અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં આવેલ ‘અફઝલ ખાનનો ટેકરો’ નામ બદલીને ‘શિવાજીનો ટેકરો’ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. જે મામલે સુન્ની વક્ફ બોર્ડે વાંધો ઉઠાવ્યો છે અને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જે મામલે સુનાવણી હાથ ધરી કોર્ટે મહાનગરપાલિકાને નિર્દેશ આપી મુસ્લિમ સમુદાયે ઉઠાવેલ વાંધા મામલે વિચાર કરવા માટે કહ્યું છે.
જોકે, એએમસીની આ કાર્યવાહી પર વાંધો ઉઠાવતાં અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ સમિતિએ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ વિસ્તાર છેલ્લા 400 થી 500 વર્ષથી છે અને એવો પણ દાવો કરવામાં આવ્યો કે ન્યૂ ક્લોથ માર્કેટની સામે આવેલ સારંગપુરમાં વક્ફ પાસે 3,116 વર્ગ મીટર જમીનની માલિકી છે. ઉપરાંત, આ વિસ્તારમાં એક કબ્રસ્તાન, પીર અફઝલ ખાન નામની એક મસ્જિદ અને એ જ નામની એક ‘દરગાહ’ પણ સામેલ હોવાનું કહેવામાં આવ્યું છે અને એવો દાવો કરાયો છે કે તેનું ઐતિહાસિક મહત્વ છે, જે 400 થી 500 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી.
અરજીમાં એમ પણ કહેવાયું છે કે, મસ્જિદ અને દરગાહની સરહદ સાથે લાગતી કેટલીક ઝુંપડપટ્ટીઓ અને ઇમારતો છે જે મુસ્લિમો અને હિંદુઓની માલિકી છે. જેમાં કેટલાક અતિક્રમણ કરનારાઓ છે તો કેટલાક ભાડૂઆતો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો કે વક્ફની જમીન ઘણા સમયથી ‘અફઝલ ખાનનો ટેકરો’ નામથી પ્રખ્યાત છે.
જોકે, અરજદારે કોર્ટની સુનાવણીમાં કહ્યું કે જો કોર્પોરેશન તમામ પાસાંઓને આવરી લઈને નિર્ણય લે તો આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય તેમ છે. આ મામલે કોર્ટે એએમસીને એક અઠવાડિયાની અંદર વક્ફ સમિતિની અરજી મામલે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
જોકે, અહીં એ સ્પષ્ટ નથી કે જે પીર અફઝલ ખાનની અહીં વાત થાય છે એ જ અફઝલ ખાન છે જેને છત્રપતિ શિવાજીએ માર્યો હતો કે પછી કોઈ સ્વઘોષિત સૂફી સંતનું નામ છે જેની મજાર બની હતી. વધુમાં, વક્ફ બોર્ડ દાવો કરી રહ્યું છે કે આ વિસ્તારમાં આવેલ મસ્જિદ 500 વર્ષ પહેલાંની એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના પહેલાંની છે. પરંતુ, ‘શિવાજીનો ટેકરો’ નામ સામે વાંધો એટલા માટે છે કારણ કે હિંદુ રાજા છત્રપતિ શિવાજીએ આદિલશાહના સેનાપતિ અફઝલ ખાનને તેમના પ્રખ્યાત હથિયાર વડે મારી નાંખ્યો હતો.
જોકે, આ અફઝલ ખાન ક્યારેય અમદાવાદ આવ્યો ન હતો. પરંતુ એ વાત હકીકત છે કે છત્રપતિ શિવાજીએ મુઘલો દ્વારા પરોક્ષ રીતે શાસિત સુરત પર બે વખત ચડાઈ કરી હતી. જેથી અમદાવાદના અમુક વિસ્તારોનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી રાખવાનો વિચાર યોગ્ય છે કારણ કે તેમણે અહીં સ્વરાજ્યના વિસ્તારની ભવિષ્યવાણી કરી હતી. જ્યારે બીજી તરફ, આક્રાંતા અફઝલ ખાન ક્યારેય અમદાવાદ આવ્યો ન હતો. એ ન તો ગુજરાતી હતો કે ન તેનો અમદાવાદ સાથે કોઈ સબંધ હતો. તેને સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિ અને સભ્યો સાથે પણ કંઈ લાગતુંવળગતું ન હતું.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બર 1659માં છત્રપતિ શિવાજી મહારાજ અને આદિલશાહના સેનાપતિ અફઝલ ખાનની સેનાઓ વચ્ચે મહારાષ્ટ્રના સતારામાં યુદ્ધ લડાયું હતું, જેમાં અફઝલ ખાન પાસે સંખ્યાબળ વધુ હોવા છતાં શિવાજી મહારાજ અને તેમની સેનાનો વિજય થયો હતો.
ત્યારબાદ મુઘલ આક્રાંતા ઔરંગઝેબ દક્ષિણ છોડીને ઉત્તર તરફ ભાગી ગયો હતો અને છત્રપતિ શિવાજી મહારાજે સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે કોંકણ અને અન્ય રાજ્યો પર જીત મેળવવાની શરૂ કરી હતી અને ત્યારબાદ એક સામ્રાજ્યનો ઉદય થયો હતો.