Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણનીતિ આયોગની બેઠકમાં માઈક બંધ કરાયાનો મમતા બેનર્જીનો દાવો, PIBએ કરી દીધું...

    નીતિ આયોગની બેઠકમાં માઈક બંધ કરાયાનો મમતા બેનર્જીનો દાવો, PIBએ કરી દીધું ફેક્ટચેક: અધીર રંજને ગણાવ્યાં નાટક; રાજદીપે અગાઉથી જ જણાવી દીધો હતો ‘પ્લાન’?

    અધીર રંજન ચૌધરીએ પણ મમતા બેનર્જીના આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "નીતિ આયોગની બેઠકમાં મમતા બેનર્જી જે કહી રહ્યા છે તે ખોટું છે. ખૂબ આશ્ચર્યજનક બાબત છે કે, કોઈ રાજ્યના મુખ્યમંત્રીને બોલવાની મંજૂરી ના આપવામાં આવે! ત્યાં શું-શું થવાનું છે કે કરવાનું છે તેના પર પહેલાંથી જ મમતા બેનર્જીએ પ્લાન બનાવી દીધો હતો."

    - Advertisement -

    વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠક દિલ્હી ખાતે મળી હતી. બેઠકમાં સામેલ થવા પહોંચેલાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આરોપ લગાવીને બેઠક છોડીને જ બહાર નીકળી ગયાં હતાં. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને બોલવાની તક આપવામાં આવી નહોતી અને 5 જ મિનિટમાં તેમના માઇકને મ્યુટ કરી દેવામાં આવ્યું હતું. જોકે, તેમનું માઇક બંધ કરવામાં આવ્યું હોવાના દાવા સામે સરકારે પણ સ્પષ્ટતા કરી છે. તે સિવાય કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આ બધાં નાટક ગણાવ્યાં છે અને મમતા સામે જ નિશાન સાધ્યું છે.

    વાસ્તવમાં આ ઘટના શનિવારે (27 જુલાઈ, 2024) બનવા પામી હતી. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની બેઠક ચાલી રહી હતી. દરમિયાન મમતા બેનર્જી બેઠક છોડીને ચાલી નીકળ્યાં હતાં. બહાર નીકળીને તેમણે મીડિયાને સંબોધિત કરીને સરકાર પર આરોપો લગાવવાના શરૂ કરી દીધા હતા. બહાર નીકળીને મમતા બેનર્જીએ મીડિયાને કહ્યું કે, “મેં બેઠકનો બહિષ્કાર કર્યો છે. ચંદ્રબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટ આપવામાં આવી, આસામ ગોવા, છત્તીસગઢના CMએ 10-12 મિનિટ સુધી વાત કરી.”

    તેમણે આરોપ લગાવતા કહ્યું કે, “મને માત્ર 5 મિનિટ બોલવા પર જ અટકાવી દેવામાં આવી હતી. આ ખોટું છે. વિપક્ષ તરફથી માત્ર હું અહીં પ્રતિનિધિત્વ કરી રહી હતી અને આ બેઠકમાં એટલે ભાગ લઈ રહી છું કે, સહકારી સંઘવાદને (ફેડરલિઝમ) મજબૂત કરવામાં મને વધુ રસ છે. મેં મારો વિરોધ નોંધાવ્યો છે અને હું બહાર નીકળી ગઈ છું.” મમતા બેનર્જીએ વધુમાં દાવો કર્યો કે, તેઓ કેન્દ્ર સરકારને ફંડ વિશે પૂછી રહ્યાં હતાં કે, બધા રાજ્યો વિશે વિચારવું જોઈએ. પશ્ચિમ બંગાળ વિશેની વાત આવતાં જ માઇક મ્યુટ કરી દેવામાં આવ્યું હતું. મમતાએ આ ઘટનાને પોતાનું અપમાન ગણાવ્યું છે.

    - Advertisement -

    મમતા બેનર્જીના દાવામાં કેટલું સત્ય

    મમતા બેનર્જીએ મીડિયા સાથે કરેલો દાવો કેટલા અંશે સાચો છે તે વિશેનું સ્પષ્ટીકરણ પણ સરકારે કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર PIB ફેક્ટચેક હેન્ડલે આ દાવાને ફગાવી દીધો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ દાવો ભ્રામક છે. PIB ફેક્ટચેકે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ દાવો ભ્રામક છે.”

    પોસ્ટમાં વધુમાં કહેવાયું કે, “ક્લોકમાં માત્ર તે દર્શાવવામાં આવ્યું હતું કે, તેમનો બોલવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. ત્યાં સુધી કે, તેને ચિહ્નિત કરવા માટે ઘંટડી પણ વગાડવામાં આવી નહોતી.” એટલે સરકાર અનુસાર, મમતા બેનર્જીએ કરેલો દાવો ભ્રામક અને ખોટો છે.

    નિર્મલા સીતારમણે પણ દાવાને નકાર્યો

    બીજી તરફ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ તે બેઠકમાં સામેલ હતાં. તેમણે પણ મમતા બેનર્જીના આ દાવાને લઈને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મમતાને બોલવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો હતો, ખોટા દાવાના આધારે નેરેટિવ બનાવવાનું બંધ કરો. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, “CM મમતા બેનર્જી નીતિ આયોગની બેઠકમાં સામેલ થયાં. અમે સૌએ તેમને સાંભળ્યાં. દરેક મુખ્યમંત્રીને ફાળવવામાં આવેલો સમય આપવામાં આવ્યો હતો, જે ટેબલ પર લગાવાયેલી સ્ક્રીન પર જોઈ શકાય તેમ હતો. તેમણે મીડિયામાં કહ્યું કે, તેમનું માઇક બંધ થઈ ગયું તે સંપૂર્ણપણે ખોટું છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, દરેક મુખ્યમંત્રીને બોલવા માટે યોગ્ય સમય આપવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે, તેમનું માઇક બંધ કરવામાં આવ્યું હતું. જે સત્ય નથી. તેમણે જુઠ્ઠ પર આધારિત નેરેટિવ ઘડવાને સ્થાને સત્ય કહેવું જોઈએ.”

    ‘દિલ્હી આવતા જ સંત બની જાય છે મમતા’- કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી

    આટલું જ નહીં, પરંતુ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ મમતા બેનર્જીના આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, “નીતિ આયોગની બેઠકમાં મમતા બેનર્જી જે કહી રહ્યા છે તે મને લાગે છે કે, ખોટું છે. ખૂબ આશ્ચર્યજનક બાબત છે કે, કોઈ રાજ્યના મુખ્યમંત્રીને બોલવાની મંજૂરી ના આપવામાં આવે! ત્યાં શું-શું થવાનું છે કે કરવાનું છે તેના પર પહેલાંથી જ મમતા બેનર્જીએ પ્લાન બનાવી દીધો હતો. તેમણે પહેલાં જ સ્ક્રિપ્ટ બનાવી નાખી હતી. મમતાજી બધુ બોલી ચૂક્યાં હતાં, તમામ નિવેદનો આપી દીધાં હતાં અને હવે ખોટાં નાટકો કરે છે.”

    અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે, “તેમને પહેલાં જ જાણકારી મળી ગઈ હતી કે, ત્યાં જઈને શું-શું થવાનું છે. મને લાગે છે કે, આજે દેશમાં રાહુલ ગાંધીને લઈને જે વાહવાહી થઈ રહી છે, જે રીતે રાહુલ ગાંધીની પ્રતિષ્ઠા વધી રહી છે. તેનાથી મમતાના મનમાં જલન થઈ રહી છે. આ મહિલા પોતાની સિવાય કોઈનું સારું જોઈ શકતી નથી. એટલે મમતા જુઠ્ઠું બોલી રહ્યાં છે કે, તેમને બોલવા નથી દીધાં, જોકે, તેઓ પોતે જ બંગાળમાં તાનાશાહી કરી રહ્યાં છે. દિલ્હીમાં તેઓ સંત બની જાય છે, પરંતુ કોલકાતા પહોંચતાં જ તેમનું રૂપ બદલાઈ જાય છે.”

    રાજદીપ સરદેસાઈની ‘ભવિષ્યવાણી’ પર ચાલ્યાં મમતા બેનર્જી?

    ખાસ નોંધવા જેવું એ છે કે, ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ આ ઘટના વિશે પહેલાંથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી. રાજદીપની વાતો પરથી લાગે છે કે, તેમણે નીતિ આયોગની બેઠકના એક દિવસ પહેલાં જ મમતા બેનર્જીનો પ્લાન છતો કરી દીધો હતો. વાસ્તવમાં નીતિ આયોગની બેઠક પહેલાં રાજદીપ સરદેસાઈએ ‘ધ લલ્લનટોપ’ના કાર્યક્રમ ‘નેતા નગરી’માં કહ્યું હતું કે, “આ સંઘીય દેશ છે. વિપક્ષના મુખ્યમંત્રી તેમાં નથી જઈ રહ્યા, મને લાગે છે કે, માત્ર મમતા બેનર્જી અને હેમંત સોરેન તેમાં જશે. એવી ચર્ચા છે કે, તે પોતાની વાત મૂકીને વૉકઆઉટ પણ કરી શકે છે.”

    રાજદીપે વધુમાં કહ્યું કે, ‘આ ખતરનાક છે. આ લોકતંત્ર માટે ઠીક નથી. અમે ચાહીએ છીએ કે, બધા મુખ્યમંત્રી એકસાથે બેસે.” તેમણે નીતિ આયોગની બેઠકના એક દિવસ પહેલાં આ વાત કરી હતી. આશ્ચર્ય તો એ વાતનું છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ ઠીક એવું જ કર્યું, જેવું રાજદીપ સરદેસાઈએ એક દિવસ પહેલાં કહ્યું હતું. અહીં એ પણ નોંધવા જેવુ છે કે, રાજદીપ સરદેસાઈનાં પત્ની અને એક સમયે ‘પત્રકાર’ રહી ચૂકેલાં સાગરિકા ઘોષ TMCમાંથી જ રાજ્યસભા સાંસદ છે. મમતા બેનર્જીએ જે વર્તન કર્યું તેની ‘ભવિષ્યવાણી’ રાજદીપ સરદેસાઈએ પહેલાં જ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર હવે તેમના આ વિડીયોની ક્લિપ ફરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં