ગુજરાત ATS અને રાજ્ય GST વિભાગે એક કાર્યવાહી કરી આખા રાજ્યમાં કુલ 150 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર, ભરૂચ વગેરે મહાનગરોમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. કરચોરી અને હવાલાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Gujarat ATS, in a joint operation with GST, carried out raids at 150 locations in districts like Surat, Ahmedabad, Jamnagar, Bharuch, and Bhavnagar. Investigations were being carried out over tax evasion and money trail on international routes: Sources
— ANI (@ANI) November 12, 2022
આ મામલો ફર્જી બિલના નામો કરોડો રૂપિયાની લેવડદેવડનો હોવાનું કહેવાય છે. આ રૂપિયાનો ઉપયોગ કોઈ રાજકીય ફંડ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં કુલ 66 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ ઓપરેશન મોડી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું અને અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. મોટા વેપારીઓએ ફર્જી બિલની મદદથી મોટું હવાલા નેટવર્ક ઉભું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
હાલ, આ નેટવર્કમાં બીજા કેટલા લોકો સંકળાયેલા હોય શકે તે માટે વિભાગોએ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, ગુજરાત ATS અધિકારીઓએ GST વિભાગ સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલ આ દરોડા અને તપાસની કાર્યવાહીની અધિકારીક પુષ્ટિ પણ કરી હતી.
ગુજરાતમાં આગામી મહિને ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલાં પૈસાની હેરફેર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાંથી અત્યાર સુધીમાં 71.88 કરોડની રકમ જપ્ત કરી લેવામાં આવી છે.
ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના હવાલા કાંડે પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી. સુરત જિલ્લાની બારડોલી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી. ત્યારબાદ આ રૂપિયા દિલ્હીથી હવાલા મારફતે મોકલવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. એવું પણ સામે આવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વિવિધ વિધાનસભા બેઠકો પર હવાલાના પૈસાની હેરફેર કરવા માટે આમ આદમી પાર્ટીએ બહારના 30 લોકોને રોક્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પહેલી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને પાંચમી ડિસેમ્બરે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાશે. ત્યારબાદ આઠમી ડિસેમ્બરના રોજ એકસાથે પરિણામ જાહેર કરવામાં આવશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં પરિણામ પણ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. હિમાચલમાં આજે મતદાન થઇ રહ્યું છે.