પાકિસ્તાનથી પ્રતાડિત થઈને ભારત આવેલા અને અમદાવાદમાં રહેતા કુલ 108 હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. મંગળવારે (12, સપ્ટેમ્બર 2023) અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામને વિધિવત નાગરિકતા આપવામાં આવી હતી.
નાગરિકતા પ્રાપ્ત કરનાર સૌને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, આજથી તમે ભારતના નાગરિક બની ગયા છો અને નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. તેમણે ઉમેર્યું કે, “દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ સંકલ્પબદ્ધ હશો એવી મને અપેક્ષા છે.”
તેમણે ઉમેર્યું કે, નાગરિક તરીકે સૌને તમામ અધિકારો મળશે અને તેઓ સરકારની યોજનાઓનો લાભ પણ ઉઠાવી શકશે. તેમણે સૌને ખાતરી આપી હતી કે સૌ ગુજરાતમાં સલામતીનો અનુભવ કરી શકશે.
🔸 In a program held in Ahmedabad, 108 applicants from the Ahmedabad district, who migrated from Afghanistan, Bangladesh, and Pakistan to India, were presented with the "Certificate of Indian Citizenship."
— Harsh Sanghavi (@sanghaviharsh) September 12, 2023
🔸 India's spirit of acceptance shines through in the dedication and… pic.twitter.com/q02jWIICdR
હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્રો મેળવનારા 108 ઘરોમાં દિવાળી જેવો માહોલ હશે. ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે જે ખુશીનું વાતાવરણ હોય છે તેવો માહોલ સૌ પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે. સાથે એમ પણ ઉમેર્યું કે, આજે વસુધૈવ કુટુમ્બકમની ભાવના પણ સાર્થક થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, બંને નેતાઓએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ આશ્રિતોને ભારતની નાગરિકતા મળે અને ઝડપી અને સરળતાથી મળે તે માટે સમયે-સમયે પ્રયાસો કર્યા છે અને તેનું જ પરિણામ છે કે આજે 108 લોકો નાગરિકતા મેળવી શક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ રહી છે અને તેમના રોજિંદા જીવનના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ સરકાર સંકલ્પબદ્ધ છે.
અમદાવાદમાં આવીને વસેલા 108 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા એનાયત કરવા યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ એમ પણ ઉમેર્યું કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 1149થી વધુ હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ પ્રદાન કરવામાં આવી ચૂક્યું છે. તેમણે આ માટે અમદાવાદના કલકેક્ટર અને સમગ્ર વહીવટી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018માં પ્રસિદ્ધ થયેલા ગેઝેટથી ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ- ટીઆરએસ જિલ્લાના કલેક્ટરોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતીઓને (હિંદુ, શીખ, પારસી, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી) નાગરિકતા અધિનિયમની પ્રક્રિયાઓ અનુસરીને ભારતનું નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી છે.