થોડા દિવસો પહેલાં સુરત જિલ્લાના બારડોલીમાં એક કારમાંથી 20 લાખ રૂપિયા ચોરાઈ ગયા હતા. આ રૂપિયા બારડોલી વિધાનસભા બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવારના હોવાનું જાણવા મળ્યું છે. આપ નેતાને દિલ્હીથી આંગડિયા મારફતે આ રૂપિયા મોકલાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ સિવાય તેમને અગાઉ પણ રૂપિયા મળી ચૂક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
કારમાંથી પૈસા ચોરી થયા બાદ બારડોલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે આ પૈસા તેમના હતા અને ચૂંટણી માટે મોકલવામાં આવ્યા હતા. આ પૈસા તેમના ડ્રાઈવરના નામે મોકલવામાં આવ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
જોકે, આટલી મોટી રકમ હોવાથી તેમજ આંગડિયા મારફતે મોકલવામાં આવી હોવાથી પોલીસે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી હતી. આ મામલે વિભાગે તપાસ કરતાં અગાઉ પણ આંગડિયા મારફતે 40 લાખ રૂપિયા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં જ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો થયા હતા, જેમાં આ પૈસા વાપરવામાં આવ્યા હોય તેવું અનુમાન છે.
હાલ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ એ તપાસ કરી રહી છે કે અગાઉ આ પ્રકારે સુરત જિલ્લામાં કેટલા રૂપિયા મોકલવામાં આવ્યા હતા અને કોણે મોકલ્યા હતા. બીજી તરફ, આ રૂપિયા જેના નામે મોકલવામાં આવ્યા તે વ્યક્તિ ઝીરો રિટર્ન ભરતો હોવાનું સામે આવ્યું હતું. ‘આપ’ નેતાનો ડ્રાઈવર બિહારનો વતની છે અને તે પણ પાર્ટીનો જ કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ, સુરત જિલ્લા પોલીસ વડાએ આ મામલાની તપાસ જિલ્લા SOGને સોંપી છે. જે પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થઇ શકે તેમ માનવામાં આવી રહ્યું છે.
બારડોલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 20 લાખ રૂપિયા મળ્યા હોવાનું સામે આવતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આટલા રૂપિયા રોકડા ક્યાંથી આવ્યા તે તેમને પૂછવું જોઈએ. તેઓ ઘણા વર્ષોથી ટેક્સ ભરતા નથી તો આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? કોણે મોકલ્યા? અને અગાઉ કેટલી રકમ મળી હતી આવા ઘણા પ્રશ્નો છે, જેના જવાબો તેમની પાસેથી મેળવવા જોઈએ.
આ મામલો શરૂ થયો હતો એક ચોરીથી, જેમાં બારડોલી પોલીસ સ્ટેશન સામે પાર્ક કરેલી કારના કાચ તોડીને 2 મોટરસાયકલ સવાર 20 લાખ રૂપિયાની બેગ ચોરીને ભાગી છૂટ્યા હતા. જોકે, તેમનો પીછો કરવામાં આવતાં બેગ મૂકીને ભાગી ગયા હતા. જે બેગ એક વ્યક્તિએ પોલીસ મથકે જમા કરાવી દીધી હતી. હવે આ રૂપિયા આપ ઉમેદવારના હોવાનું બહાર આવ્યું છે.