સુરતના બજરંગ દળના સહ-સંયોજક જય પટેલ પર માંગરોળ ખાતે મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે ઝંખવાવ ગામ પાસે તાફિક મુલતાની, બબ્બર મુલતાની સહિત 7 લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને ધમકી આપી હતી કે, જો અમારા ગામમાં ફરી દેખાયા તો જાનથી મારી નાખીશું. આ મામલે ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે હાલ 5 લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના બજરંગ દળ સહ સંયોજક તરીકે સેવા આપતા જય પટેલ તેમના કેટલાક મિત્રો સાથે રાજપીપળા ખાતે એક બજરંગ દળના જ કાર્યકર્તાની મુલાકાતે ગયા હતા. દરમિયાન ત્યાંથી પરત ફરતાં તેઓ ઝંખવાવ ચાર રસ્તા પાસે એક સ્થાનિક કાર્યકરને મળવા માટે ઉભા હતા ત્યારે મુલ્તાની ફળિયામાં રહેતો તૌફિક મુલ્તાની ત્યાં આવી પહોંચ્યો હતો અને ગાળો ભાંડવા લાગ્યો હતો. માથાકૂટ દરમિયાન તેણે ફોન કરીને અન્ય મુસ્લિમ યુવકોને બોલાવવાની વાત પણ કરી. પરંતુ સ્થિતિ વધારે ન બગડે તે માટે હિંદુ યુવકો ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ બે મુસ્લિમ યુવકોએ બાઈક લઈને તેમની કારનો પીછો કર્યો હતો અને બાજુમાં આવીને કાચ ખોલાવીને ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, ‘અમે અમારા ગામમાં શાંતિથી રહીએ છીએ. બીજી વખત અહીં દેખાયા તો મારી-મારીને તોડી નાખીશું.”
ફરિયાદ અનુસાર, જય પટેલ અને તેમના મિત્રો જેવા થોડા આગળ વધ્યા કે પાછળથી બાઈક પર આવેલા મુસ્લિમ યુવકોએ ગાડીના કાચ પર મુક્કા મારવાનું ચાલુ કરી દીધું હતું. તેની થોડે જ આગળ મકબુલ, સફીન અને હનીફ સહિતના અગાઉથી ઉભા હતા, જેમણે પણ ગાડી પર હુમલો કરીને હિંદુ કાર્યકર્તાઓને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બાદ ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી અને ગામમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વધુ વિગતો અનુસાર, બજરંગ દળના સંયોજક પર હુમલો કરવા મામલે પોલીસે કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાં રૌફિક મુલ્તાની, બબ્બર મુલતાની, મમ્મુ મુલ્તાની, મકબુલ મુલ્તાની, સફીન મુલ્તાની, તાહિર મુલ્તાની અને હનીફ મુલ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પૈકી પોલીસે તૌફીક, બબ્બર, મમ્મુ, મકબુલ અને સફીન એમ 5ની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય 2 આરોપીઓને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.