Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતચૈતર વસાવા કેસમાં પોલીસને મોટી સફળતા, 3 આરોપીઓના રિમાન્ડની માંગ કરતી અરજી...

    ચૈતર વસાવા કેસમાં પોલીસને મોટી સફળતા, 3 આરોપીઓના રિમાન્ડની માંગ કરતી અરજી મંજૂર: PA-ખેડૂત 2 દિવસના રિમાન્ડ પર, MLA પત્નીની જેલમાં કરી શકાશે પૂછપરછ

    તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, અન્ય આરોપીઓ ભાગતા ફરે છે અને પિસ્તોલ અને ₹60 હજારની રકમની રિકવરી બાકી છે ત્યારે રિમાન્ડ અરજી મંજૂર કરવી યોગ્ય જણાય છે.

    - Advertisement -

    વન વિભાગના કર્મચારીઓને મારવા-ધમકાવવાના ગુનામાં હાલ આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે પરંતુ તેમની પત્ની, પીએ અને એક ખેડૂતની ધરપકડ થઈ ચૂકી છે. ત્રણેય હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં (જેલમાં) છે. ધરપકડ બાદ 3 નવેમ્બરે પોલીસે ત્રણેયને ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતાં અને રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ ફગાવી દેવામાં આવી હતી અને જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે મંજૂર કરી દેવામાં આવી છે. 

    પોલીસની રિવિઝન પિટિશન પર બુધવારે (8 નવેમ્બર, 2023) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ખેડૂત અને PAના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ચૈતર વસાવાની પત્ની શકુંતલા બેનની જેલમાં જઈને પૂછપરછ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે, હાલ તેઓ ‘તબિયત લથડતાં’ સારવાર હેઠળ છે. 

    રિમાન્ડ અરજી મંજૂર કરતાં કોર્ટે ચૈતર વસાવાના PA અને ખેડૂતના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાથે જણાવ્યું હતું કે જો તેઓ પોલીસ તપાસમાં સહકાર ન આપે તો પોલીસ નિશ્ચિત સમયમર્યાદામાં ફરીથી રિમાન્ડ અરજી દાખલ કરી શકશે. બંનેના 9 નવેમ્બર સવારે 8 વાગ્યાથી 11 નવેમ્બર સવારે 10 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટના આદેશની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    AAP ધારાસભ્યની પત્નીને લઈને કોર્ટે કહ્યું કે, પોલીસ 18 નવેમ્બર સુધી જેલમાં જઈને શકુંતલાબેનની પૂછપરછ કરી શકશે અને જેમાં તેમણે સહકાર આપવાનો રહેશે. આ તારીખ સુધીમાં કોઇ પણ એક દિવસે પોલીસ તેમને બીમારીમાંથી રિકવર થયા બાદ બનાવવાળી જગ્યાએ લઇ જઈને ડેમોન્સ્ટેશન અને પંચનામાની અન્ય કાર્યવાહી પણ કરી શકશે. જો તેઓ પણ સહકાર ન આપે તો પોલીસ ફરીથી અરજી કરી શકશે. 

    કોર્ટમાં શું દલીલો થઈ? 

    પોલીસ તરફે અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુનો નોંધીને ધરપકડ કર્યા બાદ 3 આરોપીઓને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 3 નવેમ્બરે તે ફગાવી દીધી હતી અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જે હુકમ વિરુદ્ધ રિવીઝન અરજી દાખલ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી છે. 

    પોલીસ તરફથી વકીલે રજૂઆત કરતાં કહ્યું કે, આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને, એકસંપ થઈને સરકારી કામમાં દખલગીરી કરીને, ધાકધમકી આપીને નુકસાની પેટે 60 હજારની માંગણી કરી, રકમ સ્વીકારી પિસ્તોલથી ફાયરિંગ કરીને ગુના કર્યા છે. દરમ્યાન, આરોપી શકુંતલાબેન (ચૈતર વસાવાની પત્ની) અને રમેશભાઈ (ખેડૂત) બનાવ વખતે હાજર હતા અને તેઓ પિસ્તોલ ઓળખે છે. રૂપિયા 60 હજાર પણ રિકવર કરવાના બાકી છે તેમજ ફરિયાદીએ ATMમાંથી ઉપાડીને આપ્યા હોવાના પણ પુરાવા છે. રિમાન્ડ દરમિયાન અને તપાસમાં અન્ય પણ ઘણી હકીકતો ખૂલી શકે તેમ છે, જેથી અરજી મંજૂર કરવામાં આવે. 

    આરોપીઓના વકીલની દલીલો ફગાવાઈ

    બીજી તરફ, આરોપીઓ પક્ષેથી વકીલે દલીલ કરી હતી કે જમીનમાં જે વાવેતર હતું તે જમીનની સનદ તેમને મળી છે અને કપાસના પાકને મોટું નુકસાન થયું હતું. વધુમાં એવો પણ દાવો કર્યો કે, બનાવમાં કોઇ પિસ્તોલ કે હથિયારનો ઉપયોગ થયો નથી કે ગોળીબાર થયેલ નથી. એમ પણ કહ્યું કે, તપાસમાં આરોપીઓની હાજરીની કોઇ જરૂર નથી, જેથી અરજી નામંજૂર કરવામાં આવે. 

    આ ઉપરાંત, શકુંતલાબેન અને અન્ય આરોપીઓના વકીલે એવી પણ દલીલ કરી હતી કે તેમની જામીન અરજી હાલ પેન્ડિંગ છે જેથી આ રિમાન્ડ અરજી પણ હાલ મુલતવી રાખવામાં આવે. 

    જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપીઓને ખેતી માટે જે જમીન ફાળવવામાં આવી હતી તે જમીન ઉપરાંત અન્ય જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું અને વિભાગે માત્ર દબાણવાળી જમીનમાંથી જ વાવેતર દૂર કરવાની કાર્યવાહી કરી હતી. ઉપરાંત, એમ પણ કહ્યું હતું કે, આરોપી શકુંતલાબેનની સ્થળ પર હાજરી હોવાથી ડેમોન્સ્ટેશન, પંચનામું વગેરે કાર્યવાહી માટે તેમની હાજરી જરૂરી છે. સાથે એમ પણ કહ્યું હતું કે, તેમની વિરુદ્ધ અન્ય 2 ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા અને જે મામલે કાર્યવાહી ચાલી રહી છે. 

    ‘અન્ય આરોપીઓ ભાગતા ફરે છે, પિસ્તોલ-પૈસાની રિકવરી બાકી, અરજી મંજૂર કરીએ છીએ’: કોર્ટ

    તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, અન્ય આરોપીઓ ભાગતા ફરે છે અને પિસ્તોલ અને ₹60 હજારની રકમની રિકવરી બાકી છે ત્યારે રિમાન્ડ અરજી મંજૂર કરવી યોગ્ય જણાય છે. સાથે આરોપીઓના વકીલની દલીલો ફગાવીને કહ્યું હતું કે, રિમાન્ડનો હેતુ જુદો છે અને જામીનનો જુદો છે. જેથી જામીન અરજી દાખલ થઈ હોય કે મંજૂર કરવામાં આવી હોય તે સંજોગોમાં પોલીસ રિમાન્ડ ન આપી શકાય તેવો કોઈ સિદ્ધાંત કે નિયમ નથી. રિમાન્ડ આપવામાં આવે તોપણ જામીન અરજી તેને ધ્યાને રાખીને સાંભળી શકાશે. 

    નોંધનીય છે કે આ ત્રણેય આરોપીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. જે મામલે ગુરૂવારે (9 નવેમ્બર) સુનાવણી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, ફરાર ધારાસભ્ય ચૈતર વસાવાએ આગોતરા જામીનની અરજી મૂકી છે, જેની ઉપર પણ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.

    શું છે કેસ?

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર મારવાનો અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ છે. ગત 29 ઓક્ટોબરે ફોરેસ્ટ કર્મચારીઓએ ડેડિયાપાડાના એક ગામમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ ખેતી હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી. 

    વસાવાએ બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપ છે કે અહીં તેમને ધમકી આપીને, માર મારીને ખેડૂતને ‘વળતર’ ચૂકવવા માટે કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તેના PAએ ફરી કર્મચારીઓનો સંપર્ક કરીને વળતર અપાવ્યું હતું. આ ઘટના બાદ ફોરેસ્ટના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી. 

    ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવા, તેની પત્ની, PA અને ખેડૂત સામે રાયોટિંગ, ધમકી, ખંડણી વગેરે ગુનાની કલમ હેઠળ કેસ દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લીધી હતી, જ્યારે ચૈતર હજુ ફરાર છે. જેની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં