નાણામંત્રી કનુ દેસાઈએ શુક્રવારે (2 ફેબ્રુઆરી, 2024) ગુજરાત રાજ્યનું ₹3 લાખ 32 હજાર 465 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે અનેક અગત્યની જાહેરાતો પણ કરી અને નવી યોજનાઓ વિશે પણ જાણકારી આપી. આ સિવાય મહત્વની જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું કે 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. તદુપરાંત, બજેટમાં સરકારે અનેક નવી યોજનાઓ પણ જાહેર કરી છે.
નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે : નાણામંત્રી શ્રી @KanuDesai180#ViksitGujaratBudget pic.twitter.com/kZldFpAcM2
— Gujarat Information (@InfoGujarat) February 2, 2024
આ નગરપાલિકાઓમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં હાલ નગરપાલિકા છે, જેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ નિર્ણયના કારણે આ શહેરોના વિકાસમાં તેજી આવશે.
નાણામંત્રીએ કહ્યું, “રાજ્યમાં શહેરીકરણનો દર વધી રહ્યો છે. અંદાજ મુજબ રાજ્યની 50 ટકા વસ્તી હાલ શહેરી વિસ્તારમાં રહે છે અને વર્ષ 2047 સુધીમાં આ ટકાવારી 75 ટકા સુધી પહોંચશે. શહેરી વિસ્તારો માત્ર રહેણાંક માટે જ સુવિધાજનક નથી પરંતુ આર્થિક વિકાસનાં કેન્દ્રો પણ બની રહ્યાં છે. સરકાર આ શહેરોના વિકાસ દ્રારા ઇઝ ઑફ લિવિંગમાં વધારો કરવા માટે દ્રઢ છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આ 7 નગરપાલિકાઓને મનપાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી પણ વધશે.
આ સિવાય વાર્ષિક બજેટમાં ગુજરાત સરકારે અનેક અગત્યની યોજનાઓ જાહેર કરી છે. જેમાં નમોલક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, જનરક્ષક યોજના, નમો શ્રી યોજના વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી નમોલક્ષ્મી અને નમો શ્રી યોજનાઓ અનુક્રમે કિશોરીઓ અને ધાત્રી અને સગર્ભા માતાઓ માટે જ્યારે નમો સરસ્વતી યોજના ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે. જનરક્ષક યોજનાઓ તમામ ઇમર્જન્સી સેવાઓ એક જ નંબર પર મળી રહે તે માટે માળખું ઊભું કરવા માટે લાવવામાં આવશે.
₹1250 કરોડની નમોલક્ષ્મી યોજનાની જાહેરાત
આ સિવાય રાજ્ય સરકારે ધોરણ 9થી 12ની કન્યાઓ માટે ‘નામોલક્ષ્મી’ યોજનાની જાહેરાત કરી છે, જે માટે ₹1250 કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, “વિકસિત ગુજરાત@2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા અગત્યની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત ભવિષ્યના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું ‘નમોલક્ષ્મી યોજના’ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત, ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર, પાત્રતા ધરાવતી અંદાજે 1૦ લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10 હજાર અને ધોરણ 12 માટે વાર્ષિક ₹15 હજારની સહાય આપવામાં આવશે. તેમજ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયે ₹50 હજારની સહાય કરવામાં આવશે.
‘નમો શ્રી યોજના’
શિક્ષિત ગુજરાત, સ્વસ્થ ગુજરાત, વિકસિત ગુજરાત
— Kanu Desai (@KanuDesai180) February 2, 2024
બજેટમાં રાજ્યની સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ તથા કિશોરીઓના શિક્ષણ અને આરોગ્યને ધ્યાને લેતાં ત્રણ યોજનાની જાહેરાત કરવામાં આવી.
* નમો લક્ષ્મી યોજના
* નમો શ્રી યોજના
* નમો સરસ્વતી યોજના#ViksitGujaratBudget pic.twitter.com/1cpoLk9JqS
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન નમો શ્રી યોજનાની પણ જાહેરાત કરી. આ યોજના સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધુ સુદૃઢ કરીને તેમને સક્ષમ બનાવવા માટે લાવવામાં આવી છે. જે હેઠળ SC, ST, NFSA, PM-JAY સહિતનાં 11 માપદંડોમાં આવતી સગર્ભા મહિલાઓને ₹12 હજારની સહાય કરવામા આવશે. આ યોજનાથી પોષણ સાથે માતા અને નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે, જે માટે સરકારે ₹750 કરોડની જોગવાઈ કરી છે.
‘નમો સરસ્વતી યોજના’
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ‘નમો સરસ્વતી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં ₹10 હજાર અને ધોરણ 12માં ₹15 હજાર મળીને કુલ ₹25 હજારની સહાય કરવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે. જે માટે આગામી વર્ષે અંદાજે ₹400 કરોડનો ખર્ચ થશે.
‘જનરક્ષક યોજના’
🔸 112 – એક જ નંબર પર મળશે પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 2, 2024
🔸 ગુજરાત સરકારે જાહેર કરી જનરક્ષક યોજના.
🔸 રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.#ViksitGujaratBudget pic.twitter.com/p3Ly52CLFn
નાણામંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે, એક જ નંબર 112 પર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ‘જનરક્ષક યોજના’ની જાહેરાત કરવામાં આવે છે. આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.