Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રધાનમંત્રી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે : રાજ્યમાં ₹20,000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ...

    પ્રધાનમંત્રી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે : રાજ્યમાં ₹20,000 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની ગુજરાતની યાત્રાએ આવ્યા છે. અહીં ગાંધીનગર, બનાસકાંઠા, જામનગર અને દાહોદમાં તેમના વિવિધ કાર્યક્રમો છે.

    - Advertisement -

    ગુજરાતમાં PM મોદી : વડાપ્રધાન મોદી સોમવારે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ જામનગરમાં પરંપરાગત દવાઓના નવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રનો શિલાન્યાસ કરતી વખતે ₹20,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

    અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ PM મોદી રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શરૂ કરાયેલ સુધારાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગના નવા સ્થાપિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે ગયા હતાં.

    આ સેન્ટર સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સર્વેલન્સ સિસ્ટમ તરીકે કામ કરે છે. 2019 માં સ્થપાયેલા અને ગયા વર્ષે અપગ્રેડ કરાયેલા કેન્દ્રની મુલાકાત લીધા પછી, મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી.

    - Advertisement -

    PM મોદીએ ટ્વિટ કરીને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે નવું નામ સૂચવ્યું હતું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થોડા સમય પહેલા જ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું નામ બદલાયુ હતું. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની જગ્યાએ વિધા સમીક્ષા કેન્દ્ર લખવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત મુખ્ય બિલ્ડીંગનુ પણ નામ બદલી દેવાયુ છે. પીએમ મોદીના ટ્વીટ બાદ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના બદલે વિધા સમીક્ષા કેન્દ્ર નામ કરાયુ છે.

    રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે સ્થાનિક રીતે ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ તરીકે ઓળખાતું કેન્દ્ર રાષ્ટ્રીય ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (NDEAR) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેકનોલોજી અને ડેટા આધારિત કેન્દ્ર છે.

    રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કેન્દ્ર 55,000 શાળાઓ પર દેખરેખ રાખી રહ્યું છે અને 1.2 કરોડ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોને સુધારવામાં મદદ કરવા માટે 4 લાખ શિક્ષકોને હાથવેગા રાખે છે. આ કેન્દ્ર પ્રાથમિક શિક્ષણના ગુણાત્મક સુધારણા માટે સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની હાજરી અને કાર્યનું વાસ્તવિક સમયનું ઓનલાઈન મોનિટરિંગ કરે છે.

    PM આજે બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે

    પ્રધાનમંત્રી આજે સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલું ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા 600 કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવું તૈયાર કરવાં આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે.

    પ્રધાનમંત્રી બનાસ સામુદાયિક રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ સામુદાયિક રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશન સાથે 1700 જેટલા ગામડાના લગભગ 5 લાખ કરતાં વધારે ખેડૂતો જોડાશે જેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝની પ્રોડક્ટ્સ અને છાસ પાવડરના ઉત્પાદન માટે વિસ્તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરશે.

    આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટને પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન ખીમાના, રતનપુરા – ભીલડી, રાધનપુર અને થાવર ખાતે 100 ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્લાન્ટ્સના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે.

    પ્રધાનમંત્રી જામનગરમાં WHO ના વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે

    19 એપ્રિલ રોજ પીએમ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ , રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

    વિશ્વ આરોગ્ય સંસ્થાનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે. આથી આ જામનગર માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આના લીધે પરંપરાગત ચિકિત્સાઓ દ્વારા યોગદાનમાં વૃદ્ધિ થશે. જેને લઈને ઈન્સ્ટિટયુટ ઓફ ટીંચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદના ડાયેરકટર ડૉ.અનુપ ઠાકર ઈત્રની તમામ ટીમ દ્વારા વિશેષ કાર્યકમના આયોજન માટે રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.

    દાહોદના આદિજાતિ મહાસંમેલનમાં વડાપ્રધાન હાજરી આપશે

    ગુજરાતમાં PM મોદી પોતના પ્રવાસના ત્રીજા દિવસે 20 એપ્રિલે બપોરે 3.30 વાગ્યે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 22,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

    સંમેલનમાં 2 લાખથી વધુ લોકો આવવાની આશા છે. વડાપ્રધાન 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં તેઓ દાહોદ જિલ્લા દક્ષિણ પ્રદેશમાં પ્રાદેશિક પાણી પુરવઠા યોજના, વડાપ્રધાન આશરે રૂ. 335 કરોડના દાહોદ સ્માર્ટ સિટીના પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસી લોકોને 120 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. વડાપ્રધાન 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહ, આંગણવાડી અને અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન દાહોદમાં ઉત્પાદન એકમ ખાતે 9000 HP ઈલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન માટે શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટની કિંમત લગભગ 20,000 કરોડ રૂપિયા છે.

    આ ઉપરાંત વડાપ્રધાન લગભગ રૂ. 550 કરોડના મૂલ્યના રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જેમાં અંદાજે રૂ. 300 કરોડના પાણી પુરવઠાને લગતા પ્રોજેક્ટ, રૂ. 175 કરોડના દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, દુધીમતી નદી પ્રોજેક્ટને લગતા કામો, ઘોડિયા ખાતે ગેટકો સબસ્ટેશન સહિત અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 18થી 20 એપ્રિલ એટલે કે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં PM મોદીની અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં