લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ સોશિયલ મીડિયા પર એક પ્રોપગેન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. આ મંડળમાં બે વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સામેલ છે. તેમની સાથે PM મોદી ઉપરાંત રાજનાથ સિંઘનું પણ નામ યાદીમાં જોડી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કેરળ કોંગ્રેસના આધિકારીક X અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી. જેમાં લખ્યું, ભાજપની વેબસાઈટ અનુસાર, મોદી અને રાજનાથ સિંઘ આધિકારિક રીતે માર્ગદર્શક મંડળમાં સામેલ થઈ ગયા. આગળ જાતજાતની શંકા વ્યક્ત કરવામાં આવી, જેને વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી અને એવું પણ લખવામાં આવ્યું કે શું આ સંકેત છે કે ફ્લોર ટેસ્ટ નિષ્ફળ જશે?
Modi and Rajnath Singh officially entered Marg Darshak Mandal according to BJP's website.
— Congress Kerala (@INCKerala) June 13, 2024
Is this indication that the floor test is going to fail and is this a dry run of the page post the disaster?
Link: https://t.co/zblyk7OePr pic.twitter.com/fp7kaabjW3
કોંગ્રેસે ભાજપની વેબસાઈટ પરથી એક સ્ક્રીનશૉટ લઈને પોસ્ટ કર્યો છે, જેમાં માર્ગદર્શક મંડળમાં ચાર નેતાઓના ફોટો દેખાય છે. નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને રાજનાથ સિંઘ.
આ ફોટા સોશિયલ મીડિયા પર ફેરવીને દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે મોદી અને રાજનાથ સિંઘ પણ ભાજપના વરિષ્ઠ નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. આ દાવો કરવા અને તેને ફેલાવવા પાછળનો મૂળ આશય એવું દર્શાવવાનો છે કે હવે ભાજપમાં મોદી અને રાજનાથ સિંઘ વગેરે નેતાઓનું કદ ઘટી ગયું છે અને તેઓ પણ આગલી પેઢીના નેતાઓની હરોળમાં સામેલ થઈ ગયા છે, જેઓ મુખ્યધારાના રાજકારણથી હવે દૂર થઈ ગયા છે.
2014માં માર્ગદર્શક મંડળ બન્યું, PM મોદી ત્યારથી તેના સભ્ય છે
અહીં હકીકત એ નથી જે દેખાય છે. મહત્વની વાત એ છે કે ભાજપના માર્ગદર્શક મંડળમાં પીએમ મોદી એ સમયથી છે જ્યારે તેની રચના થઈ હતી. રાજનાથ સિંઘનું પણ એવું જ છે. એટલે કે તાજેતરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો હોય તેવું નથી.
વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ પાર્ટીમાં એક માર્ગદર્શક મંડળની રચના કરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપના ત્રણ મોટા નેતાઓ પૂર્વ પીએમ અટલ બિહારી બાજપાઈ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ ભાજપ અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તાત્કાલીન ગૃહમંત્રી (હાલ રક્ષામંત્રી) રાજનાથ સિંઘનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ વાતની સાબિતી આપવા માટે 26 ઓગસ્ટ, 2014ના રોજ જાહેર કરવામાં આવેલ એક અખબારી યાદી પૂરતી છે, જે આજે પણ ભાજપની વેબસાઈટ પર જોવા મળે છે. આ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે (તત્કાલીન) પાર્ટી ગતિવિધિઓ માટે માર્ગદર્શન માટે વરિષ્ઠ નેતાઓની માર્ગદર્શક મંડળમાં નિયુક્તિ કરી છે. સાથે આ પાંચ નેતાઓનાં નામ આપવામાં આવ્યાં હતાં.
અટલ બિહારી બાજપાઈનું ઓગસ્ટ, 2018માં નિધન થઈ ગયું, ત્યારબાદ આ મંડળમાં ચાર નેતાઓ છે. જેમનાં નામ પાર્ટીની વેબસાઈટ ઉપર જોવા મળે છે.
તારણ: લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીનું નામ માર્ગદર્શક મંડળમાં ઉમેરવામાં આવ્યું હોવાના દાવા ભ્રામક છે. PM મોદી 2014માં માર્ગદર્શક મંડળની રચના સમયથી જ તેના સભ્ય છે.