તાજેતરમાં જ ગાંધીનગરમાં (Gandhinagar) પંજાબી અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝનો (Diljit Dosanjh) એક કાર્યક્રમ યોજાઈ ગયો. તેના આ કાર્યક્રમાં તેણે મંચ પરથી ગુજરાત સરકારના (Gujarat Government) વખાણ કર્યા. તેણે ગુજરાતમાં દારૂબંધીને (Dry State) લઈને ગુજરાત સરકારને બિરદાવી હતી. સાથે સાથે તેલંગાણા સરકાર પર તેણે કટાક્ષ કર્યા હતા. તેણે કહ્યું કે, તે ગુજરાત સરકારને ટેકો આપે છે અને અહીયાની જેમ જ અમૃતસરને પર દારૂ મુક્ત કરવામાં આવે.
વાસ્તવમાં ગાંધીનગરમાં દિલજીત દોસાંઝનો કાર્યક્રમ થયો તે પહેલા તેનો એક કાર્યક્રમ તેલંગાણા ખાતે યોજાયો હતો. તેના આ કાર્યક્રમ પહેલા જ તેલંગાણા સરકારે તેને એક નોટીસ ફટકારી દીધી હતી. તે નોટીસમાં તેને તેના દારૂ પર લખેલા ગીતો ન ગાવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. મજાની વાત તે છે કે તેલંગાણા ગુજરાતની જેમ ડ્રાય સ્ટેટ નથી, ત્યાં જાહેરમાં ખૂબ સરળતાથી દારૂ મળી જાય છે. આ કાર્યક્રમ બાદ તરત જ દિલજીત દોસાંઝનો બીજો કાર્યક્રમ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે હતો.
ગાંધીનગરના મંચ પર આવીને દિલજીત દોસાંઝે પ્રેક્ષકોને સંબોધતા કહ્યું કે, “ખુશીની વાત તે છે કે, આજે મને કોઈ નોટીસ નથી આવી. તેનાથી મોટી ખુશખબર એ છે કે આજે પણ હું દારૂ પર એક પણ ગીત નહીં ગાઉં. અચ્છા પૂછો કે કેમ નહીં ગાઉં? કારણકે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. મેં અનેક ભક્તિના ગીતો ગયા છે, હમણાં જ મેં એક ગીત શિવબાબા પર અને એક ગીત ગુરુ નાનકદેવ પર ગયું છે પણ એની ચર્ચા કોઈ નથી કરી રહ્યું.”
તેલંગાણા સરકાર પર જતાવ્યો આક્રોશ
તેણે નોટીસને લઈને તેલંગાણા સરકાર પર આક્રોશ જતાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે દારૂ નથી પીતો અને દરેક રાજ્યોએ પોતાને ડ્રાય સ્ટેટ ઘોષિત કરી દેવા જોઈએ. તેણે ગુજરાત સરકારના વખાણ કરતા કહ્યું કે, “મને ખબર નથી, લોકો કહે છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. જો એવું હોય તો હું ગુજરાત સરકારનો ચાહક બની ગયો છું. હું ખુલ્લેઆમ ગુજરાત સરકારને ટેકો આપું છું. અમે ઈચ્છીએ છીએ કે અમૃતસર પણ ડ્રાય સિટી બને. જો આમ થશે તો હું દારૂ પર ગીતો ગાવાનું બંધ કરી દઈશ.”
નોંધવું જોઈએ કે તેલંગણા સરકારે તાજેતરમાં દિલજીત દોસાંજના કેટલાક ગીતો સામે વાંધો ઉઠાવ્યો હતો. જે દારૂ અને હિંસા જેવા વિષયો સાથે સંબંધિત માનવામાં આવે છે. રાજ્યના કાર્યક્રમોમાં આ ગીતો રજૂ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેવામાં સરકારે દિલજીતને નોટીસ પાઠવીને તેના કોન્સર્ટમાં દારૂ, ડ્રગ્સ અને હિંસાના ગીતો ન ગાવા નિર્દેશ આપ્યા હતા. નોટીસમાં ‘પંજ તારા’ અને ‘પટિયાલા પેગ’ જેવા તેના વધુ લોકપ્રિય ગીતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.