અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) માટેનું ડ્રાફ્ટ બજેટ બુધવારે (31 જાન્યુઆરી, 2024) રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે વર્ષ 2024-25 માટે 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. AMTS દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સામાન્ય નાગરિકો માટે AMTS, BRTS અને મેટ્રો કનેક્ટિવિટી વધારવા માટે શહેરમાં ત્રણ જગ્યાએ મેમનગર, અખબારનગર અને RTO ડેપોમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે ફરી એકવાર અમદાવાદના માર્ગો પર ડબલ ડેકર બસ જોવા મળશે. પ્રથમ તબક્કામાં સાત AC ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસ શરૂ કરવાની જોગવાઈ કરવામાં છે. જેમાંથી એક ડબલ ડેકર બસ અમદાવાદ પહોંચી ચૂકી છે, જેને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં ડબલ ડેકર બસની સુવિધા વર્ષ 1985માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે તે અમદાવાદના લાલ દરવાજા, આશ્રમ રોડ અને કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં દોડતી હતી. ત્યારે હવે 38 વર્ષના લાંબા ગાળા બાદ ફરી તે અમદાવાદના માર્ગો પર દોડતી દેખાશે. નવી ડબલ ડેકર બસ અમદાવાદના વાસણાથી આશ્રમ રોડ થઇ RTO સુધી ચલાવવામાં આવશે. એએમટીએસના ડ્રાફ્ટ બજેટ અનુસાર આવનારા સમયમાં એએમટીએસમાંથી તમામ ડીઝલ બસો પણ દૂર કરવામાં આવશે.
રજૂ કરવામાં આવેલા બજેટ મુજબ સિટી બસના દરેક બસ ટર્મિનસ પર પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ મૂકવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓની સુવિધા માટે ટર્મિનસ પર ક્યૂઆર કોડની સુવિધા પણ રાખવામાં આવશે, જેને સ્કેન કરી મુસાફરો બસોના રૂટ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકશે.
આ સાથે શહેરના રસ્તાઓ પર રોજની 1020 બસો દોડાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાંથી 795 બસ ખાનગી ઓપરેટરની રહેશે. આ ઉપરાંત ડ્રાફ્ટ બજેટમાં MP, MLAની ગ્રાન્ટમાંથી શહેરમાં 300 નવા બસ શેલ્ટર બનાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અમદાવાદના મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે.
ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે જણાવ્યું કે, માર્ચ મહિનાથી અમદાવાદના રસ્તાઓ પર લગભગ 100 નવી એસી બસો શરૂ કરવામાં આવશે. હાલ શહેરમાં જ્યાં 139 રૂટ પર બસો દોડે છે. તેને કુલ 150 રૂટ બનાવીને વધુ 11 નવા રૂટ પર AMTS બસો શરૂ કરવામાં આવશે. આ સાથે મિનિ CNG AC બસને પણ પોઇન્ટ ટુ પોઇન્ટ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.