Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસનો ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવો ઘાટ: ગાંધી પરિવાર પર શાબ્દિક...

    કોંગ્રેસનો ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવો ઘાટ: ગાંધી પરિવાર પર શાબ્દિક હુમલો કરી ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામું

    પાર્ટીમાં યુવાન કાર્યકરોની થતી અવગણના અને કોંગ્રેસમાં એક જ પાર્ટીની થતી ભક્તિથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું કહ્યું.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે યુથ કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખીને પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. 

    વિશ્વનાથસિંહ વાઘેલાએ પત્રમાં પોતે ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષપદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની વાત કહી છે. જોકે, તેમણે કારણો વિશે કોઈ ફોડ પાડ્યો નથી. તેમણે રાજીનામું યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપ્યું છે. 

    પાર્ટીએ પદ આપવા માટે દોઢ કરોડ રૂપિયા લીધા: વિશ્વનાથસિંહનો આક્ષેપ 

    - Advertisement -

    વિશ્વનાથસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માટે પાર્ટીએ પૈસા લીધા હતા. તેમણે કહ્યું, પાર્ટીએ મને યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે દોઢ કરોડ રૂપિયા લીધા હતા. મારા પિતા ગુજરી ગયા તેના પૈસા આવ્યા હતા તેનાથી ચૂંટણી લડ્યો છું. 

    આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવનાર છે ત્યારે તે પહેલાં જ વિશ્વનાથ સિંહે કહ્યું હતું કે, આવતીકાલે રાહુલ ગાંધી એક સંમેલનમાં હાજર રહેવાના છે પરંતુ 100માંથી 10 લોકોને પોતાનું બુથ ખબર નહીં હોય તેવી હાલત છે. 

    કાર્યકર્તાઓને પત્ર લખ્યો, રાહુલ-ગાંધી પરિવાર પર આક્ષેપો કર્યા

    રિપોર્ટ અનુસાર, વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપતાં પહેલાં યુથ કોંગ્રેસના કાર્યકરોને એક લાંબો પત્ર લખ્યો હતો અને જેમાં પાર્ટી છોડવા પાછળનાં કારણો જણાવ્યાં હતાં. તેમણે કોંગ્રેસ પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર અને પરિવારવાદના આરોપ લગાવ્યા છે. 

    વિશ્વનાથસિંહ વાઘેલાએ પત્રમાં કહ્યું છે કે, તેઓ દેશને સ્વતંત્રતા અપાવનાર કોંગ્રેસ પાર્ટીના નેતાઓથી પ્રેરણા લઈને પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ પાર્ટી હવે માત્ર એક પરિવાર સુધી સીમિત રહી ગઈ છે અને તેમની જ ભક્તિ થાય છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી તેઓ પાર્ટીની નબળાઈઓ સહન કરતા આવ્યા હતા, પરંતુ સહનશક્તિની સીમા પૂર્ણ થતાં પાર્ટી છોડી રહ્યા છે. 

    વિશ્વનાથ સિંહે પત્રમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપર આંતરિક જૂથવાદનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં નેતાઓના પુત્રો હોય કે પૈસાદાર ઘરના હોય તો જ સારી રીતે કામ કરી શકે છે. નહીંતર સામાન્ય ઘરના અને સમાજ માટે કામ કરવા માંગતા યુવાનો માટે પાર્ટીમાં કોઈ જગ્યા નથી. 

    પાર્ટીમાંથી રાજીનામું આપતાં વિશ્વનાથ સિંહ વાઘેલાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યું કે, તેમણે ઉભી કરેલી સિસ્ટમના કારણે લાખો યુવાનો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને જેના કારણે તેમની ઉપરથી માન ઉતરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીની આસપાસ ચાપલૂસો રહે છે, જેઓ સાચી માહિતી તેમના સુધી પહોંચવા દેતા નથી. 

    વિશ્વનાથસિંહ વાઘેલાએ તાજેતરમાં તેમની સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દિલ્હીમાં તેઓ રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા ત્યારે, રાહુલ ગાંધી દિલ્હીમાં હોવા છતાં તેમને મળવા માટેનો સમય આપવામાં આવ્યો ન હતો. 

    વિશ્વનાથસિંહે કોંગ્રેસ પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનું અને પાર્ટી પાસે કોઈ પણ પ્રકારની વૈચારિક સ્પષ્ટતા ન હોવાનું કહીને માત્ર ગણ્યાગાંઠ્યા પરિવારો માટે કામ કરતી પાર્ટી ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ‘ભારત જોડો યાત્રા’ નહીં પરંતુ ‘કોંગ્રેસ જોડો યાત્રા’ શરૂ કરવાની જરૂર છે. 

    વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા બાદ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો વહેતી થઇ છે. જોકે, તેમણે પોતે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ અંગે વધુ વિગતો મેળવવા માટે વિશ્વનાથસિંહનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં