ત્રણ વર્ષ પહેલાં સુરતમાં બનેલી તક્ષશિલા આગ દુર્ઘટનામાં 22 બાળકોના જીવ ચાલ્યા ગયા હતા. આ દુર્ઘટના વખતે સુરતના જતીન નાકરાણી બાળકો માટે દેવદૂત બનીને આવ્યા હતા અને જીવના જોખમે 15 બાળકોને બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જે બાદ ઇજાના કારણે કોમામાં સરી પડ્યા હતા. ત્યારથી તેઓ પથારીવશ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ આજે જતીન નાકરાણીને મળ્યા હતા અને પાંચ લાખનો ચેક આપ્યો હતો.
જતીન નાકરાણીને મળ્યા બાદ સીઆર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું કે, “તક્ષશિલાની દુર્ઘટનામાં 15 બાળકોને બચાવનાર જતીનભાઇ નકરાણીના પરિવારની મુલાકાત લીધી. જતીનભાઇ કોઇને ઓળખી શકતા નથી, સેવાનું કામ કરતા-કરતા એમનાં પર આવેલી આફતમાં અમે સૌ એની સાથે છીએ.”
ભારતીય જનતા પાર્ટી સુરત દ્વારા એમની સારવાર માટે 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં ઓપરેશનનું નક્કી થાય ત્યારે પી.એમ અને સી.એમ.ફંડમાંથી પણ એમને સહાય મળી રહે એવો પ્રયાસ કરીશું. ઇશ્વરને પ્રાર્થના કરું છું કે જતીનભાઇ જલ્દીથી સાજાં થઇ જાય.(2/2)
— C R Paatil (@CRPaatil) May 29, 2022
ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી સુરત દ્વારા જતીનભાઈની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. તેમજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ઑપરેશન માટે પીએમ અને સીએમ ફંડમાંથી તેમને સહાય મળી રહે તે માટે પણ તેઓ પ્રયાસ કરશે.
સીઆર પાટીલે કહ્યું, “જતીન નાકરાણીએ જે રીતે જીવન જોખમે 15 બાળકોના જીવ બચાવ્યા હતા એ હિંમતનું કામ હતું. તેમને માથાના ભાગે ઇજા થવાના કારણે પોતાની યાદશક્તિ ગુમાવી બેઠા છે. આવા સમયે ભારતીય જનતા પાર્ટી તેમની અને તેમના પરિવારની પડખે આવીને ઉભી છે અને હાલ શહેર ભાજપ તરફથી પાંચ લાખની આર્થિક મદદ કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં મેડિકલ સારવારની જરૂર હોવાથી ઑપરેશન માટે જેટલો ખર્ચ થશે તેમાંથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીના આરોગ્યલક્ષી ફંડમાંથી શક્ય એટલી સહાય આપવામાં આવશે.”
એકલે હાથ 15 બાળકોના જીવ બચાવ્યા હતા
સરથાણા નજીક તક્ષશિલામાં અચાનક આગ ફાટી નીકળી હતી ત્યારે ફાયર વિભાગ સ્થળ ઉપર પહોંચે તે પહેલાં આસપાસના લોકોએ બાળકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. જેમાં જતીન નાકરાણીએ એકલે હાથે અનેક બાળકોને બચાવીને બહાર કાઢ્યા હતા. જે બાદ તેઓ પોતે પણ બિલ્ડીંગ પરથી કૂદી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેઓ યાદશક્તિ ગુમાવી બેઠા છે. ઉપરાંત, તેમના હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું.
જતીનની સારવારમાં અત્યાર સુધીમાં તેમનો પરિવાર 40 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે. બીજી તરફ, જતીન ત્રણ વર્ષથી પથારીવશ હોવાના કારણે લોનના હપ્તા ભરી ન શકાતા બેંકે એક વખત સીલ મારી દીધું હતું. જેથી પરિવાર રસ્તા પર આવી ગયો હતો. જોકે, સ્થાનિક નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક બાદ બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું.
જોકે, જતીન નાકરાણીની સ્થિતિ અંગે જેમ-જેમ જાણ થઇ રહી છે તેમ દાનનો ધોધ વહી રહ્યો છે અને અત્યાર સુધીમાં 20 લાખથી વધુની રકમનું દાન મળી ચૂક્યું છે. જેમાં શહેરની સામાજિક સંસ્થાઓ, આગેવાનો અને ચેરિટેબલ ટ્રસ્ટ મદદે આવ્યા છે.