Monday, July 1, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકઅમદાવાદના પોલીસ મથકમાં કેક કાપીને ભાજપ નેતાનો જન્મદિવસ ઉજવાયો?: મીડિયા અને સોશિયલ...

    અમદાવાદના પોલીસ મથકમાં કેક કાપીને ભાજપ નેતાનો જન્મદિવસ ઉજવાયો?: મીડિયા અને સોશિયલ મીડિયામાં ભ્રામક દાવાઓ, અહીં જાણો શું છે હકીકત

    અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાર્યક્રમ કોઇ પણ રીતે જન્મદિવસની ઉજવણી માટે કરવામાં આવ્યો ન હતો કે ન આગોતરુ આયોજન હતું અને યોગાનુયોગ બન્યું હતું. જે રીતે દાવા થઈ રહ્યા છે તેવું કશું જ નથી. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો થયો છે, જેમાં અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કેટલાક લોકો કેપ કાપતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોના આધારે અમુક મીડિયા ચેનલોએ દાવો કર્યો છે કે પોલીસની હાજરીમાં પોલીસ મથકમાં ભાજપ નેતાના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. 

    ‘ગુજરાત ફર્સ્ટ’ પરથી એક વિડીયો અપલોડ કરીને અમદાવાદમાં ACP કચેરીમાં ભાજપ નેતાનો બર્થ ડે ઉજવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો અને સાથે લખ્યું કે, સ્વયં પોલીસ અધિકારીઓ પણ ઉજવણીમાં જોડાયા હતા. સાથે ભાજપ નેતાઓ ઉપસ્થિત હોવાનું જણાવાયું. સાથે અમુક પોલીસ અધિકારીઓનાં નામનો ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું કે, અમદાવાદમાં પોલીસના વલણની ભારે ટીકા થઈ રહી છે.

    Zee24 કલાકે આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘અમદાવાદ પોલીસ પાસે હવે કામ નથી કે શું? DCPની હાજરીમાં ભાજપ નેતા હિમાંશુ ચૌહાણે પોલીસ સ્ટેશનમાં ઊજવ્યો બર્થડે.’ 

    - Advertisement -

    ‘વરિષ્ઠ પત્રકાર’ દીપક રાજાણીએ આ જ 18 સેકન્ડનો વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘ગજબ છે હોં….! અમદાવાદ ભાજપના એક કાર્યકરનો જન્મદિવસ એક ઉચ્ચ પોલીસ અધિકારીની ચેમ્બરમાં ઉજવાયો. સીનિયર અધિકારીઓની હાજરીમાં હેપી બર્થ ડેનું ગીત પણ ગવાયું…કેક કટિંગનો વિડીયો થયો વાયરલ.’

    અન્ય અમુક સ્વઘોષિત પત્રકારોએ પણ અધૂરી માહિતી સાથે આ વિડીયો ફરતો કર્યો અને દાવો એવો કરવામાં આવ્યો કે પોલીસ મથકમાં ભાજપ નેતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આવા દાવા કરીને ગુજરાત પોલીસ પર સવાલો ઉઠાવવામાં આવ્યા. 

    શું છે હકીકત?

    અહીં હકીકત સાવ જુદી છે. જે મામલે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે. પોલીસે જણાવ્યું કે જે રીતે દાવા થઈ રહ્યા છે તેવું કશું જ નથી અને સોશિયલ મીડિયા પર પોલીસની છબી ખરડવા માટે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. 

    અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, પ્રભુ જગન્નાથની 147મી રથયાત્રા અગાઉ શહેર પોલીસ દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દ જળવાય રહે તે માટે 23 જૂનના રોજ દરિયાપુર પોલીસ મથક વિસ્તારમાં બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન 670 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું. આ શિબિરમાં સ્થાનિકો, પોલીસ અને શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટના જવાનોનો સહયોગ રહ્યો હતો. 

    સાભાર- અમદાવાદ પોલીસ

    દરમ્યાન, પોલીસ મથક પરિસરમાં જ પોલીસ કમિશનર F ડિવિઝનની કચેરી આવેલી છે, જેથી ત્યાં પહેલેથી જ કાર્યક્રમ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એકઠા થયા હતા અને રથયાત્રા માટે આગોતરા આયોજન સંબંધે ચર્ચા કરવામાં આવી રહી હતી. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે યોગેશ ગઢવી અને તેમની સાથેના અન્ય કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

    અહીં એક મુસ્લિમ મહિલા કાર્યક્રમના સફળ આયોજન બદલ અમદાવાદ પોલીસને બિરદાવવા માટે ત્રણ કેક લઈને આવ્યાં હતાં, જેની ઉપર લખાણ પણ પ્રભુ જગન્નાથનું અને અમદાવાદ પોલીસની પ્રશંસા કરતું હતું, ક્યાંય ‘હેપી બર્થડે’ લખાયું ન હતું. આ કેક અધિકારીઓ કાપવા જતા હતા ત્યાં યોગેશ ગઢવીએ જણાવ્યું હતું કે, તેમની સાથે આવેલા હિમાંશુ ચૌહાણનો આજે જન્મદિવસ પણ છે. ત્યારબાદ કેક ત્યાં જ હોવાથી તેમણે પણ કાપી હતી અને હાજર અધિકારીઓએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. 

    અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાર્યક્રમ કોઇ પણ રીતે જન્મદિવસની ઉજવણી માટે કરવામાં આવ્યો ન હતો કે ન આગોતરુ આયોજન હતું અને યોગાનુયોગ બન્યું હતું. જે રીતે દાવા થઈ રહ્યા છે તેવું કશું જ નથી. 

    બીજી તરફ, ઑપઇન્ડિયાએ યોગેશ ગઢવીનો પણ સંપર્ક કર્યો, જેમણે પણ આવી જ હકીકત જણાવી. તેમણે કહ્યું કે, રક્તદાન શિબિર સફળ થવાથી એક મુસ્લિમ પરિવાર કેક લઈને આવ્યો હતો, જેમનો આશય અમદાવાદ પોલીસને બિરદાવવાનો હતો. પરંતુ કેક જોતાં જ એક અધિકારીએ કહ્યું કે, આજે કોઈનો જન્મદિવસ પણ નથી, પણ કેક આવી ગઈ. તે સમયે યોગેશ ગઢવીએ હિમાંશુના જન્મદિવસ અંગે સૌને જણાવ્યું હતું, ત્યારબાદ તેમણે ઉજવણી કરી. તેમણે કહ્યું કે, સમગ્ર ઘટનાને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં