Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત1 મતદાર માટે આખું બૂથ, 15 કર્મચારીઓનો સ્ટાફ પણ… ગુજરાતનું એવું મતદાન...

    1 મતદાર માટે આખું બૂથ, 15 કર્મચારીઓનો સ્ટાફ પણ… ગુજરાતનું એવું મતદાન મથક, જ્યાં માત્ર એક વ્યક્તિ કરે છે વૉટિંગ, દર વખતે થાય છે 100 ટકા મતદાન

    2002થી અહીં ચૂંટણી પંચ દરેક ચૂંટણીમાં મતદાન મથક ઉભું કરે છે. આ વર્ષે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મતદાન મથકની મુલાકાત લીધી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી આવી રહી છે. દેશભરનાં વિવિધ રાજ્યોમાં વિવિધ તબક્કામાં મતદાન હાથ ધરવામાં આવશે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં એકસાથે તમામ 26 બેઠકો અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. આ માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યના એક એવા મતદાન મથક પર પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, જ્યાં માત્ર એક જ મતદાર છે. આ મતદાન મથક સ્થિત છે ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ગામમાં. 

    સામાન્ય રીતે અન્ય મતદાન મથકો પર સરેરાશ હજાર-બારસોની સંખ્યામાં મતદારો નોંધાયેલા હોય છે. પરંતુ ગીર સોમનાથના બાણેજ ગામમાં આવેલું આ મતદાન મથક એવું છે, જ્યાં માત્ર એક જ મતદાર મતદાન કરે છે. તેમના માટે દર ચૂંટણીમાં રીતસર મતદાન મથક ઉભું કરવામાં આવે છે, સ્ટાફ મૂકવામાં આવે છે, સુરક્ષા વ્યવસ્થા કરાય છે અને એ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે છે, જે અન્યત્ર થાય છે. 

    બાણેજ ગામ ગીર ગઢડા તાલુકામાં આવેલું છે. અહીં જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરના મહંત સંત હરિદાસ આ મતદાન મથકના એકમાત્ર મતદાર છે. તેમના સિવાય અહીં કોઇ અન્ય વ્યક્તિ મતદાન કરતું નથી. વધુમાં, અહીં ભૌગોલિક સ્થિતિના કારણે પણ કામગીરી કરવી કઠિન છે, પરંતુ તેમ છતાં તેમના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે જે દેશમાં અન્ય મતદારો માટે હોય છે. 

    - Advertisement -

    2002થી મતદાન મથક ઉભું કરવામાં આવે છે 

    2002થી અહીં ચૂંટણી પંચ દરેક ચૂંટણીમાં મતદાન મથક ઉભું કરે છે. આ વર્ષે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મતદાન મથકની મુલાકાત લીધી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. અહીં તેમણે મંદિરમાં સાફ-સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો અને જિલ્લામાં આવતા પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. 

    મીડિયા સાથે વાતચીત કરતી વખતે કલેક્ટર ડી. ડી જાડેજાએ જણાવ્યું કે, “મહંતનું કાયમી નિવાસસ્થાન અહીં જ છે. જેથી ગાઈડલાઈન અનુસાર તેઓ ત્યાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે ત્યાં સ્થિત એક ફોરેસ્ટ ઑફિસમાં અમે એક મતદાન મથક ઉભું કર્યું છે.” આગળ જણાવ્યું કે, “તે પાછળનો મકસદ એ છે કે કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય.”

    આ મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઑફિસર, પોલિંગ એજન્ટ્સ, પ્યુન, CRPFના કર્મચારીઓ સહિત કુલ 15 વ્યક્તિઓનો સ્ટાફ મૂકવામાં આવશે. જેઓ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવશે. 

    પહેલાં અહીં મહંત ભરતદાસજી મતદાન કરતા, 2019માં તેમનું નિધન થયું

    દર ચૂંટણીમાં થતી પ્રક્રિયાને લઈને મહંત હરિદાસે જણાવ્યું કે, “દર વખતે એક દિવસ પહેલાં મતદાન મથક તૈયાર કરી દેવામાં આવે છે. તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહે છે. લોકતંત્રની વિશેષતા એ છે કે માત્ર એક મત માટે આટલી વ્યવસ્થા કરવામાં આવે છે. હું સૌને આગ્રહ કરું છું કે સૌ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકતંત્રને મજબૂત બનાવે. લોકતંત્ર મજબૂત થશે તો દેશનો વિકાસ થશે.”

    બાણેજમાં દર ચૂંટણીમાં મતદાનની ટકાવારી 100 ટકા રહે છે. જે રેકોર્ડ આ વર્ષે પણ યથાવત રહેશે. એ પણ નોંધનીય છે કે મહંત હરિદાસ પહેલાં અહીં મહંત ભરતદાસ રહેતા હતા. તેમના માટે વિશેષ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવતી. 2019માં તેમના નિધન બાદ તેમના શિષ્ય હરિદાસજી મંદિરના મહંત તરીકે સેવા આપે છે. હવે તેઓ અહીંના એકમાત્ર મતદાર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં