વડોદરામાં નવરાત્રિમાં ગરબાના આયોજન માટે પાલિકાનું ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યા બાદ આયોજકોમાં મુસ્લિમો પણ સામેલ હોવાની વાત બહાર આવતાં હિંદુઓ અને સ્થાનિક ભાજપ કોર્પોરેટરે વિરોધ નોંધાવતાં આયોજકોમાંથી મુસ્લિમોને હટાવીને આયોજન હિંદુ સંતને સોંપી દેવામાં આવ્યું હતું.
વિગતો અનુસાર, વડોદરાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન દોંગાને રજૂઆતો મળતાં તેમણે તેમના વોર્ડમાં આવેલ પાલિકાનું એક ગ્રાઉન્ડ ગરબાના આયોજન માટે ભાડે આપવા માટે મેયરને ભલામણ કરી હતી. જે બાદ આયોજકોને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું. આયોજકોએ ‘મા ગુરુકૃપા ગરબા મહોત્સવ’ નામથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
જોકે, આયોજકોએ પ્રચાર-પ્રસાર માટે વડોદરામાં બેનરો અને હોર્ડિંગ્સ લગાવ્યાં ત્યારે તેમાં મુસ્લિમ માલિકો ધરાવતા ખત્રી ફિલ્મ પ્રોડક્શનનો લોગો પણ જોવા મળતાં સ્થાનિકોએ વિરોધ ઉઠાવ્યો હતો અને જે બાબતની રજૂઆત ભાજપ નેતા નીતિન દોંગાને કરી હતી. ગરબાના આયોજકોમાં મુસ્લિમોને પણ સામેલ કરાયા હોવાનું ધ્યાને આવતાં ભાજપ નેતાએ ફરી મેયરને પત્ર લખી આ મામલે કાર્યવાહી કરવા અને ગ્રાઉન્ડની મંજૂરી રદ કરવા માટેની માંગ કરી હતી.
મેયરને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તારમાં આવેલ પ્લોટ ગરબા માટે તાતીટેક સોલ્યુશનને ફાળવવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિકો દ્વારા તેમને મળેલી રજૂઆતો અનુસાર આ આયોજનમાં બિનહિંદુ સંસ્થા કે વ્યક્તિઓનો સહયોગ લેવામાં આવેલ છે. જેથી તેમણે કોઈપણ બિનહિન્દુ સંસ્થા કે વ્યક્તિ જોડાયેલ હોય તો દૂર કરવા અને આયોજકો તેમને દૂર ન કરે તો ગ્રાઉન્ડની મંજૂરી રદ કરવા માટે વિનંતી કરી હતી.
જોકે, પછીથી આયોજકોએ મુસ્લિમ ફર્મને હટાવી દીધી હતી અને તેમના સ્થાને આયોજન જ્યોતીર્નાથ બાબાને સોંપી દેવામાં આવ્યું હતું. જૂનાં હોર્ડિંગ્સ ઉતારી લઈને ખત્રી પ્રોડક્શનનો લોગો હટાવી, નવાં બેનરો લગાવવામાં આવ્યાં હતાં.
માતાજીના ગરબામાં હિંદુઓનું જ કામ, અન્ય લોકો દેખાયા તો હજુ પણ આયોજન રદ કરાવીશું: ભાજપ નેતા
આ અંગે ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરતાં ભાજપ કોર્પોરેટર નીતિનભાઈ દોંગાએ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ માટે ભલામણ મેં જ કરી હતી પરંતુ એ ભલામણ હિંદુ સમાજના લોકોની રજૂઆત પર કરવામાં આવી હતી. પરંતુ પછીથી જાણવા મળ્યું કે તેમણે ખત્રી પ્રોડક્શનનો પણ સહયોગ લીધો છે. ગઈકાલે મારા ધ્યાનમાં આવ્યું પછી તરત મેં ફરી રજૂઆત કરી અને જો તેમને દૂર કરવામાં નહીં આવે તો ગ્રાઉન્ડની મંજૂરી રદ કરવા માટે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અંબા માતાના ગરબામાં હિંદુ વ્યક્તિઓનું જ કામ છે. તેમાં હિંદુઓ સિવાયના લોકો આવીને શું કરશે? તેમણે એમ પણ જણાવ્યું કે, આયોજનમાં સહયોગ લેતા હોય તેમ માની પણ લઈએ, પરંતુ પછી તેઓ બિનહિંદુઓમાં પણ પાસ વહેંચે તો તે ચલાવી લેવાય નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આયોજકોને જાણ કરી છે કે ભૂલથી પણ ગરબાના આયોજન સ્થળે હિંદુઓ સિવાયના વ્યક્તિઓ દેખાશે તો ગરબા તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવશે.
દિવ્ય ભાસ્કરનો દાવો- આ મુદ્દાના કારણે ભાજપમાં બે જૂથ સામસામે, કોર્પોરેટરે કહ્યું- મેં જ ભલામણ કરી, મેં જ રજૂઆત કરી, એમાં જૂથવાદ કઈ રીતે?
અખબાર દિવ્ય ભાસ્કરે આ અંગે અહેવાલમાં જણાવ્યું હતું કે, કારણે ભાજપના બે જૂથ સામસામે આવી ગયાં છે.’ જોકે, નીતિનભાઈ દોંગાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે,, મુદ્દાને ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે. મેં જ ભલામણ કરી હતી અને મેં જ રજૂઆત કરી, એમાં જૂથવાદ ક્યાંથી આવે? જો અન્ય નેતાએ ભલામણ કરી હોત અને મેં મંજૂરી રદ કરવા રજૂઆત કરી હોત તો જૂથવાદનો પ્રશ્ન આવે છે. અહીં આવી કોઈ વાત નથી.