ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મે મહિનામાં આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે થયેલું ગઠબંધન ચૂંટણી પહેલાં જ પડી ભાંગ્યું છે. બીટીપી આમ આદમી પાર્ટીથી અમુક મુદ્દાઓએ નારાજ થયા બાદ રાજકીય સબંધોનો અંત આણ્યો હોવાનું કહેવાય છે.
ગત 2 સપ્ટેમ્બરના રોજ ઑપઇન્ડિયાએ અહેવાલ પ્રસારિત કરીને આશંકાઓ વ્યક્ત કરી હતી કે બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઠબંધન તૂટી શકે છે. હવે આ અંગે અધિકારીક પુષ્ટિ પણ થઇ ગઈ છે. બીટીપીના સ્થાપક છોટુ વસાવાએ કહ્યું કે, ‘આપ’ સાથે તેમનું ગઠબંધન હતું પણ નહીં અને કરવાના પણ નથી.
છોટુ વસાવાએ આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની સાથે ક્યારેય ગઠબંધન હતું પણ નહીં અને ક્યારેય કરીશું નહીં. તેમણે કહ્યું કે, “આ પાર્ટી (આપ) ગઠબંધન કરવાને લાયક જ નથી. આ બધી ટોપીઓ ભેગી થઈને પાઘડીવાળાને દૂર કરવા માંગે છે, તે ચલાવી લઈશું નહીં. તેથી તેમની સાથે જવા માટે તૈયાર નથી.”
આપ અને BTPનું ગઢબંધન તૂટ્યું : છોટુ વસાવાએ કહ્યું આપ બધાનો બાપ થવા માંગે છે તે અમે નહીં થવા દઈએ:#AAPGujarat #BTP #MaheshVasava #AamAdmiParty #PoliticsBreaking #Politics #ConnectGujarat #BeyondJustNews @Chhotu_Vasava @MaheshVasavaBTP @AAPGujarat pic.twitter.com/Vj7Rq2ApWo
— ConnectGujarat (@ConnectGujarat) September 12, 2022
‘આપ’ વિશે તેમણે કહ્યું કે, તેઓ પરિવર્તન લાવી શકે તેમ છે જ નહીં કારણ કે ભાજપના જેટલા લોકો હતા તેઓ આપ પાર્ટીમાં છે. તો શા માટે તેમને સહકાર આપવો જોઈએ. આ લોકોને હરાવવાની અમારી રણનીતિ હશે.
‘આપ’ સાથે ચૂંટણી પહેલાં જ ગઠબંધન તોડી નાંખ્યા બાદ બીટીપી હવે ફરી કોંગ્રેસનો હાથ પકડે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં વહેતી થઇ છે. બીજી તરફ, વીટીવીના એક અહેવાલ અનુસાર, કોંગ્રેસ પાર્ટીના પવન ખેડા અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે તાજેતરમાં જ એક બેઠક થઇ હતી. જેથી માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને બીટીપી ફરી એકવાર સાથે ચૂંટણી લડશે. જોકે, આ અંગે બંનેમાંથી એકેય પાર્ટીએ કોઈ પુષ્ટિ કરી નથી.
કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે પૂછવામાં આવતાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, અમે જોઈશું અને વાતચીત કરીને આગળની રણનીતિ નક્કી કરીશું. અન્ય એક વાતચીતમાં પણ તેમણે એ જ પ્રકારે નિવેદન આપતાં કહ્યું હતું કે, આગળના સમયમાં જો કોઈ વાત કરવા માંગશે તો તેમની સાથે મળીને ભેગા થઈને આગળની રણનીતિ નક્કી કરીશું.
ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં ભરૂચ ખાતે યોજાયેલા એક સંમેલનમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ તેમજ બીટીપીના છોટુ વસાવા, મહેશ વસાવા વગેરે નેતાઓ સાથે આવ્યા હતા. જ્યાં કેજરીવાલે બીટીપી અને આપ રાજકીય રીતે સાથે મળીને કામ કરશે તેમ જાહેરાત કરી હતી.
ગુજરાતના ગરીબ આદિવાસી જૂથની સમૃદ્ધિ માટે @BTP_India અને @AAPGujarat એ રાજકીય રીતે સાથે મળીને કામ કરશે.#AAPGujaratAadivasiSammelan#AAPGujaratAadivasiSammelan pic.twitter.com/j1q8DVJlgX
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 1, 2022
જોકે, હજુ તો ચૂંટણી જાહેર નથી થઇ તે પહેલાં જ બંને પાર્ટીઓ અલગ થઇ ગઈ છે અને હવે બીટીપી ફરી કોંગ્રેસ સાથે જશે તેમ માનવામાં આવી રહ્યું છે.