મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે (10 નવેમ્બર, 2023) અમદાવાદથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવાં 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરૂ થનારાં આ ભોજન વિતરણ કેન્દ્રોથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવાં 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થશે, જેનો દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.
🔹શ્રમિક અન્નપૂર્ણા યોજના: શ્રમિક પરિવારો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
— DD News Gujarati (@DDNewsGujarati) November 10, 2023
🔹અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો કરાવશે શુભારંભ
🔹273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે@Bhupendrapbjp @CMOGuj pic.twitter.com/5N2gdb7CcX
રાજ્યમાં અત્યારે 10 જિલ્લાના કુલ 118 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા એક વર્ષમાં આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી 55 લાખથી પણ વધારે ભોજન વિતરણ થયું છે. જે માટે વર્ષ 2022-23 અને 2023-24 માં કુલ રૂ. 2502 લાખ કરતાં વધારેનો ખર્ચ થયો છે. ત્યારે હવે નવાં 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થતાં રાજ્યમાં કુલ 273 કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારને પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 6.94 લાખ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષા સંબંધિત 17 યોજનાઓ કાર્યરત છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ઇ-નિર્માણ કાર્ડ ધારક શ્રમિકોને આપવામાં આવે છે.
ભોજન વિતરણ કેન્દ્રો ખાતે શ્રમિકના ઈ-નિર્માણ કાર્ડ ઉપર દર્શાવેલા ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરી ભોજન આપવામાં આવે છે. ત્યાં શ્રમિકને એક સમયનું ભોજન વધુમાં વધુ 6 વ્યક્તિની મર્યાદામાં આપવામાં આવે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેવા બાંધકામ શ્રમિકોની બુથ પર જ હંગામી નોંધણી થાય છે અને તેના આધારે 15 દિવસ સુધી ભોજન આપવામાં આવે છે. ત્યારબાદ ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિક તથા તેના પરિવારને માત્ર પાંચ રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે.