Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતચંદ્રયાનની ડિઝાઇન બનાવવાના દાવા કરનાર મિતુલ ત્રિવેદીને આખરે સામી દિવાળીએ રાહત, સુરતની...

    ચંદ્રયાનની ડિઝાઇન બનાવવાના દાવા કરનાર મિતુલ ત્રિવેદીને આખરે સામી દિવાળીએ રાહત, સુરતની કોર્ટે શરતો સાથે આપ્યા જામીન

    કોર્ટે ₹25,000ના બોન્ડ પર મિતુલ ત્રિવેદીને જામીન આપ્યા છે અને સાથે અમુક શરતો મૂકી છે. જે અનુસાર, જ્યારે પણ કોર્ટ આદેશ કરે ત્યારે તેમણે હાજર થવાનું રહેશે. વધુમાં, આ જ પ્રકારના ગુના કરી શકે નહીં કે તપાસ કે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે નહીં.

    - Advertisement -

    મિશન ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો હતો અને સુરતમાં મિતુલ ત્રિવેદી ISROના વૈજ્ઞાનિકોના શ્રેયને પોતાને નામે કરી રહ્યો હતો. ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવનાર મિતુલ ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી કાયદાકીય સંઘર્ષોનો સામનો કરી રહ્યો છે. એ વચ્ચે જ તેણે 2 વખત કોર્ટને જામીન અરજી પણ કરી હતી. અદાલતે બંને જામીન અરજીઓને ફગાવી દીધી હતી. જ્યારે હવે સામી દિવાળીએ તેની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે. 

    સુરત સિવિલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરીને મિતુલ ત્રિવેદી દલીલ કરી હતી કે આ કેસમાં તેને આરોપી બનાવવાના પ્રથમ દ્રષ્ટિએ કોઇ પુરાવા નથી તેમજ ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. સાથે ટ્રાયલ દરમિયાન જ્યારે પણ જરૂર હશે ત્યારે પોતે હાજર થવાની અને કોર્ટ જામીન માટે જે શરતો નક્કી કરે તે માન્ય રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. 

    અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, FIR જોતાં સ્પષ્ટ છે કે આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ કેસ તો બને છે પરંતુ તેનો અર્થ એ નથી કે જામીન મંજૂર ન કરી શકાય. તે માટે ગુનાની ગંભીરતા, આરોપીનો ભૂતકાળ, ટ્રાયલ દરમિયાન તેની હાજરી અને ગુનામાં મહત્તમ સજા, સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડની સંભાવનાઓ વગેરે પણ જોવામાં આવે છે. 

    - Advertisement -

    કોર્ટે નોંધ્યું કે, આ કેસમાં આરોપીને ફર્જી દસ્તાવજો પરથી કોઇ લાભ પહોંચ્યો ન હતો. ઉપરાંત તેઓ સુરતના કાયમી રહેવાસી છે અને કોઇ ગુનાહીત ભૂતકાળ પણ નથી. વધુમાં કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે અને આગળ તપાસની કોઈ જરૂર નથી. તેમજ પુરાવા કે સાક્ષીઓને પ્રભાવિક કરી શકે તેવી પણ શક્યતા જણાતી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે, અગાઉ પણ આરોપીએ જામીન અરજી રજૂ કરી હતી પરંતુ તપાસ ચાલુ હોવાના કારણે કોર્ટે નામંજૂર કરી હતી, પરંતુ હવે ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે અને તપાસની કોઇ જરૂર નથી. આ સંજોગોમાં આરોપીને જામીન આપવામાં આવે છે.

    કોર્ટે ₹25,000ના બોન્ડ પર મિતુલ ત્રિવેદીને જામીન આપ્યા છે અને સાથે અમુક શરતો મૂકી છે. જે અનુસાર, જ્યારે પણ કોર્ટ આદેશ કરે ત્યારે તેમણે હાજર થવાનું રહેશે. વધુમાં, આ જ પ્રકારના ગુના કરી શકે નહીં કે તપાસ કે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે નહીં. આ સિવાય હાલના કાયમી સરનામાંને લઈને સોગંદનામું દાખલ કરવું પડશે. કોર્ટના આદેશની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    શું છે મામલો?

    ISROના વૈજ્ઞાનિકોએ બે મહિના પહેલાં ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. આ મિશન સફળ થવાની સાથે જ ભારત વિશ્વનો એવો પહેલો દેશ બની ગયો હતો જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો હતો. દેશના આ મહત્વકાંક્ષી મિશનની સફળતા બાદ દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. અનેક લોકોએ દેશના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. આ બધી ઘટનાઓ વચ્ચે સુરતના મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કર્યો હતો. આ બાબતે મિતુલ ત્રિવેદી અને તેના શિક્ષકનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું. જે બાદ ગુજરાતમાં તેની બોલબાલા થઈ ગઈ હતી.

    જોકે, પછીથી ‘સંદેશ’ અને ‘ગુજરાત મિત્ર’ વગેરે સ્થાનિક અખબારોમાં મિતુલના દાવા પર પ્રશ્નો ઉઠાવતા અહેવાલો પ્રકાશિત થયા બાદ મામલો સુરત પોલીસ પાસે પહોંચ્યો હતો. સુરત પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કરતાં મિતુલના દાવામાં ઝોલ હોવાનું જણાયું હતું. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ ત્રિવેદીએ બે વખત કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી પરંતુ તપાસ ચાલુ હોવાથી બંને વખત રાહત આપવામાં આવી ન હતી. છેલ્લે સપ્ટેમ્બરમાં કોર્ટે જામીન અરજી ફગાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં