અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) એક સાપ્તાહિકના તંત્રી અને સહાયકની ધરપકડ કરી છે. અમદાવાદમાં ચાલી રહેલા સાપ્તાહિક ‘જનસહાયક સમાચાર’ના તંત્રી કિરણસિંહ ચંપાવત અને અખબારમાં તેના સહયોગી ગણાતા નિતેષ ટેકવાની ACBએ ધરપકડ કરી છે. આરોપ છે કે, આ બંને શખ્સોએ મોબાઈલ એસેસરીઝની દુકાનમાં SGSTના અધિકારીઓના નામે દુકાન માલિક પાસેથી ₹50 લાખની ખંડણી માંગી હતી.
ત્યારબાદ આખી ડીલ ₹21 લાખમાં નક્કી થઈ હતી. તેમાંથી પ્રથમ હપ્તામાં 2 લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી. આ મામલે મોબાઈલ શોપના માલિકે ACBએ જાણ કરતાં આખું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બંને આરોપીઓએ 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ACBએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે.
બનાવની વધુ વિગતો મુજબ ફરિયાદીના ભાઈ મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવે છે. 4થી 5 મહિના અગાઉ SGST વિભાગે તેમની દુકાન પર દરોડા પાડ્યા હતા. તે સમયે ફરિયાદીને મદદ કરવાના બહાના દઈને આરોપી જનસહાયક સમાચારના તંત્રી કિરણસિંહ વિજયસિંહ ચંપાવતે SGST વિભાગના અધિકારીઓના નામે શરૂઆતમાં ₹50 લાખની ખંડણી માંગી હતી. જે બાદ થોડી રકઝક થઈ હતી અને તે પછી આ ડીલ ઘટાડીને ₹21 લાખ કરી નાખવામાં આવી હતી. જે અનુસાર રકમનો પ્રથમ ₹2 લાખનો હપ્તો શનિવારે (30 માર્ચ, 2023) અમદાવાદના ઇન્દિરા સર્કલ પાસે લઈ આવવાનું નક્કી થયું હતું.
"જનસહાયક સમાચાર" સાપ્તાહિકનાં તંત્રી કિરણસિંહ વિજયસિંહ ચંપાવત અને નિતેષ સંતોષકુમાર ટેકવાની, બંને પ્રજાજન રૂ।.૨,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) March 30, 2024
DIAL 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption #CareProgram
શનિવારે (30 માર્ચ, 2024) કિરણસિંહ ચંપાવત અને નિતેષ ટેકવા પૈસા લેવા માટે અમદાવાદના ઇન્દિરા સર્કલ પર પહોંચી ગયા હતા. જ્યારે ફરિયાદીએ આ મામલે ACBને પહેલાંથી જ જાણ કરી દીધી હતી. તેથી ACBના અધિકારીઓ પણ તે સ્થળ પર છુપાઈને વોચ રાખી રહ્યા હતા. જેવી આરોપીઓએ ફરિયાદી પાસેથી ખંડણી લીધી કે તરત જ ACBએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ પોલીસે આરોપી તંત્રી અને સહયોગી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આરોપી કિરણસિંહ વિજયસિંહ ચંપાવત જનસહાયક નામના સમાચાર પત્રના તંત્રી છે. જનસહાયક અમદાવાદમાંથી દર ગુરુવારે પ્રસિદ્ધ થતું સાપ્તાહિક છે. આ સાથે આરોપી નિતેષ પણ કિરણસિંહનો સહયોગી છે અને લાંચ લેવામાં પણ તેની સાથે જ હતો.