હશે. તેમાં પણ સમાજ આખા રાજ્યમાં વહેંચાયેલો છે. જો વિધાનસભા કે સ્થાનિક ચૂંટણી હોત તો ક્ષત્રિય મતદારોની ભૂમિકા અસરકારક રહી હોત, પણ લોકસભા બેઠક પર લાખો મતદારો હોય છે. આ સંજોગોમાં મત વહેંચાય જાય છે. જોકે, આ બાબતની જાણ સંકલન સમિતિને પણ હતી જ અને પહેલેથી જ ચર્ચા ચાલતી હતી કે લોકસભા ચૂંટણીમાં અસર કરવા માટે સંખ્યાબળ ઘટે છે.

  - Advertisement -

  તેમ છતાં આણંદ અને અન્ય કેટલીક બેઠકો હતી, જ્યાં ક્ષત્રિય મતદારો સારી એવી સંખ્યામાં હતા. તેમ છતાં પણ બેઠક ભાજપ પાસેથી આંચકી શકાઈ નહીં. આણંદ બેઠક પર ભાજપ ઉમેદવાર મિતેષ પટેલની 89 હજાર મતથી જીત થઈ. આ સિવાય પણ બાકીની બેઠકો ઠીકઠાક લીડથી ભાજપે જીતી લીધી. ક્ષત્રિય સંકલન સમિતિ હવે એમ કહી શકે કે અમે લીડ ઘટાડવામાં ભૂમિકા ભજવી, પણ હકીકત એ જ છે કે ભાજપની જીત થઈ છે. આખરે જીત અને હાર જ મહત્વનાં છે. લીડ પાર્ટીના આંતરિક મૂલ્યાંકન માટે જ કામની છે. 

  ગુજરાતમાં એક સમુદાય સામે પડે તો બાકીના એક થઈ જાય છે 

  ગુજરાતની તાસીર રહી છે કે અહીં કોઇ એક સમુદાય જો ભાજપની સામે પડે તો બાકીના સમુદાયો એક થઈને મતદાન કરી આવે છે. ક્ષત્રિય આંદોલનમાં પણ આવું જ થયું. શરૂઆતમાં આ આંદોલનને સમર્થન ન મળ્યું તોપણ વિરોધ પણ ન થયો અને ક્ષત્રિયોની લાગણી અને સન્માનનો પ્રશ્ન છે એમ કરીને અન્ય સમાજો અલગ રહ્યા. પરંતુ પછી જેમ-જેમ આંદોલનમાં રાજકારણ ઘૂસતું ગયું તેમતેમ અન્ય સમાજોએ જોવા માંડ્યું કે ચિત્ર એ નથી, જે દેખાય છે. 

  આ બાકીના સમુદાયો ક્યાંય સંધર્ષમાં ન ઉતર્યા, પણ મતદાનના દિવસે અગત્યની ભૂમિકા ભજવી અને ભાજપની બેઠકો બચાવવા માટે મતદાન કર્યું. જેટલું મતદાન કદાચ ક્ષત્રિય સંકલન સમિતિના આહવાન પર થયું હશે એટલું જ બીજી તરફ ભાજપ માટે પણ થયું અને એટલે માત્ર લીડ પર અસર થઈ, પરંતુ બેઠક બચી ગઈ. 

  બીજી તરફ, ક્ષત્રિય સંકલન સમિતિના અમુક નેતાઓના અન્ય સમાજો વિશેનાં નિવેદનો પણ સામે આવ્યાં. મજાની વાત એ છે કે સમિતિ આંદોલન જ ભાષાની સભ્યતા ચૂકી ગયેલા નેતા સામે કરી રહી હતી અને તેમના નેતાઓના જ ભાષણ વાયરલ થઈ ગયાં. આ બધું અન્ય સમુદાયોએ જોયું અને મતદાન કર્યું. 

  ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી વખતે પણ એમ જ થયું હતું. પાટીદાર અનામત આંદોલન પછી ભાજપ વિરુદ્ધ જે નારાજગી હતી, તેના કારણે અસર મોટી પડી. પાટીદારો ગુજરાતમાં સારી એવી સંખ્યામાં છે અને અનેક બેઠકો પર અસર પાડી શકે છે. તેમની નારાજગી ભાજપને 2017માં નડી હતી, પણ સરકાર બચી ગઈ એનું કારણ એ હતું કે અન્ય સમુદાયોનો સહકાર મળી રહ્યો હતો. 

  ક્ષત્રિય સંકલન સમિતિનું રાજકારણ અને રાજકીય અપરિપક્વતા 

  ક્ષત્રિય સંકલન સમિતિ જે મુદ્દો લઈને આંદોલન કરવા નીકળી હતી, તેનાથી છેક સુધી જતાં ફંટાઈ ગઈ. પહેલાં તેમણે કહ્યું હતું કે તેમનો વિરોધ પરષોત્તમ રૂપાલા સામે જ છે. પણ પછી આ ભાજપે તેમની ટીકીટ રદ ન કરતાં વિરોધ ભાજપ સામે થઈ ગયો. રાજકીય રીતે તટસ્થ દેખાવા માટે સમિતિએ ભાજપનો વિરોધ કરવા માટે કહ્યું પણ કોંગ્રેસનું ખુલ્લું સમર્થન ન કરી શકી. બીજી તરફ, આંતરિક વિખવાદોએ પણ ભરડો લીધો હતો. 

  જેમજેમ આંદોલન આગળ ચાલતું ગયું તેમ સંકલન સમિતિમાં પણ વિવાદો વધતા ગયા અને અમુક નેતાઓ છૂટા પડી ગયા તો અમુકે વળી અંદર જ રહીને ઓડિયો મારફતે નારાજગી ઠાલવી. બીજું અમુક નિવેદનો એવાં કરવામાં આવ્યાં, તેની આંદોલન પર વિપરીત અસર પણ થઈ. આ બધાંના કારણે જે મતદારો સમિતિ સાથે ઝંડા લઈને ચાલતા હતા તેઓ સમય સાથે દૂર થતા ગયા. 

  બીજું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં ભાજપ સમર્થકોનો બહુ મોટો એક વર્ગ એવો છે કે પાર્ટી કે સરકાર સામે નારાજગી વ્યક્ત કરે છે પણ કોંગ્રેસને ક્યારેય વિકલ્પ તરીકે જોતો નથી. ક્ષત્રિય મતદારોમાં પણ આવો એક મોટો વર્ગ હતો, જેઓ ભાજપ સામે નારાજ હતા, પણ બીજી તરફ કોંગ્રેસને સમર્થન કરવાથી અળગા રહ્યા. સંકલન સમિતિ પણ તેમને કોંગ્રેસને સમર્થન કરવા માટે સમજાવી શકી નહીં. આખરે તેમનું સમર્થન પણ ભાજપને જ મળ્યું. 

  નરેન્દ્ર મોદી અને ગુજરાત, એકબીજાના પર્યાય 

  આ બધા સિવાય એક ફેક્ટર જે ગુજરાતમાં દરેક ચૂંટણીમાં ચાલે છે, તે હતું નરેન્દ્ર દામોદરદાસ મોદી. મોદી અને ગુજરાત એકબીજાના પર્યાય બની ગયા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જે 6 સભાઓ કરી હતી, તેની જબરદસ્ત અસર થઈ અને આખો માહોલ બદલાઈ ગયો. આમ પણ જ્યાં-જ્યાં મોદી રેલીઓ કરે છે ત્યાં માહોલ બદલાય છે તેવું પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. ગુજરાતમાં એવું ન થવાનું કોઇ કારણ ન હતું. ગુજરાતીઓ મોદી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. મોદીની વાત આવે ત્યાં બીજું કશું જ કામ આવતું નથી અને આ ચૂંટણી તો એક રીતે મોદી જ બધી બેઠકો પર લડી રહ્યા હતા. 

  ટૂંકમાં, અમુક દેખીતાં કારણોસર ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન ગુજરાતમાં ધારેલી સફળતા મેળવી શક્યું નહીં. એકમાત્ર બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર થઈ તેમાં સમિતિ અને તેના આંદોલનનો કોઇ ફાળો હોય એમ લાગતું નથી. ત્યાં કોંગ્રેસ પહેલેથી જ મજબૂત હતી અને ભાજપની અમુક ભૂલ તેને નડી ગઈ. સંકલન સમિતિના નેતાઓ પણ પોતાનાં ભાષણોમાં બનાસકાંઠા બેઠકનો ઉલ્લેખ બહુ ઓછો કરતા હતા. એટલે તેઓ ક્રેડિટ ભલે લે, પણ ત્યાં જીત કોંગ્રેસની છે. કોઇ આંદોલનની નહીં. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં