Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતમોટાભાગની VIP બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ, ઈસુદાન, ઇટાલિયા, કથીરિયા- તમામ પાછળ:...

    મોટાભાગની VIP બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ, ઈસુદાન, ઇટાલિયા, કથીરિયા- તમામ પાછળ: ગુજરાતમાં ઐતિહાસિક જીત તરફ ભાજપ, કોંગ્રેસ-AAP સાફ

    - Advertisement -

    આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકો માટે કુલ 37 કેન્દ્રો ઉપર ગણતરી શરૂ થઇ ગઈ છે. શરૂઆતનાં રૂઝાનોમાં VIP બેઠકો સહિત ભારતીય જનતા પાર્ટી આગળ ચાલતી જોવા મળી રહી છે. 

    ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડીને ન ભૂતો ન ભવિષ્યતિ જેવું પરિણામ લાવવા તરફ આગળ વધી રહી છે. આ લખાય રહ્યું છે ત્યારે પાર્ટી 150 કરતાં વધુ બેઠકો સાથે આગળ ચાલી રહી છે. પાર્ટી એકતરફી જીત મેળવતી જણાઈ રહી છે. બીજી તરફ, ભાજપની આ સુનામીમાં કોંગ્રેસ-AAP તણાઈ ગયાં છે. 

    (બપોરે 12:15 વાગ્યાની સ્થિતિએ, માહિતી સાભાર: ECI Website)

    આમ આદમી પાર્ટીના મુખ્ય તમામ ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે. કતારગામથી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા 20 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે. ખંભાળિયા બેઠક પરથી AAPના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવી તથા વરાછા રોડ પરથી અલ્પેશ કથીરિયા 8-8 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે. 

    - Advertisement -

    ઘાટલોડિયા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અહીંથી 81 ટકા વોટશેર સાથે ભારે બહુમતીથી વિજય મેળવ્યો છે. ગત ચૂંટણીમાં પણ તેમણે મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2012થી આ બેઠક ભાજપનો કિલ્લો રહ્યો છે, જે હજુ પણ એટલો જ અભેદ્ય છે.

    મજુરા: ભાજપનો વધુ એક અભેદ્ય કિલ્લો મજુરા વિધાનસભા બેઠક છે. અહીંથી ગૃહમંત્રી હર્ષ સંઘવી લડી રહ્યા હતા. તેઓ 84 ટકા વોટશૅર સાથે એકતરફી જીત તરફ આગળ વધી રહ્યા છે. હવે માત્ર ઔપચારિકતાઓ બાકી રહી છે. 

    વરાછા રોડ: આ બેઠક આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી. અહીં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ બઢત મેળવી લીધી છે. તેઓ 8 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા બીજા ક્રમે છે. કોંગ્રેસ ઉમેદવારે બહુ નબળું પ્રદર્શન કર્યું છે. 

    કતારગામ: અહીં ભાજપના વિનુ મોરડિયા લગભગ 20 હજાર કરતાં પણ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પાછળ પડ્યા છે. શરૂઆતમાં ઇટાલિયા આગળ હતા, પરંતુ હવે તેઓ સતત પાછળ પડતા જાય છે. 

    ખંભાળિયા: શરૂઆતમાં અહીંથી આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે તેઓ ભાજપના મુળુભાઈ બેરા 8 હજાર મતોથી આગળ નીકળી ગયા છે. 

    મોરબી: અહીંથી ભાજપના કાંતિલાલ અમૃતિયા 26 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ ચૂંટણીમાં ચર્ચામાં રહેલી મોરબી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે. અહીંથી ભાજપે સીટિંગ MLA બ્રિજેશ મેરજાને સ્થાને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી હતી. 

    વિરમગામ: ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ અહીંથી 20 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. વિરમગામ તેમનું વતન છે. 

    ગાંધીનગર દક્ષિણ: અહીંથી ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોર 13 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. 2017માં તેઓ રાધનપુરથી કોંગ્રેસની ટિકિટ પર લડીને જીત્યા હતા. જોકે, આ વખતે ભાજપે તેમને ગાંધીનગર દક્ષિણ પરથી ટિકિટ આપી હતી. 

    વડગામ: કોંગ્રેસ ઉમેદવાર જીગ્નેશ મેવાણી સતત પાછળ ચાલી રહ્યા છે. અહીં ભાજપ તરફથી મણિલાલ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ એ જ નેતા છે જેમણે 2017માં મેવાણી માટે બેઠક ખાલી કરી આપી હતી. ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા. ભાજપના મણિલાલ વાઘેલા દોઢ હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. 

    (બપોરે 12:15 વાગ્યાની સ્થિતિએ, માહિતી સાભાર: ECI Website)

    જામનગર ઉત્તર: ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા આ બેઠક પરથી ભાજપમાંથી લડી રહ્યાં છે. શરૂઆતનાં રૂઝાનોમાં તેઓ પાછળ ચાલી રહ્યાં છે, પરંતુ હવે તેમણે 19 હજાર મતોથી બઢત મેળવી લીધી છે. (અપડેટ: ગુજરાત ફર્સ્ટના અહેવાલ અનુસાર, રિવાબા જાડેજાએ જીત મેળવી લીધી છે.)

    ઝઘડિયા: આમ તો આ બેઠક વસાવા પરિવારનો ગઢ માનવામાં આવે છે, પરંતુ અહીં છોટુ વસાવા સતત પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના રિતેશ વસાવા 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. અહીં છોટુ વસાવાની હાર નક્કી માનવામાં આવી રહી છે. 

    ભાવનગર પશ્ચિમ: શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અહીંથી 13 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર તેઓ બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને આ વખતે પણ ભાજપે તેમની ઉપર જ વિશ્વાસ મૂક્યો હતો. જેની ઉપર તેઓ ખરા ઉતરતા જણાઈ રહ્યા છે. 

    પોરબંદર: અહીંથી કોંગ્રેસ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 9 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. અહીં ભાજપ તરફથી બાબુ બોખીરીયા ઉમેદવાર છે. બંને દિગ્ગ્જ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 

    કુતિયાણા: અહીંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા 9 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક કાંધલ જાડેજાનો ગઢ કહેવાય છે. તેઓ 2012 અને 2017માં એનસીપીમાંથી ચૂંટાયા હતા. જોકે, આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની લ્હાયમાં એનસીપીએ તેમને ટિકિટ આપી ન હતી. ત્યારબાદ તેમણે રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી.

    અમરેલી: અહીંથી ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા 19 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી છે. બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે તેવું અનુમાન હતું, પરંતુ હવે કૌશિક વેકરિયા આગળ નીકળી ગયા છે. 

    ધાનેરા: અહીં મુખ્યત્વે જંગ ભાજપ અને અપક્ષ વચ્ચે હતો. ભાજપના ભગવાનભાઈ ચૌધરી સામે પૂર્વ ભાજપ નેતા માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી કરી હતી. અહીં હાલ માવજીભાઈ 19 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. 

    બાયડ: આ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમાર 2 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. અહીંથી કોંગ્રેસે મહેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. આ બેઠક એક લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. 

    થરાદ: અહીંથી બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર છે. શરૂઆતના રૂઝાનોમાં શંકર ચૌધરી 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. 

    વાઘોડિયા: અહીંથી ભાજપના બળવાખોર નેતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતાં તેમણે ઉમેદવારી કરી હતી. તેમને સ્થાને ભાજપે અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. આ બેઠક પણ શરૂઆતથી વિવાદો અને ચર્ચામાં રહી છે. અહીંથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 4 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. બીજા ક્રમે ભાજપ ઉમેદવાર છે. જ્યારે મધુ શ્રીવાસ્તવ હાલની સ્થિતિએ હારતા જણાઈ રહ્યા છે. 

    દ્વારકા: ભાજપ ઉમેદવાર પબુભા માણેકનો ગઢ કહેવાતી દ્વારકા બેઠક પર તેઓ 18 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. શરૂઆતમાં કોંગ્રેસ ઉમેદવાર આગળ હતા, પરંતુ હવે પબુભાએ બઢત મેળવી લીધી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં