ફેસબુક પર એક જાણીતું ગ્રુપ ‘ગુજરાતી મીમ કોમ્યુનિટી’ હાલ વિવાદોનું કારણ બન્યું છે. ગ્રુપમાં કરવામાં આવેલી એક પોસ્ટથી હિંદુ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઇ છે અને વાત પોલીસને ફરિયાદ કરવા સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા પર હાલ સખત વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ, વિવાદ વધતો જોઈને પોસ્ટકર્તા ઇસમે માફી માંગી લીધી છે, જોકે તેમ છતાં વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી.
આ મામલો શનિવારે (13 જાન્યુઆરી, 2024) સામે આવ્યો હતો, જ્યારે ફેસબુક પર એક પોસ્ટનો સ્ક્રીનશોટ ફરતો થયો હતો. ‘ગુજરાતી મીમ કોમ્યુનિટી’ નામના એક પ્રાઇવેટ ગ્રુપમાં કરવામાં આવેલી આ પોસ્ટમાં ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરની બહાર લગાવવામાં આવેલી ‘ટૂંકાં વસ્ત્રો પર પ્રતિબંધ’ની સૂચનાને ભગવાનના જીવનના એક પ્રસંગ સાથે સાંકળવામાં આવી હતી અને ટીપ્પણી કરીને કથિત ‘મીમ’ બનાવવામાં આવ્યું હતું.
સ્ક્રીનશોટમાં જોવા મળ્યા અનુસાર, આ કથિત ‘મીમ’ ગુજરાતી મીમ કોમ્યુનિટી ગ્રુપમાં ‘અક્ષય દવે’ નામના એક શખ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું. જે સ્ક્રીનશોટ વાયરલ થયો છે તેમાં તે 26 મિનીટ પહેલાં અપલોડ થયેલું જોવા મળે છે. જોકે, વિવાદ વધતાં તેણે તે ડીલીટ કરી દીધું હતું, પરંતુ ત્યાં સુધીમાં તે વાયરલ થઈ ચૂક્યું હતું.
આ સ્ક્રીનશોટ ચિરાગ વાળા નામના યુઝરે પોસ્ટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો કે શું ક્રિએટીવીટીના નામે આ રીતે તુલના કરવી યોગ્ય છે? પછીથી તેમણે પોસ્ટ એડિટ કરીને જણાવ્યું હતું કે, વિવાદ ન વધે તે માટે સંભવતઃ પોસ્ટકર્તાએ પોસ્ટ ડિલીટ કરી દઈને પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી પ્રાઇવેટ કરી લીધું હોવા છતાં તેઓ પોસ્ટ નહીં હટાવે.
ત્યારબાદ અન્ય અમુક યુઝરોએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ રીતે કરોડો લોકોના આરાધ્યની મજાક ઉડાડી શકાય નહીં. લોકોએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યા કે આખરે પોચું ભાળીને હિંદુઓને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે, જ્યારે અન્ય ધર્મો-મઝહબો સાથે આ પ્રકારની અવળચંડાઈ કરવામાં આવતી નથી. ઘણા લોકોએ આ મામલે કાયદેસર પગલાં લેવા માટે માંગ કરી હતી. લોકોએ ધ્યાન દોર્યું કે ભગવાનના જીવનના એક નિર્દોષ પ્રસંગનો ઉપયોગ ભદ્દી મજાક ઉડાડવા માટે કરવામાં આવ્યો છે, જે ચલાવી લેવાય નહીં.
ત્યારબાદ આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ફેસબુક પર યુવી નિમાવતે એક પોસ્ટ કરીને જો માફી નહીં માંગવામાં આવે તો આ પોસ્ટ કરનાર અને સાથે ગ્રુપની એડમિન પેનલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની વાત કહી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું કે, જો ભગવાન શ્રીકૃષ્ણના અપમાન બદલ માફી માંગવામાં નહીં આવે તો તેઓ કાયદેસરનાં પગલાં લેશે અને તેની તૈયારી પણ થઈ ગઈ છે.
વિવાદ વધતો જોઈને પોસ્ટ કરનાર ઇસમે માફી માંગી
આ ઘટનાક્રમ બાદ અક્ષય દવેએ માફી માંગતી પોસ્ટ કરી હતી. જેમાં તે જણાવે છે કે, ડાકોર મંદિર બહારના બોર્ડ અને મંદિરની અંદર શ્રીકૃષ્ણ લીલાના ચિત્રને લઈને જે મીમ-પોસ્ટ મૂકેલ છે, તેને લઈને કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો કે પ્રયાસ નથી. છતાં વિવાદ ટાળવા માટે વાતની જાણ થતાં જ એ મીમ-પોસ્ટ GMC ગ્રુપમાંથી એક કલાક અંદર જ રિમૂવ કરાઈ છે. આગળ તે લખે છે કે, ‘આ વાતને લઈને જો કોઈની લાગણી દુભાઈ હોય તો એ માટે હું દિલગીર છું, તથા એવા કોઈ બદઇરાદા સાથે આ પોસ્ટ નથી કરી એની ખાતરી આપી બિનશરતી માફી માંગું છું. સાથે જ આ રીતે ગેરસમજ ઉભી કરીને આગળ ન ખેંચવા વિનંતી છે.’
જોકે, આ માફી બાદ પણ તેનો વિરોધ સતત ચાલુ જ છે. લોકો કહી રહ્યા છે કે આ માફીપત્ર ઓછો અને શબ્દરમત વધુ છે અને ધર્મનું અપમાન કર્યું છે તેવા શબ્દો જોવા મળતા નથી. સાથે એમ પણ કહ્યું કે, આ રીતે વારંવાર ભગવાન કે પરંપરાનું અપમાન કરીને પોસ્ટ કાઢી નાખવી અને આ રીતે કથિત માફી માંગી લેવી એ તેમની પદ્ધતિ રહી છે, જેથી પોસ્ટકર્તા અને એડમિનો દ્વારા રીતસરની બિનશરતી માફી માગવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કાયદાકીય કાર્યવાહી માટે પ્રક્રિયા ચાલુ રાખશે.
આ વિવાદ બાદ આ જ વ્યક્તિ દ્વારા આ જ ગ્રૂપમાં મૂકવામાં આવેલી અન્ય કેટલીક પોસ્ટના પણ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે, જેની વિરુદ્ધ પણ ધર્મ-સંસ્કૃતિ અને પરંપરાને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.