ગીર સોમનાથના વેરાવળમાં આમ આદમી પાર્ટીના નેતાએ યુવતીને પોતાના ફ્લેટ પર બોલાવીને, મોડેલ બનાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ભગુ વાળાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. બીજી તરફ, પોલીસે વધુ પુરાવાઓ એકત્રિત કરવા માટે તજવીજ હાથ ધરી છે.
આરોપીની ધરપકડ અંગે વેરાવળ શહેર પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદના આધારે વિશ્વાસ ફિલ્મ્સના માલિક ભગુ વાળા સામે આઇપીસીની કલમ 376 (દુષ્કર્મ) હેઠળ ગુનો દાખલ કરીને મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપી ભગુ વાળાની ત્વરિત ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોવિડ ટેસ્ટ માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ઘટનાની વધુ વિગતો એવી છે કે, મોડેલ બનવાની ઈચ્છા ધરાવતી એક યુવતીએ તેની મહિલા મિત્રને વાત કરતાં તેણે અન્ય એક મિત્ર વેરાવળમાં રહેતા વિશ્વાસ ફિલ્મ્સના માલિક ભગુ વાળાને ઓળખતી હોઈ તેની સાથે તેનો પરિચય કરાવવાની વાત કહી હતી.
દરમ્યાન, બે દિવસ અગાઉ પીડિતા તેની અન્ય બે મિત્રો સાથે સોમનાથ મહાદેવના દર્શને આવી હતી. જ્યાં આરોપી ભગુ વાળાને બસ સ્ટેન્ડ પર બોલાવીને ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ આરોપીએ પીડિતાને ઓફિસે લઇ જઈ કામની વાત કરી લઉં એમ કહી બાકીની બંને યુવતીઓને દર્શન માટે મોકલી આપી હતી અને પીડિતાને બાઈક પર બેસાડીને શહેરમાં જ એક એપાર્ટમેન્ટમાં પોતાના ફ્લેટ પર લઇ ગયો હતો.
યુવતીને ફ્લેટ પર લઇ ગયા બાદ ત્યાં બે ફોટોગ્રાફર આવ્યા હતા, તેમની સાથે પીડિતાના મોડેલિંગ ફોટોશૂટ અંગે વાત કરી હતી. બંને ફોટોગ્રાફરો ત્યાંથી નીકળી ગયા બાદ ફ્લેટમાં બંને એકલાં હતાં ત્યારે ભગુ વાળાએ પીડિતાને ‘તું મારી સાથે સબંધ રાખ, હું તારું નામ દુનિયામાં ફેમસ કરી દઈશ’ તેમ કહી પીઠ પર સ્પર્શ કર્યો હતો, ત્યારબાદ પીડિતા ગભરાઈ જઈને રડવા માંડી હતી.
ફરિયાદ અનુસાર, આરોપીએ ‘હું કહું તેમ નહીં કરે તો બદનામ કરી દઈશ’ જેવી ધમકી આપીને મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યા હતા અને કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ પીડિતા ત્યાંથી નીકળી ગઈ હતી. જે બાદ તેની મિત્રોએ પૂછતા સમગ્ર ઘટના વર્ણવી હતી. જેથી ત્રણેયે રાત્રે જ વેરાવળ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી.
ભગુભાઈ વાળા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતો અને શહેર કોંગ્રેસનો પ્રમુખ પણ રહી ચૂક્યો હતો. તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયો હતો.