ગુજરાતનો ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો તેમના એક નિવેદનના કારણે વિરોધ કરી રહ્યો છે અને તેમની ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. દરમ્યાન, રવિવારે (14 એપ્રિલ) રૂપાલાના વિરોધમાં રાજકોટ ખાતે એક મહાસંમેલન પણ યોજવામાં આવ્યું. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ક્ષત્રિય યુવાને લખેલો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પત્ર કુલદીપસિંહ જાડેજા નામના એક યુવાને લખ્યો છે. સોશિયલ મીડિયામાં જે પત્ર વાયરલ થઇ રહ્યો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પરષોત્તમ રૂપાલાને સમર્થન આપવામાં આવ્યું છે. પત્ર લખનાર યુવાને પત્રમાં સમાજને ટકોર કરીને રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર રૂપાલાને સમર્થન આપવા હાકલ કરી છે. કુલ 7 મુદ્દાઓમાં લખવામાં આવેલા આ પત્રમાં કુલદીપસિંહ જાડેજાએ અનેક કારણો આપીને સમાજને અપીલ કરી છે કે જ્ઞાતિ-જાતિના વિખવાદમાં પડ્યા વગર હિંદુત્વ માટે કામ કરવું જોઈએ.
પત્રમાં જાડેજા સમાજને પ્રશ્ન પૂછી રહ્યા છે કે વર્તમાન સમય એ રામરાજ્યનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે, ત્યારે તેની ઉજવણી કરવાના બદલે સમાજે જ્ઞાતિ-જાતિના વિખવાદમાં પડવું જોઈએ કે કેમ? તેમણે કહ્યું કે, જાતિગત અહંકાર ક્યારેય રાષ્ટ્રપ્રેમ કરતાં મોટો ન હોઈ શકે. આ જ મુદ્દામાં તેઓ જણાવે છે કે, જાતિગત વાડા રાષ્ટ્ર કે હિંદુત્વથી ઉપર ન હોય.
પરષોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને તેઓ લખે છે કે, “આ વાત તેમના મગજમાં આવી ક્યાંથી?” આગળ લખ્યું કે, “કોઇ પણ નાનું બાળક ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કરે એટલે તેના મગજમાં જોધા-અકબરનાં લગ્ન થઈ જાય.” તેમણે એવો પણ તર્ક આપ્યો કે આ માટે રૂપાલાને દોષી ઠેરવવા કરતાં NCERTને દોષી ઠેરવવું જોઈએ.
પરષોત્તમ રૂપાલાના ભૂતકાળને ટાંકીને કુલદીપસિંહે લખ્યું છે કે, “રૂપાલા સાહેબનો ઈતિહાસ જોઈ લો, તેમણે ક્યારેય કોઈ ક્ષત્રિયો વિરુદ્ધ કોઈ જ નિવેદનો નથી કર્યાં. પણ ક્ષત્રિયોનાં વખાણ કરતા તેમના અનેક વિડીયો તમને ઈન્ટરનેટ પર જોવા મળશે.” પત્રમાં તેઓ રૂપાલાને નિર્વિવાદિત અને ભ્રષ્ટાચાર વિરોધી નેતા ગણાવીને કહે છે કે, “35-35 વર્ષની કારકિર્દીમાં ભ્રષ્ટાચાર અને વિવાદથી કોસો દૂર રહેલા હિંદુવાદી નેતાને તેમના કામનું આપણે આ ફળ આપીશું? રૂપાલા સાહેબની મનોસ્થિતિ શું હશે? જેમણે હિંદુઓના ઉત્થાન માટે વર્ષો ખપાવી દીધાં હિંદુત્વના અમૃત સમાન ક્ષત્રિયો તેવા નેતા વિરુદ્ધ કેવી રીતે જઈ શકે?”
પત્રમાં યુવાને ભાજપ નેતાને માફ કરી દેવા માટે સમાજ સમક્ષ અપીલ કરી છે અને કહ્યું કે, આખરે તેઓ ‘આપણા’ છે તેમ માનીને ભૂલને માફ કરી દેવી જોઈએ અને સમાજે મોટપ દેખાડવી જોઈએ. તેમણે એવી પણ અપીલ કરી કે, સરસંઘચાલાક ડૉ. મોહન ભાગવતના વિચારો દરેક ક્ષત્રિય યુવાનો સાંભળે અને અખંડ હિંદુ રાષ્ટ્ર માટેના યજ્ઞમાં પોતાનાથી બનતું યોગદાન આપે.
આ પત્રમાં કુલદીપસિંહે સ્પષ્ટતા પણ કરી છે કે તેમણે આ પત્રમાં લખેલા મુદ્દાઓ સાચાને સાચું કહેવાની એક ક્ષત્રિયની ફરજના ભાગરૂપે લખ્યા છે, નહીં કે કોઈ અંગત સ્વાર્થ માટે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે તેમનો આમાં કશું જ અંગત સ્વાર્થ નથી કે ન તેઓ ભાજપ નેતા પાસે પોતાનું કોઇ કામ કરાવવા માંગે છે.
પત્રને લઈને ઑપઇન્ડિયાએ કુલદીપસિંહ જાડેજાનો સંપર્ક પણ કર્યો હતો. વાતચીતમાં તેમણે પુષ્ટિ કરતાં જણાવ્યું કે પત્ર તેમણે જ લખ્યો છે. સાથે એવી પણ અપીલ કરી કે વિવાદોથી દૂર રહીને તમામ હિંદુઓ એક થઈને કામ કરે.