અતિચર્ચીત મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સોમવારે (12 ડિસેમ્બર) ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારે પોતાનો જવાબ રજૂ કરવાનો હતો. જે બાદ રાજ્ય સરકારે કોર્ટમાં બંધ કવરમાં પોતાનું સોગંધનામુ રજુ કર્યું હતું. જે બાદ સમાચાર સામે આવી રહ્યા છે કે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરવામાં આવી શકે છે.
અહેવાલો અનુસાર રાજ્ય સરકારે તેના સોગંદનામામાં કહ્યું છે કે, પુલ તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકના નજીકના સંબંધીઓને કુલ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવનાર છે. આ સાથે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવનાર છે.
મોરબી પુલ દુર્ઘટનાનો મામલો
— Mantavya News (@mantavyanews) December 13, 2022
સુઓમોટો PILમાં સરકારની હાઇકોર્ટમાં ખાતરી
કસૂરવાર મોરબી પાલિકાને વિખેરી નંખાશે
મોરબી નપાને સુપરસીડ કરવા કાર્યવાહી કરાશે
આ મહત્વની રજૂઆત રાજ્ય સરકાર દ્વારા HCમાં કરાઈ
સરકાર તરફથી હાઇકોર્ટને ખાતરી અપાઈ#Morbi #Gujarat #Mantavyanews
મોરબી નગરપાલિકા થશે વિસર્જિત
તપાસમાં મોરબી પુલ દુર્ઘટનામાં મોરબી નગર પાલિકાની નિષ્કાળજી સામે આવી હતી. આ પુલના રિનોવેશન બાદ તેની તપાસ કર્યા વગર શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ બ્રિજ તૂટવાને કારણે 135 જેટલા લોકોના મોત થયા હતા. સમગ્ર ગુજરાત સહિત દેશમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
હવે માહિતી મળી રહી છે કે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરવામાં આવનાર છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર મોરબી નગર પાલિકાને સુપરસીડ કરશે.
દિવાળીના તહેવારોમાં તૂટી પડ્યો હતો પુલ
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે 30 ઓક્ટબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. આ બ્રિજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો. આરોપ છે કે ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ અપાયો હતો જેને જિંદાલ ગ્રૂપે કામ સોપ્યું હતું.
દુર્ઘટનાના બીજા જ દિવસે આ ઘટના વખતનો CCTV વિડીયો વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો જોવા મળેલ જે મોરબી ઝૂલતા બ્રિજના CCTVનો હોવાનું જણાયું હતું. વિડીયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પુલ પર હાજર સંખ્યાબંધ લોકોમાંથી કેટલાક યુવાનો એક સાથે એ પુલને ધક્કો મારીને ઝૂલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એવામાં એક જ ક્ષણમાં પુલ તૂટીને પાણીમાં ગરકાવ થઇ જાય છે અને સાથે જ તેના પર હાજર લોકો પણ તણાઈ જાય છે.