ગુજરાતમાં એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ વિવાદમાં સપડાઈ રહ્યા છે. હવે વેરાવળમાં એક આપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આપ નેતા ભગુ વાળાએ યુવતીને પોતાના ફ્લેટમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ વેરાવળ શહેર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીના નેતા ભગુ વાળા વિશ્વાસ ફિલ્મ્સ નામની એક વિડીયો મેકિંગ એજન્સી ચલાવે છે. જેની ઓફિસ રાજેન્દ્ર ભવન રોડ ઉપર આવેલી છે. એક યુવતીએ ફરિયાદ કરી છે કે આપ નેતાએ તેને પોતાના ફ્લેટ ઉપર બોલાવીને મોડેલ બનાવવાની અને પ્રસિદ્ધિ અપાવવાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
ગીરસોમનાથ: AAPના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ
— News18Gujarati (@News18Guj) September 24, 2022
ભગુ વાળા સામે યુવતીએ નોંધાવી ફરિયાદ
પ્રસિદ્ધ કરવા અને મોડલ બનાવવાની આપી હતી લાલચ#Gujarat #News #latestnews pic.twitter.com/jWXlNf6Bas
આપ નેતા સામે યુવતીએ વેરાવળ શહેર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેમજ પીડિત યુવતીના મેડિકલ ચેક-અપ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ, પોલીસ આરોપીને શોધી રહી છે.
આ અંગે વધુ વિગતો મેળવવા માટે વેરાવળ શહેર પોલીસ મથકનો સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ થઇ શક્યો ન હતો. સંપર્ક થાય ત્યારબાદ અહીં માહિતી ઉમેરી દેવામાં આવશે.
ભગુ વાળા અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા, થોડા સમય પહેલાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ વેરાવળ શહેર કોંગ્રેસના પ્રમુખ તેમજ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પણ પ્રમુખ રહી ચૂક્યા છે.
ગીર સોમનાથ જિલ્લો હાલ ચર્ચામાં છે, અને ચર્ચામાં રહેવાનું કારણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે. તાજેતરમાં જ સોમનાથ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ વાળાએ જાહેરસભામાં એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું.
આપ નેતા જગમાલ વાળાએ કહ્યું હતું કે, દારૂ ખરાબ નથી અને દારૂ આપણને પી જાય એટલો જ વાંધો છે. પરંતુ આપણે દારૂ પી જઈએ તો એ ખરાબ બાબત નથી. બધા ડોકટરો, આઈએએસ અધિકારીઓ પણ દારૂ પીવે છે, એથી તાકાત હોય એટલો દારૂ પીવો જોઈએ. સાથે તેમણે દારૂબંધી અંગે પણ કહ્યું હતું કે, આખી દુનિયામાં ક્યાંય દારૂબંધી નથી પરંતુ માત્ર ગુજરાતમાં જ છે, જેથી એ સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી.
આમ આદમી પાર્ટી એક તરફ ગુજરાતમાં તમામ વિધાનસભા બેઠકો પર લડવાની જાહેરાત કરી ચૂકી છે અને ઉમેદવારોનાં નામો પણ જાહેર કરવા માંડ્યાં છે, પરંતુ બીજી તરફ એક પછી એક નેતાઓના ભોપાળાં બહાર આવતાં જાય છે તેને જોતાં પાર્ટી બેકફૂટ પર આવતી જોવા મળી રહી છે. બીજી તરફ, પાર્ટીએ ભગુ વાળા સામે લાગેલા આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા આપી હોય તેવું અત્યાર સુધીમાં ધ્યાનમાં આવ્યું નથી.