ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરનાર આમ આદમી પાર્ટી પહેલી હતી. અત્યાર સુધીમાં પાર્ટી કુલ 29 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. પણ વારાફરતી આ બેઠકોના ઉમેદવારો વિવાદમાં આવતા જાય છે. હવે રાજકોટના આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ઉમેદવાર વશરામ સાગઠીયા વિવાદમાં સપડાયા છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે એક કોંગ્રેસ કાર્યકરે ઘરે જઈને ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે પીડિત વ્યક્તિએ એક વિડીયો પણ જારી કર્યો હોવાનું કહેવાય છે. જેમાં તેમણે વશરામ સાગઠીયા પર ઘરે જઈને ધમકી આપવાનો અને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, રાજકોટના વોર્ડ નંબર 15માં રહેતા હરેશ સોલંકીએ વશરામ સાગઠીયાને લઈને કહ્યું કે, તેઓ તેમના ઘરે આવ્યા હતા અને આમ આદમી પાર્ટીમાં આવવા માટે કહ્યું હતું અને જો તેમ નહીં કરે તો મારવાની ધમકી આપી હતી.
વિડીયોમાં હરેશ સોલંકી કહે છે કે, વશરામ સાગઠીયા એક મહિનાથી મને ટોર્ચર કરે છે અને કહે છે કે મારી પાર્ટીમાં આવી જા. પરંતુ હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસનું જ કામ કરવાનો છું. પરંતુ તેઓ મને દબાણ કરીને કહે છે કે, તું મારી સાથે ‘આપ’માં જોડાઈ જા.
તેમણે આગળ કહ્યું કે, તેઓ મને ધમકી આપે છે કે મારી પાર્ટીમાં નહીં આવે તો હું તને મારીશ. આજે સવારે તેઓ મારા ઘરે પણ આવ્યા હતા અને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મારા પરિજનોએ વચ્ચે પડીને બચાવી લીધો હતો.
વિડીયોમાં તેઓ એમ પણ કહે છે કે તેઓ વશરામ સાગઠીયા સામે પોલીસ ફરિયાદ કરશે. જોકે, ફરિયાદ થઇ છે કે નહીં તે જાણવા મળ્યું નથી.
વશરામ સાગઠીયાને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા. તેઓ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ચિહ્ન પર લડીને જીત્યા હતા. ત્યારબાદ ગત એપ્રિલ મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરવામાં તો બહુ ઉતાવળ રાખી હતી પરંતુ હવે તેમાંથી એક પછી એક ઉમેદવારો વિવાદમાં સપડાતા જાય છે. વશરામ સાગઠીયા વિવાદમાં સપડાયા તે પહેલાં સોમનાથ બેઠક પરના ધારાસભ્ય અને ‘આપ’ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ વાળાએ જાહેરમાં સંબોધન કરતાં દારૂ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તે પહેલાં અમદાવાદની વેજલપુર બેઠક પરના ઉમેદવારનો હુક્કા પીતો વિડીયો પણ વાયરલ થયો હતો.
જોકે, પહેલાં ઉપરાછાપરી તબક્કાવાર ઉમેદવારોનાં નામો જાહેર કરી દીધા બાદ આમ આદમી પાર્ટીએ જાહેરાતમાં બ્રેક લગાવી છે. ત્યારે આ વિવાદો જ તેનું કારણ હોય શકે કે કેમ તેવી પણ ચર્ચા ચાલી છે.