Thursday, May 2, 2024
More
    હોમપેજમંતવ્ય‘આપ’ માટે ફજેતીનું કારણ બનતી કેજરીવાલ-માનની રેલીઓ: ચૂંટણીને 25 દિવસ રહ્યા પણ...

    ‘આપ’ માટે ફજેતીનું કારણ બનતી કેજરીવાલ-માનની રેલીઓ: ચૂંટણીને 25 દિવસ રહ્યા પણ ગુજરાતીઓનું સમર્થન મેળવવાનાં ફાંફાં

    આમ આદમી પાર્ટીએ છ મહિનાથી પ્રચાર કરવા માંડ્યો હોવા છતાં હજુ પણ સામાન્ય લોકોનું સમર્થન મળી રહ્યું નથી, આ સંકેત છે કે પાર્ટી એટલી મજબૂત નથી જેટલી મેઈનસ્ટ્રીમ મીડિયા અને સોશિયલ મીડિયામાં દેખાય છે.

    - Advertisement -

    રોડ શૉ, રેલી, જાહેરસભાઓ- આ બધા કાર્યક્રમો ચૂંટણી વખતે રાજકીય પાર્ટીઓ માટે શક્તિપ્રદર્શનનું કામ કરે છે. દરેક પાર્ટી ઈચ્છે છે કે તેમની સભાઓમાં માણસોની હાજરી દેખાય. ચૂંટણી પહેલાં પ્રચાર દરમિયાન આ સંખ્યાબળ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં પણ ઉત્સાહ ભરે છે. પણ આમ આદમી પાર્ટી (AAP) માટે આ રેલીઓ ઉત્સાહ નબળો પાડવાનું કામ કરતી હોય તેમ લાગી રહ્યું છે. 

    AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આમ તો રાજ્યોના મુખ્યમંત્રીઓ છે, પણ ઘણા સમયથી તેઓ અડધા દિવસ ગુજરાતમાં જ જોવા મળે છે. હમણાં પણ તેઓ બંને ગુજરાતમાં છે. બંને નેતાઓ જુદા-જુદા સ્થળોએ જઈને રેલીઓ, સભાઓ કરી રહ્યા છે. પણ તેમની સભાઓની હાલત આજે પણ એવી જ છે, જેવી પહેલાં હતી.

    ભગવંત માનની રેલીમાં પકડી-પકડીને માણસોને ઉભા રાખ્યા

    - Advertisement -

    અમદાવાદમાં રવિવારે ભગવંત માને એક રોડ શૉ કર્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તો સામેલ હતા, પરંતુ સ્થાનિકોએ ખાસ રસ દાખવ્યો ન હતો. એક રિપોર્ટ અનુસાર, CM માનના રોડ શૉમાં સ્વાગત માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રસ્તે જતા લોકોને પકડી-પકડીને ઉભા રાખ્યા હતા અને પુષ્પવર્ષા કરવા માટે આજીજી કરી હતી. જોકે, તોયે લોકોએ ચાલતી પકડી હતી. 

    કેજરીવાલના રોડ શૉની પણ એ જ સ્થિતિ

    આ જ સ્થિતિ અરવિંદ કેજરીવાલના રોડ શૉમાં ઉભી થઇ હતી. શનિવારે કેજરીવાલ ગાંધીધામ અને અંજાર ગયા હતા અને રોડ શૉ કર્યા હતા. અહીં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. રેલીમાં માંડ 200-250 માણસો ભેગા થયા હતા. 

    ત્યારબાદ રવિવારે કેજરીવાલ રાજકોટમાં સભા કરવા પહોંચ્યા હતા. અહીં પણ તેમની સભામાં લોકોને લાલચો આપીને લાવવામાં આવ્યા હતા અને તેમને ખબર જ નથી કે કેજરીવાલ આખરે છે કોણ! એક મીડિયા ચેનલે કેજરીવાલની સભામાં પહોંચેલી મહિલાઓનો એક ઇન્ટરવ્યુ કર્યો હતો, જેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમને મફત વીજળી, પાણીની વાતો કરીને લાવવામાં આવ્યાં હતાં અને તેઓ કેજરીવાલને જાણતાં નથી. ઉપરથી તમામે નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું.

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી તો હમણાં જાહેર થઇ, પણ આમ આદમી પાર્ટીએ (AAP) છ મહિના પહેલાંથી માહોલ ઉભો કરવા માંડ્યો હતો. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, મનિષ સિસોદિયા સહિતના નેતાઓ સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા હતા. બંને નેતાઓએ મળીને લગભગ આખું ગુજરાત આવરી લીધું છે અને ઠેરઠેર રેલીઓ અને સભાઓ કરી છે. 

    અરવિંદ કેજરીવાલ જ્યાં જાય ત્યાં તેઓ મફત વીજળી, પાણી અને શિક્ષણ-આરોગ્યના વાયદાઓ કરે છે. તેઓ ભાજપ અને કોંગ્રેસને સમાન ગણાવી, એકબીજાની બી ટીમ ગણાવી તેમને (આમ આદમી પાર્ટીને) એક તક આપવા માટે લોકો સમક્ષ અપીલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ પાર્ટીએ માહોલ ઉભો કરી નાંખ્યો છે. 

    પરંતુ હવે ચૂંટણીને માંડ 20થી 25 દિવસો બાકી રહ્યા છે. ત્યારે તે પહેલાં પાર્ટીના જ ટોચના નેતાઓની સભાઓ ફ્લૉપ જવી, લોકોએ રસ જ ન દાખવવો, એ દર્શાવે છે કે હજુ આમ આદમી પાર્ટી જમીની સ્તરે એટલી મજબૂત નથી બની જેટલી મેઈન સ્ટ્રીમ મીડિયામાં કે સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે છે. 

    આમ આદમી પાર્ટીને જેટલું સમર્થન મળે છે એ કાર્યકરોનું મળતું દેખાઈ રહ્યું છે, પરંતુ ચૂંટણી જીતવા સામાન્ય માણસ (જેને રાજકારણ સાથે કંઈ લાગતું-વળગતું ન હોય) પણ એટલો જ મહત્વનો છે. કાર્યકર્તાઓ પાર્ટીને લોકો સુધી પહોંચાડી શકે છે, પણ લોકો જ પાર્ટીને સ્વીકારવા તૈયાર ન હોય તો સફળતા મળતી નથી.

    બીજી તરફ, જેમ-જેમ ટિકિટ આપવામાં આવી રહી છે તેમ આંતરિક વિખવાદ ખુલીને સપાટી પર જોવા મળી રહ્યો છે. નેતાઓ, કાર્યકરો રાજીનામાં આપી રહ્યા છે. કાર્યકરો આયાતી ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે. હજુ તો સંગઠન માંડ બેઠું થઇ રહ્યું હોય ત્યાં આ પ્રકારે રાજીનામાં પડવાં પાર્ટી માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે.

    અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓમાં જોમ ભરવા માટે ભલે દાવો કરતા હોય કે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે, પણ હકીકત એ છે કે ચૂંટણીના 20 દિવસ પહેલાં પણ પાર્ટી એક બેઠક જીતી શકે તેવી સ્થિતિમાં પણ જણાઈ રહી નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં