Friday, October 4, 2024
More
    હોમપેજગુજરાતAAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ પોલીસથી ભાગતા ફરવું પડશે, આગોતરા જામીનની અરજી...

    AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ પોલીસથી ભાગતા ફરવું પડશે, આગોતરા જામીનની અરજી પર કોઈ નિર્ણય નહીં: પત્ની સહિત 3ના જામીન પણ નામંજૂર

    કોર્ટે પોલીસને હથિયાર રિકવર કરવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપ્યો, ત્યાં સુધીમાં ચૈતર વસાવાની ધરપકડ કરી શકાશે. પત્ની અને પીએ સહિત ત્રણના જામીન ફગાવતાં કોર્ટે કહ્યું- ગુના ગંભીર, હાલ તપાસ ચાલુ છે ત્યારે જામીન ન આપી શકાય.

    - Advertisement -

    વનકર્મીઓને માર મારવા અને ધમકાવવાના ગુનામાં FIR નોંધાયા બાદ લગભગ એકાદ અઠવાડિયાથી ભાગતા ફરતા આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાએ દાખલ કરેલી આગોતરા જામીન અરજી પર કોઈ નિર્ણય થયો નથી અને આગલી તારીખ 20 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ તેમની ધરપકડ કરી શકશે. બીજી તરફ, તેમની પત્ની, પીએ અને ખેડૂતની જામીન અરજીઓ રદ કરી દેવામાં આવી છે. જેથી તેઓ પણ હાલ જેલમાં જ રહેશે. 

    ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરીને આગોતરા જામીન માટે માંગ કરી હતી, જેની ઉપર શુક્રવારે (10 નવેમ્બર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન પોલીસે તેનો વિરોધ કરીને જણાવ્યું હતું કે હજુ પણ એ હથિયાર રિકવર કરવાનું બાકી છે, જેનાથી AAP નેતાએ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ કોર્ટે 20 નવેમ્બરે ચુકાદાની તારીખ નક્કી કરી પોલીસને ત્યાં સુધીમાં રિકવર કરવા માટે સમય આપ્યો હતો. બીજી તરફ, એમ પણ જણાવ્યું હતું કે આ સમય દરમિયાન પોલીસ ચૈતર વસાવાની ધરપકડ કરી શકશે. 

    બીજી તરફ, આ કેસમાં ચૈતર પત્ની શકુંતલા વસાવા સહિત 3 આરોપીઓના જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા છે. શકુંતલા વસાવા, જીતેન્દ્ર વસાવા અને રમેશ વસાવાએ દાખલ કરેલી જામીન અરજી પર કોર્ટે શુક્રવારે (10 નવેમ્બર) ચુકાદો આપીને ત્રણેયની અરજીઓ ફગાવી દીધી હતી. જેથી તેઓ પણ હાલ જેલમાં જ રહેશે. 

    - Advertisement -

    ચૈતર વસાવાની પત્નીએ જામીન અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે, તેમની વિરુદ્ધ નોંધાયેલા ગુના ખોટા છે અને કેસ ખોટો કરવામાં આવ્યો છે. એવો પણ દાવો કર્યો કે પોતે બનાવ સમયે સ્થળ પર હાજર ન હતાં અને ગેરકાયદેસર મંડળી પણ રચીને ધાકધમકી આપી નથી કે હુમલો કરીને રોકડ રકમ પડાવી લીધેલી નથી. પોતે કાયમી સરનામે જ રહે છે અને જામીન આપવામાં આવે તો ક્યાંય ભાગી જાય તેમ પણ નથી તેમજ તમામ શરતોનું પણ પાલન કરશે અને ટ્રાયલ દરમિયાન નિયમિતપણે હાજર પણ રહેશે તેમ પણ જણાવ્યું હતું.

    હજુ તપાસ ચાલુ, હમણાં જામીન ન આપવા જોઈએ: પોલીસ

    બીજી તરફ, પોલીસ તરફથી જામીનનો વિરોધ કરીને કહેવામાં આવ્યું હતું કે, અરજદાર સહિતના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને, હથિયાર ધારણ કરીને સરકારી કામગીરીમાં દખલગીરી કરી બીભત્સ ગાળો આપી હતી. એમ પણ કહેવામાં આવ્યું કે, અરજદારના પતિ (ચૈતર વસાવા)એ વનકર્મીનો કૉલર પકડીને ગાલ પર બે લાફા માર્યા હતા અને તમામ કર્મચારીઓને લાઇનમાં ઉભા રાખીને ગેરકાયદેસર પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પાક નુકસાનીના પૈસા આપી દેવાનું કહીને ₹60,000 પડાવી લીધા હતા. સરકારી વકીલે કહ્યું કે, આ પ્રકારના કૃત્યોને હળવાશથી લઇ શકાય નહીં અને હજુ તો તપાસ ચાલી રહી છે, ઘણા આરોપીઓ પણ પકડવાના બાકી છે અને કોણ-કોણ સંડોવાયા છે તેની પણ તપાસ બાકી છે. આ સંજોગોમાં જો જામીન આપવામાં આવે તો તપાસમાં અવરોધ પેદા કરી સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડાં કરે તેની શક્યતાઓ છે. 

    દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કર્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આરોપીની સંડોવણી જણાઈ આવે છે અને તેઓ સ્થળે હાજર હતાં કે નહીં કે ગુનામાં સંડોવણી હતી કે નહીં તે તપાસનો વિષય છે અને હમણાં નિર્ણય લઇ શકાય નહીં. વનકર્મીઓને ધમકી આપી, હવામાં ફાયરિંગ કરી, લાફા મારવાનાં અને સરકારી કામમાં દખલગીરી કરવાનાં કૃત્યો ગંભીર છે અને હળવાશથી લઇ શકાય નહીં. ઉપરાંત, ગુનાની તપાસ પણ ચાલી રહી છે અને અન્ય આરોપીઓને પકડવાના બાકી છે તેમજ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. આ સંજોગોમાં જામીન અરજી મંજૂર કરવી યોગ્ય નથી. ત્યારબાદ ત્રણેય અરજીઓ નામંજૂર કરી દેવામાં આવી હતી. ઑપઇન્ડિયા પાસે તમામ આદેશની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં