આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગે નોંધાવેલી ફરિયાદના આધારે FIR નોંધાયા બાદથી તેઓ ફરાર છે. બીજી તરફ તેમના સમર્થકો ઠેરઠેર બંધનું એલાન કરીને સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમાં સફળતા મળતી જણાય રહી નથી. આ જ ક્રમમાં રવિવારે (5 નવેમ્બર) સેલંબા અને સાગબારામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ આ બંધનો ફિયાસ્કો થઈ ગયો હતો અને બજારો ખુલ્લાં જ રહ્યાં હતાં.
ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. વન વિભાગે તેમની સામે ફરિયાદ નોંધાવી ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમની પત્ની, PA અને એક ખેડૂતની ધરપકડ બાદ હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં છે. પોલીસ ચૈતર વસાવાને શોધી રહી છે અને બીજી તરફ સમર્થકો દ્રારા બંધનાં એલાન આપવામાં આવી રહ્યાં છે. રવિવારે નર્મદા જિલ્લાના સેલંબા અને સાગબારા ગામોમાં બંધ જાહેર કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં મેસેજો કરીને 5 નવેમ્બરે આ બંને ગામોમાં બંધ પાળવા માટે અપીલ કરી હતી, પણ કોઇએ ગંભીરતાથી લીધી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને ગામોમાં બજારો રાબેતા મુજબ જ ખુલ્લાં રહ્યાં હતાં અને બંધની કોઇ અસર જોવા મળી ન હતી. આ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
હજુ ન પકડાયા ચૈતર વસાવા
ચૈતર વસાવાની વાત કરવામાં આવે તો હજુ પણ તેઓ પોલીસ પકડથી દૂર છે. તેમની પત્ની સહિત ત્રણની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે ન રિમાન્ડ આપ્યા કે ન જામીન અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જોકે, આ મામલે તપાસની જરૂર હોઈ પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરીને ત્રણેયના રિમાન્ડની માંગણી કરી છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, “અમારે ખંડણીના પૈસા રિકવર કરવાના છે તેમજ જેના વડે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો તે હથિયાર પર કબજે કરવાનું છે. જેથી નર્મદા જિલ્લા કોર્ટમાં રિમાન્ડ માટે અરજી કરવામાં આવી છે.”
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર મારવાનો અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ છે. ગત 29 ઓક્ટોબરે ફોરેસ્ટ કર્મચારીઓએ ડેડિયાપાડાના એક ગામમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ ખેતી હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી.
વસાવાએ બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપ છે કે અહીં તેમને ધમકી આપીને, માર મારીને ખેડૂતને ‘વળતર’ ચૂકવવા માટે કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તેના PAએ ફરી કર્મચારીઓનો સંપર્ક કરીને વળતર અપાવ્યું હતું. આ ઘટના બાદ કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.