દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાતની યાત્રા કરી રહ્યા છે. શનિવારે પણ તેઓ ગુજરાત આવ્યા હતા, જ્યાં કેજરીવાલે ગુજરાતના ભાજપ કાર્યકરોને લાલચ આપીને કહ્યું હતું કે તેઓ ભાજપમાં રહીને ‘આપ’ માટે કામ કરે.
રાજકોટમાં બોલતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કાર્યકરો સત્તાધારી પાર્ટી પાસેથી પેમેન્ટ પણ લેતા રહે અને અંદરખાને આમ આદમી પાર્ટી માટે કામ પણ કરતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે જો રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ભાજપના કાર્યકરોને તે તમામ સુવિધાઓ અને લાભો મળશે જેનું તેમને વચન આપવામાં આવ્યું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમને ભાજપના મોટા નેતાઓની જરૂર નથી. ભાજપે પોતાના નેતાઓને પોતાની સાથે રાખવા જોઈએ. અમને તેમના પેજ પ્રમુખો અને ગામડાઓ, બૂથ અને તાલુકા સ્તરના કાર્યકરોની જરૂર છે. આ લોકો ‘આપ’માં જોડાઈ રહ્યા છે.
કેજરીવાલ અહીંથી જ ન અટક્યા અને કહ્યું કે ભાજપ પોતાના કાર્યકરોનું ધ્યાન રાખતી નથી. તેમના બાળકોને મફત અને સારું શિક્ષણ, તબીબી સુવિધાઓ અને વીજળી વગેરે આપવામાં આવતાં નથી. તેમણે આ કાર્યકર્તાઓને સુવિધાઓ આપવાનો વાયદો કર્યો હતો.
ભાજપ કાર્યકરોને લાલચ આપતાં કેજરીવાલે કહ્યું કે, તમે ભાજપમાં રહો, પરંતુ કામ આમ આદમી પાર્ટી માટે કરો. તેમાંથી ઘણાને પૈસા મળે છે. લેતા રહો, પણ અમારા માટે કામ કરતા રહો, કારણ કે અમારી પાસે પૈસા નથી.”
રાજ્યમાં તેમની પાર્ટીને જીતાડવા માટેની અપીલ કરતાં તેમણે કહ્યું, “હું એહસાન ફરામોશ નથી. હું એક મહિનામાં તમારી બધી માંગણીઓ પૂરી કરીશ.” કેજરીવાલે વાયદો કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 24 કલાક મફત વીજળી, બાળકો માટે મફત શિક્ષણ, પરિવાર માટે મફત તબીબી સંભાળ અને મહિલાઓને 1000 રૂપિયા ભથ્થું આપવામાં આવશે.
કેજરીવાલે દાવો તો એવો પણ કર્યો હતો કે, તેમણે એક સરવે કર્યો છે, જેમાં સુરતમાં આમ આદમી પાર્ટી 12માંથી 7 બેઠકો જીતવા જઈ રહી છે. સમય ઓછો છે, તેથી બધાએ પોતપોતાના સ્તરે પ્રચાર કરવો જોઈએ. તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને લાલચ પણ આપી હતી. જોકે, એ વાત અલગ છે કે સરવે સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પહેલેથી જ સારું રહ્યું નથી.
ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાય તેવું અનુમાન છે. ઓક્ટોબર અંત સુધીમાં આચારસંહિતા લાગુ થાય અને ત્યારબાદ એક મહિનામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, ચૂંટણી પંચ તારીખો જાહેર કરે પછી જ બધું સ્પષ્ટ થશે.