PM નરેન્દ્ર મોદી (PM Modi) હાલ ફ્રાન્સની (France) મુલાકાત પર છે. આ દરમિયાન તેમણે AI સમિટની સહ-અધ્યક્ષતા પણ કરી અને AI વિશે સંબોધન પણ આપ્યું. દેશવિદેશમાં PM મોદીના સંબોધનનો વિડીયો વાયરલ થયો છે. તેવામાં દેશના જ કેટલાક વિપક્ષી ટોળકી સાથે સંકળાયેલા લોકો અને મીડિયા ચેનલો ફેક ન્યૂઝ (Fake News) ચલાવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ (Emanuel Macron) પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે હાથ ન મિલાવ્યો અને તેમનું અપમાન કર્યું.
આ ભ્રામક સમાચારને ફેલાવવા માટે એક વિડીયોનો સહારો પણ લેવામાં આવી રહ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ સાથે સંકળાયેલી ટોળકીના લોકો સિવાય ગુજરાતી ન્યૂઝ ચેનલો પણ આ અધૂરા અને ભ્રામક વિડીયો દ્વારા સોશિયલ મીડિયા પર લોકોને ગુમરાહ કરી રહી છે. ફેક ન્યૂઝ ફેલાવવામાં એક નામ પ્રશાંત દયાળની ચેનલ ‘નવજીવન ન્યૂઝ’નું પણ છે. અન્ય કોંગ્રેસીઓની જેમ આ ચેનલે પણ તે વિડીયો પોસ્ટ કર્યો છે.
‘નવજીવન ન્યૂઝે’ પોતાના ફેસબુક એકાઉન્ટ પર તે વિડીયો પોસ્ટ કર્યો છે અને દાવો કર્યો છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે હાથ ન મિલાવ્યો. કેપશનમાં લખ્યું કે, “PM મોદીનું અપમાન થયું? ફ્રાન્સના રાષ્ટ્રપતિએ હાથ ન મિલાવ્યો.” તેણે પોસ્ટ કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અન્ય દેશના મહેમાનો અને નેતાઓ સાથે હાથ મિલાવી રહ્યા છે અને વડાપ્રધાનને છોડીને આગળ વધી રહ્યા છે.
‘નવજીવન ન્યૂઝ’ની જેમ જ યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ BVએ પણ આ વિડીયો પોસ્ટ કર્યો છે. સાથે તેમણે કેપશનમાં લખ્યું છે કે, “ED સંજ્ઞાન લે…વિશ્વગુરુ સાથે હાથ ન મિલાવ્યો.”
ED संज्ञान ले… विश्वगुरु से हाथ नही मिलाया! pic.twitter.com/RePh956Kym
— Srinivas BV (@srinivasiyc) February 11, 2025
કોંગ્રેસીઓની આવા અધૂરા વિડીયો ફરતા કરવાની આદત છે. ઘણી વખત જાણતા હોવા છતાં તેઓ પીએમ મોદી વિરુદ્ધ આવા વિડીયો ફેરવતા રહે છે અને ક્ષણિક આનંદ મેળવતા રહે છે. આખરે ફેક્ટચેક થઈ જાય છે.
શું છે હકીકત?
હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો તે જ ઘટનાનો છે, પરંતુ તેને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. તે વિડીયો અધૂરો છે અને આગળ-પાછળના સંદર્ભ વગર તેને વાયરલ કરવામાં આવ્યો છે. હકીકત એ છે કે આ ક્લિપ રેકોર્ડ થાય તે પહેલાં જ બંને નેતાઓએ હાથ મિલાવી દીધા હતા. એટલું જ નહીં, પરંતુ બંને નેતાઓ એકસાથે જ કૉન્ફરન્સ હૉલમાં આવ્યા હતા. તે પહેલાં તેઓ અનેક વખત હાથ મિલાવી ચૂક્યા છે અને ગળે પણ મળી ચૂક્યા છે. ફ્રાન્સ અને ભારત જ આ AI એક્શન સમિટની અધ્યક્ષતા કરી રહ્યા હતા. જેનો અર્થ એ છે કે, બંને નેતાઓ યજમાન દેશ તરફથી છે.
‼️ Kremlin spreads another fake "scandal"
— NEXTA (@nexta_tv) February 11, 2025
Russian propaganda have circulated a misleading, out-of-context video, claiming that French President Emmanuel Macron allegedly refused to shake hands with Indian Prime Minister Narendra Modi.
In reality, they had already shaken hands… pic.twitter.com/Ugvi3fCYZ2
તેથી બંને યજમાન દેશો આવેલા મહેનાન દેશોના પ્રતિનિધિઓ સાથે હાથ મિલાવશે, નહીં કે એકબીજા સાથે હાથ મિલાવીને બેસી જશે. એટલા માટે જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો એકસાથે જ કૉન્ફરન્સ હૉલમાં પ્રવેશ્યા હતા અને મહેમાન દેશોના પ્રતિનિધિઓને આવકારવામાં વ્યસ્ત થઈ ગયા હતા.
આ ઘટના પહેલાં સોમવારે (10 ફેબ્રુઆરી) જ્યારે વડાપ્રધાન મોદી પેરિસ પહોંચ્યા હતા. ત્યારે મેક્રોંએ અનેક વખત તેમની સાથે મુલાકાત કરી હતી અને હાથ પણ મિલાવ્યા હતા. રાષ્ટ્રપતિ મેક્રોંએ PM મોદી અને અન્ય મહેમાનો માટે ડિનરનું આયોજન પણ કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ ઉષ્માભેર એકબીજાને ગળે મળતા પણ જોવા મળ્યા હતા.
મજાની વાત એ પણ છે કે જે પ્રશાંત દયાળની ચેનલ આ વિડીયો ફેરવી રહી છે તે પ્રશાંતભાઈ ગામને પત્રકારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએની સલાહો આપતા રહે છે. તાજેતરમાં જ તેમણે યુટ્યુબ પર એક વિડીયો બનાવ્યો હતો, જેમાં પત્રકારે ધાર્મિક સંસ્થાઓ પાસેથી પુરસ્કાર લેવા જોઈએ કે નહીં એ વિષયમાં જ્ઞાન આપ્યું હતું. થોડા સમય પહેલાં ગુજરાત સરકાર સ્પોન્સર્ડ એક કાર્યક્રમમાં વક્તા તરીકે હિંદુ એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે પણ આ ભાઈને વાંધો પડ્યો હતો અને પત્રકારત્વ પર સલાહ આપતો વિડીયો બનાવી દીધો હતો. પરંતુ હવે તેમની જ ચેનલ પત્રકારત્વનાં મૂળ ભૂલીને અધૂરા વિડીયો ચલાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે.
તારણ- તેથી એ સાબિત થાય છે કે, વાયરલ થઈ રહેલો વિડીયો દુષ્પ્રચારના હેતુથી ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેની હકીકત એકદમ વિપરીત છે.