થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજકોટના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની હાજરીમાં તેમણે ઘરવાપસી કરી લીધી હતી. થોડા કલાકો પહેલાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીથી નારાજ હોવાના અહેવાલો ફરતા થયા હતા.
ગુજરાત કોંગ્રેસના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસીની તસ્વીરો પોસ્ટ કરવામાં આવી હતી. કોંગ્રેસે લખ્યું કે, ગુજરાતમાં ફરી એકવાર પરિવર્તન સાથે જોડાઈ રહ્યા છે સાથીઓ, ઇન્દ્રનીલ રાજ્યગુરુનું કોંગ્રેસ પરિવારમાં હાર્દિક સ્વાગત છે.
ગુજરાતમાં ફરી એકવાર પરિવર્તન સાથે જોડાઈ રહ્યા છે સાથીઓ ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું @INCGujarat પરિવારમાં હાર્દિક સ્વાગત છે. pic.twitter.com/HvbC66hyLX
— Gujarat Congress (@INCGujarat) November 4, 2022
કોંગ્રેસમાં પરત ફર્યા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી લોકોને ખોટા વાયદાઓ કરે છે અને પ્રજાને મૂર્ખ બનાવે છે. તેમણે એમ પણ કહ્યું કે, મારા ઘરે પરત ફરી શક્યો એનો મને આનંદ છે. તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી અને એમ પણ કહ્યું હતું કે, તેમની બેઠકો બે આંકડામાં પણ નહીં આવે.
આમ આદમી પાર્ટીના મોટા નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા
— News18Gujarati (@News18Guj) November 4, 2022
ઈન્દ્રનિલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘર વાપસી#CONGRESS #AAP pic.twitter.com/0Gjofc1qlR
આજે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ઘોષિત કર્યા બાદથી જ રાજકોટના નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજભા ઝાલા પાર્ટીથી નારાજ હોવાના સમાચારો સામે આવી રહ્યા હતા. ત્યારબાદ હવે તેઓ રાજીનામું આપીને વિધિવત કોંગ્રેસમાં પણ જોડાઈ ગયા છે.
ઈન્દ્રનિલ રાજ્યગુરુ પૂર્વ ધારાસભ્ય છે. 2017માં તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસની ટિકિટ પર લડ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પહેલાં જ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. આમ આદમી પાર્ટીમાં તેમને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા.
જોકે, પાર્ટીથી નારાજ ઇન્દ્રનીલ આજે સાંજે એકાએક દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં જઈને પોતાની જૂની પાર્ટી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો.
બીજી તરફ, વધુ એક નારાજ ‘આપ’ નેતા રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટી પર ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટીમાં નવા નેતાઓ આવે એટલે જૂના નેતાઓને સાઈડલલાઇન કરવામાં આવી રહ્યા છે. તેમજ કેજરીવાલ કોઈને મળતા ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર AAPમાં ભંગાણના એંધાણઃ રાજભા જાલાએ વ્યક્ત કરી નારાજગી, કહ્યું 'પાર્ટીમાં નવા નેતાઓ આવે એટલે જુનાને સાઈડલાઈન કરાય છે'#APPGujarat #GujaratElections2022 #RajbhaZala pic.twitter.com/gQn56FnsSG
— Gujarat Tak (@GujaratTak) November 4, 2022
આમ આદમી પાર્ટીએ સીએમ ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું તે અંગે રાજભા ઝાલાએ કહ્યું કે, ઈસુદાન ગઢવીનું નામ બહુમતી વગર જ સંગઠન દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું.