મોરબીમાં રવિવારે (30 ઓક્ટોબર 2022) મચ્છુ નદી પર બનાવવામાં આવેલ ઝૂલતો પુલ તૂટી પડતાં 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. હાલ સ્થળ પર રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ઇજાગ્રસ્તોની સારવાર પણ શરૂ કરવામાં આવી છે. મોરબી ખાતેની દુર્ઘટના સમયના અને તે પહેલાંના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ઘટના બનવાનાં કારણો વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
આ ઘટનાને લઈને એન્જીનીયરોનો શું મત છે તે જાણવા માટે ઑપઇન્ડિયાએ બાંધકામ નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો. જેમના મત અનુસાર આ બ્રિજ લોકોના વધુ પડતા વજનના કારણે નહીં પરંતુ મટિરિયલ ફેલ્યોરના કારણે તૂટી પડ્યો હોઈ શકે.
અમદાવાદ સ્થિત બાંધકામ નિષ્ણાત ડૉ. દેવાંશુ પંડિત આ વિશે વાત કરતાં કહે છે કે, સસ્પેન્શન બ્રિજનું વજન બે કેબલ પર ટકેલું હોય છે અને આ કેબલને બે છેડા પર પાયલોન ટાવર થકી એન્કર કરવામાં આવ્યા હોય છે. આ બેમાંથી એક કેબલની ફેલ્યોર થઇ હોય, જેના કારણે આ ઘટના બની હોય શકે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી કે કેબલ જૂના હોય તો ઘસારાના કારણે નબળા પડ્યા હોય અને તૂટ્યા હોઈ શકે.
બ્રિજ તૂટ્યા બાદ સતત સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે ક્ષમતા કરતાં વધુ માણસો એકઠા થયા હોવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હોવો જોઈએ. જોકે, એન્જીનીયરો માને છે કે લોકોનું વજન આ દુર્ઘટના પાછળ કારણભૂત ન હોઈ શકે.
ડૉ. દેવાંશુ પંડિત કહે છે કે, લોકોનું વજન એક નાનું પરિબળ છે. કારણ કે પુલનું પોતાનું પણ વજન તેનાથી અનેકગણું વધારે હોય છે. અને આવા બ્રિજ 400થી 500 માણસોનું વજન ખમી જ શકે છે. જેથી વજનને કારણભૂત ગણવા કરતાં આ મટીરીયલ અથવા જોઈન્ટ ફેલ્યોરના કારણે થયું હોય એમ કહેવું વધુ યોગ્ય રહેશે.
PWDનાં નિવૃત્ત ચીફ એન્જીનીયર એમએમ જીવાણી પણ આ જ મત ધરાવે છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, બ્રિજના બાંધકામમાં પ્રતિ ચો.મી વજન વહેંચવામાં આવે છે. એથી આટલા લોકોનું વજન વધુ ન કહેવાય. જેથી આ પુલ વજનના કારણે નહીં પરંતુ સસ્પેન્ડર્સ તૂટવાના કારણે જ ધસી પડ્યો હોવાનું લાગી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, “હાલ જ્યાં સુધી તપાસના રિપોર્ટ ન આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં કેટલાક પ્રશ્નો ઉદભવે છે. કોઈ પણ સ્ટ્રક્ચરની સુરક્ષા તેની ડિઝાઇન પર આધારિત રહે છે. આ કિસ્સામાં ડિઝાઇન જૂની હતી. ઉપરાંત, એ પણ જાણવું જોઈએ કે આ ડિઝાઇન બન્યા બાદ તેનું અમલીકરણ યોગ્ય રીતે થયું છે કે કેમ? તેમજ ત્રીજું પાસું એ છે કે, જે કોઈ ખાનગી એજન્સીને આ રીનોવેશનનું કામ આપવામાં આવ્યું હોય, તેમણે કામ પૂર્ણ કર્યા બાદ તેની ગુણવત્તા ચકાસવા માટે કોઈ સરકારી એજન્સીએ તપાસ કરી હતી કે કેમ? આ પરિબળો પણ ચકાસવાં જોઈએ.”
હાલ રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાની તપાસ કરવા માટે એક સમિતિ નીમવામાં આવી છે. જે વિગતે તપાસ કરે ત્યારબાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ થઇ શકશે. પરંતુ એન્જીનીયરો માને છે કે આ શક્યતાઓના કારણે બ્રિજ તૂટી પડ્યો હોય શકે.
મોરબી દુર્ઘટના બાદ એક તરફ સ્થાનિક તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા તરફથી કહેવામાં આવ્યું કે, તેમની પરવાનગી વગર જ ઓરેવા કંપની દ્વારા બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. જોકે, અહીં એક પ્રશ્ન એ પણ સર્જાય છે કે બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ છેક પાંચ દિવસ થઇ ગયા હોવા છતાં સ્થાનિક તંત્રે કેમ કોઈ પગલાં લીધાં ન હતાં?