Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ વાયર’ અને યૌન ઉત્પીડનના આરોપી ‘એક્ટિવિસ્ટ’ના આક્ષેપોના જોરે કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીની...

    ‘ધ વાયર’ અને યૌન ઉત્પીડનના આરોપી ‘એક્ટિવિસ્ટ’ના આક્ષેપોના જોરે કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીની પુત્રી વિરુદ્ધ જુઠ્ઠાણું ચલાવ્યું: જાણો સમગ્ર કેસની વિગતો, શું છે સાચી હકીકત

    સતત ચારિત્ર્ય પર થતા હુમલાઓ છતાં સ્મૃતિએ પાછીપાની નહીં કરી ત્યારે કોંગ્રેસે તેમને ચૂપ કરવા માટે તેમની પુત્રી પર હુમલો કરવાનો સૌથી અસરકારક રસ્તો અપનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે.

    - Advertisement -

    ગત 23 જુલાઈના રોજ કોંગ્રેસે વધુ એક સ્તર નીચે ઉતરતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની 18 વર્ષીય પુત્રી પર ખોટા આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓ (ગાંધી પરિવાર સમક્ષ પોતાની ‘તપસ્યા’ સાબિત કરતા) પવન ખેડા અને (રાજકારણમાં કોઈ ઔચિત્ય ન રહેવા છતાં ગાંધી પરિવારને ખુશ કરીને પોલિટિકલ ઓક્સિજન મેળવવાના પ્રયત્નો કરતા રહેતા) જયરામ રમેશ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્મૃતિ ઈરાનીની પુત્રી ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેને વાસ્તવિકતા સાથે જોજનો સુધી કોઈ સબંધ નથી. 

    પ્રેસ કોન્ફરન્સમાં પવન ખેડાએ કહ્યું હતું કે, કોંગ્રેસ રાજકીય પ્રતિસ્પર્ધીઓના પરિવારને ટાર્ગેટ કરવામાં માનતી નથી અને તે તેમની રાજકારણ કરવાની શૈલી પણ નથી પરંતુ ‘ભ્રષ્ટાચાર’ના આરોપો કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ લાગ્યા હોવાના કારણે તેમણે આમ કરવું પડી રહ્યું છે.

    બારને ‘સંસ્કારી બાર’ ગણાવતા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સ્મૃતિ ઇરાનીની 18 વર્ષીય પુત્રીએ ખોટું બાર લાયસન્સ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે લાયસન્સ જૂન 2022માં એવા વ્યક્તિના નામે મેળવવામાં આવ્યું હતું જે મે 2021 માં મૃત્યુ પામ્યો હતો. તેમણે આગળ આરોપ લગાવતાં કહ્યું કે, રેસ્ટોરન્ટને બે લાયસન્સ મળ્યાં છે, જ્યારે ગોવાના કાયદા પ્રમાણે રેસ્ટોરન્ટ માત્ર એક જ બાર લાયસન્સ મેળવી શકે છે. 

    - Advertisement -

    આ આરોપો લગાવતી વખતે કોંગ્રેસના પવન ખેડાએ સ્મૃતિ ઈરાનીની પુત્રી ઝોઈશ ઈરાનીના ઉછેરને લઈને કટાક્ષ કરતાં કહ્યું કે રેસ્ટોરન્ટનું નામ ‘તુલસી સંસ્કારી બાર’ નહીં પરંતુ ‘સિલી સોલ્સ’ હતું. ખેડાએ કહ્યું કે, તમારા સમર્થકો લુલુ મોલ, લુલુ મોલ રમી રહ્યા છે અને હનુમાન ચાલીસ અને નમાઝ જેવા મુદ્દાઓ પર લડી રહ્યા છે ત્યારે બીજી તરફ તમારાં સંતાનો વિદેશ ભણે છે અને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં છે. 

    સ્મૃતિ ઈરાની પાસેથી જવાબ માંગતા પવન ખેડાએ તેમની પુત્રી પર આ હુમલો કરવાનું છૂપું કારણ પણ વાતવાતમાં જણાવી દીધું હતું. તેમણે કહ્યું કે, સ્મૃતિ ઈરાની જેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પ્રશ્નો પૂછતાં રહે છે તો હવે તેમણે જવાબ આપવો જોઈએ કે ‘બારવાળા’ને ‘અખબારવાળા’ સાથે શું વાંધો છે. એમ પણ દાવો કર્યો કે રેસ્ટોરન્ટની બહાર કાયમ બાઉન્સરો તહેનાત હોય છે અને અંદર મીડિયાને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આ જ મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછતાં પહેલાં ખેડા અનૈતિક ટિપ્પણી કરતાં કહે છે કે સ્મૃતિ ઈરાની વડાપ્રધાન મોદીના ‘સૌથી પ્રિય મંત્રી’ છે. 

    પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી સમક્ષ તેમના ‘સૌથી પ્રિય મંત્રી’ને હટાવી દેવાની માંગ કરવામાં આવી અને કહ્યું કે તેઓ ગેરકાયદે બાર ધરાવે છે. 

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેડાએ કેટલાક કાગળો બતાવીને સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, તેમણે જે આરોપો લગાવ્યા છે તેનો આધાર RTIનો જવાબ છે. ઉપરાંત તેમણે એમ પણ દાવો કર્યો કે આ મામલે ઝોઈશ ઈરાનીને કારણદર્શક નોટીસ (શૉ કૉઝ નોટીસ) પણ પાઠવવામાં આવી છે. જોકે, આ ડોક્યુમેન્ટનો વિગતવાર અભ્યાસ કરવાથી કોંગ્રેસના તમામ જુઠ્ઠાણાં ખુલ્લાં પાડી શકાય તેમ છે. 

    કોણ છે આયરિશ રોડ્રિગ્સ અને સમગ્ર મામલો ક્યાંથી શરૂ થયો હતો?

    આ સમગ્ર મામલો ગોવાના એક ‘એક્ટિવિસ્ટ’ આયરિશ રોડ્રિગ્સ દ્વારા જૂન 2022માં દાખલ કરવામાં આવેલ એક RTI પરથી શરૂ થયો હતો. જેમાં તેમણે Silly Souls Goa Cafe and Barને ઈસ્યૂ થયેલા એક્સાઇઝ લાયસન્સ અંગે માહિતી માંગી હતી. જે માહિતી મળ્યા બાદ રોડ્રિગ્સે તેમની વેબસાઈટ ઉપર એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે રેસ્ટોરન્ટને ખોટી રીતે એક્સાઇઝ લાયસન્સ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું અને જે ઈરાની પરિવાર દ્વારા કરવામાં આવેલ ‘ભ્રષ્ટાચાર’ તરફ સંકેત કરે છે. તેમણે આ મામલે ફરિયાદ કર્યા બાદ ગોવાના એક્સાઇઝ વિભાગે રેસ્ટોરન્ટને એક શૉ કૉઝ નોટીસ પાઠવી હતી. 

    અગાઉ જારી કરેલા નિવેદનમાં રોડ્રિગ્સે દાવો કર્યો હતો કે રેસ્ટોરન્ટ દ્વારા લાયસન્સ મેળવવા માટે નકલી દસ્તાવેજો જમા કરાવવામાં આવ્યા હતા. જે બાદ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ તેમણે વધુ બે નોંધ જારી કરી હતી. 

    24 જુલાઈના રોજ તેમણે દાવો કરતાં કહ્યું કે, રેસ્ટોરન્ટને ઈસ્યૂ કરવામાં આવેલ લાયસન્સ એવા વ્યક્તિના નામ પર હતું જે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો છે. રોડ્રિગ્સ લખે છે, “સત્તામાં બેઠેલાઓએ અધિકારી વર્ગની આંખમાં ધૂળ નાંખવાના પ્રયત્નો ન કરવા જોઈએ કારણ કે ધીમે-ધીમે પણ કાયદો તેમના સુધી પહોંચી જ જાય છે. સ્મૃતિ ઈરાની અને અન્ય કેન્દ્રીય નેતાઓ દ્વારા ગોવામાં ખરીદવામાં આવેલી બેનામી સંપત્તિઓની તપાસ થવી જ જોઈએ. હવે બહુ થયું.” નિવેદનમાં ઈરાની પરિવાર વિરુદ્ધ આરોપો લગાવતી વખતે ક્યાંય પણ સ્મૃતિની પુત્રીનું નામ લખવામાં આવ્યું ન હતું કે આ ‘બેનામી સંપત્તિઓ’ અંગે કોઈ પુરાવાઓ જોડવામાં આવ્યા ન હતા. 

    આયરિશ રોડ્રિગ્સનું નિવેદન

    25 જુલાઈએ જારી કરવામાં આવેલ અન્ય એક નિવેદનમાં વિક્ટિમ કાર્ડ રમતાં રોડ્રિગ્સ કહે છે કે, તેમણે ખુલ્લા પાડી દીધા હોવાના કારણે પહેલાં કોંગ્રેસ અને હવે ભાજપ દ્વારા તેમની ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ નિવેદનમાં પણ (સ્મૃતિની પુત્રી) ઝોઈશનું નામ ક્યાંય પણ લખવામાં આવ્યું ન હતું. 

    જોકે, પોતાના ટ્વિટર અકાઉન્ટ પર રોડ્રિગ્સે કોંગ્રેસના પગલે ચાલીને એક ટ્વિટ કર્યું હતું. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ 24 જુલાઈના રોજ તેમણે 18 વર્ષીય પુત્રી સાથે સ્મૃતિ ઈરાનીની તસ્વીર પોસ્ટ કરીને દાવો કર્યો કે આ રેસ્ટોરન્ટ ઝોઈશ ઈરાની દ્વારા ચલાવવામાં આવે છે. 

    અહીં નોંધવું જરૂરી છે કે ‘એક્ટિવિસ્ટ’ તરીકે ઓળખાતા આયરિશ રોડ્રિગ્સ ગોવામાં મોટાપાયે બ્લેકમેઇલમાં સામેલ હોવા ઉપરાંત તેમનો એક રંગીન ઇતિહાસ રહ્યો છે. 2017 માં રોડ્રિગ્સ પર યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા હતા, જે મામલે કોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. 

    એક મહિલાએ રોડ્રિગ્સ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે રોડ્રિગ્સે તેમની તસ્વીર ફેસબુક પર પોસ્ટ કરીને તેમને રાજ્યના મંત્રી વિનોદ પલિનકર સાથે જોડાયેલા કથિત સેક્સ સ્કેન્ડલ સાથે સંડોવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે, પાલિનકરે આ સ્કેન્ડલમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો. 

    મહિલાએ 27 નવેમ્બરના રોજ અંજુના પોલીસ મથકે કેસ દાખલ કર્યો હતો, જે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રોડ્રિગ્સએ તેમની તસ્વીર વાયરલ કર્યા બાદ તેઓ ઘરમાંથી બહાર નીકળી શકતાં ન હતાં અને તેમને ધમકીઓ પણ મળી હતી. 

    એટલું જ નહીં, ભૂતકાળમાં રોડ્રિગ્સ વિરુદ્ધ લિસબન અને પોર્ટુગલ એમ બે દેશોની બેવડી નાગરિકતા મેળવવા મામલે પણ આરોપો લાગ્યા હતા અને આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. 

    તદુપરાંત, તેમણે તેમની ઉપર 6 શખ્સોએ હુમલો કર્યો હોવાનું અને તેમના જીવને જોખમ હોવાનું કહીને વિક્ટિમ કાર્ડ રમવાના પ્રયત્નો પણ કર્યા હતા. જોકે, આ તમામને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા. 

    આવા ભૂતકાળને જોતાં લાગે છે કે રોડ્રિગ્સે ‘સેફ રમવા’ માટે ઝોઈશ ઈરાનીનું નામ પ્રેસ નોટમાં લખ્યું ન હતું. એટલું જ નહીં, પરંતુ તેમના ટ્વિટ સિવાય કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ જારી કરેલા બંને નિવેદનોમાં પણ ઝોઈશના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પ્રશ્ન એ પણ સર્જાય છે કે જો ઝોઈશ ઈરાની ખરેખર આ પ્રકારે કોઈ પણ ગેરકાયદે કામમાં સંડોવાયેલી હોત તો શા માટે આયરિશ રોડ્રિગ્સે આરોપોમાં તેના નામનો ઉલ્લેખ કર્યો નથી. 

    તદુપરાંત, ગોવામાં ઈરાની પરિવારની ‘બેનામી સંપત્તિ’ હોવા અંગે તેમણે લગાવેલા આરોપોની સત્યતા સાબિત કરવા માટે પણ તેમની પાસે કોઈ પુરાવા નથી. માત્ર એક પુરાવાનો તેઓ સંદર્ભ આપે છે જેમાં તેમણે દાવો કર્યો છે કે ઝુબીન ઈરાનીએ એકવાર તેમને ગોવામાં સંપત્તિ ખરીદવા માટે પૂછપરછ કરી હતી. આ તર્ક પ્રમાણે, બેનામી સંપત્તિ ખરીદવા ઈચ્છતો વ્યક્તિ (ઉદાહરણ તરીકે કોંગ્રેસના જમાઈની જેમ) કાયદેસર ખરીદી શકે તેવી મિલકતો અંગે કોઈ RTI એક્ટિવિસ્ટને શું કામ પૂછપરછ કરશે?

    અહીં વધુ મહત્વનું એ છે કે આ સમગ્ર વિવાદમાં સ્મૃતિ ઈરાનીની 18 વર્ષીય પુત્રી ઝોઈશ ઈરાનીનું નામ કોંગ્રેસે ઉછાળ્યું હતું કારણ કે તેઓ માને છે કે સતત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતાં સ્મૃતિ ઈરાની સાથે તેમની પુત્રીને ‘બારવાલી’ કહીને બદલો લઇ શકાશે. 

    કેસની વાસ્તવિકતા અને કોંગ્રેસનું જુઠ્ઠાણું 

    આયરિશ રોડ્રિગ્સ દ્વારા લગાવવામાં આવેલ આરોપોનો મુખ્ય મુદ્દો એ હતો કે સિલી સોલ્સ કેફેને લિકર લાયસન્સ ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યું છે, જેનું સંચાલન ઈરાની પરિવાર દ્વારા કરવામાં આવે છે. અને કોંગ્રેસ અનુસાર, આ બાર સ્મૃતિ ઈરાનીની 18 વર્ષીય પુત્રી ઝોઈશ ઈરાની દ્વારા ચલાવવામાં આવે છે.

    રેસ્ટોરન્ટ સાથે ઈરાની પરિવાર અને ઝોઈશના શું સબંધ છે તે અંગે વાત કરવામાં આવે તે પહેલાં એ નોંધવું જરૂરી છે કે આયરિશ રોડ્રિગ્સને મળેલ RTIના જવાબમાં સ્મૃતિ ઈરાનીની પુત્રી ઝોઈશ ઈરાનીનો ઉલ્લેખ ક્યાંય પણ જોવા મળે તેમ નથી. ઑપઇન્ડિયાએ કોંગ્રેસ પાર્ટી દ્વારા ટાંકવામાં આવેલ દસ્તાવેજો મેળવ્યા છે અને RTIના જવાબમાં ક્યાંય પણ ઈરાની પરિવારના કોઈ પણ સભ્યનું નામ લખવામાં આવ્યું નથી. 

    જેથી સ્પષ્ટપણે કહી શકાય કે માત્ર રોડ્રિગ્સ નહીં પરંતુ કોંગ્રેસે પણ ઈરાની પરિવારનું નામ કોઈ પણ આધાર-પુરાવા વગર ઢસડી નાંખ્યું હતું. તેમજ કોંગ્રેસે દાવો એવો કર્યો હતો કે તેમના આરોપોનો આધાર RTIનો જવાબ છે.

    કોંગ્રેસ અને રોડ્રિગ્સ દ્વારા અન્ય દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એક્સાઇઝ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને પાઠવવામાં આવેલ શૉ કૉઝ નોટીસ છે. આ જ દસ્તાવેજના આધારે તેમણે નકલી ડોક્યુમેન્ટના આધારે ખોટી રીતે લીકર લાયસન્સ ઈસ્યૂ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવ્યા છે તેમજ એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે લાયસન્સ 13 મહિના પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિના નામ પર ઈસ્યૂ કરવામાં આવ્યું છે. 

    રેસ્ટોરન્ટને પાઠવવામાં આવેલ શૉ-કૉઝ નોટીસ

    માત્ર એક આરોપ જેનો ઉલ્લેખ એક્સાઇઝની શૉ કૉઝ નોટીસમાં કરવામાં આવ્યો છે તે એ છે કે લાયસન્સ મેળવવા માટે મે 2021માં મૃત્યુ પામેલા વ્યક્તિ એન્થોની દગામા નામના વ્યક્તિના નામે નકલી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જોકે, નોટીસના બીજા જ પાને આ માટેનું કારણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને રેસ્ટોરન્ટના માલિકને આ કથિત અનિયમિતતા માટેના કારણોનો ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યું છે.

    લાયસન્સ અગાઉ એન્થોની ડગામા નામના વ્યક્તિના નામે ઈસ્યૂ કરવામાં આવ્યું હતું, જેમનું મે 2021માં નિધન થઇ ગયું હતું. જે બાદ તેમના વારસદાર તરીકે તેમના પુત્રે લાયસન્સ તેમના નામે રિન્યૂ કરવા માટે વિનંતી કરી હતી અને 6 મહિનાની અંદર લાયસન્સ પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે વચન આપ્યું હતું. 

    રેસ્ટોરન્ટને પાઠવવામાં આવેલ શૉ-કૉઝ નોટીસ

    રેસ્ટોરન્ટ ગેરકાયદે હોવાનું કે લાયસન્સ માટે નકલી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હોવાના આરોપો ખોટા છે, તેમજ શૉ કૉઝ નોટીસમાં પણ તેની સત્યતા પુરવાર થતી નથી. હવે, આ બાબત તકનીકી રીતે કાયદાનું ઉલ્લંઘન ગણાય છે કે કેમ તે તો અધિકારીઓનો પક્ષ જાણ્યા પછી જ નક્કી કરી શકાય. પરંતુ એ સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને આયરિશ રોડ્રિગ્સે જે રીતે ઈરાની પરિવાર અને ખાસ કરીને ઝોઈશ ઈરાની પર આરોપ લગાવ્યા તે ખોટા અને પાયાવિહોણા છે. 

    રેસ્ટોરન્ટ ચલાવવા માટેનું લાયસન્સ ન હોવા અંગેના આક્ષેપો માટેના પણ કોંગ્રેસ કે આયરોશ રોડ્રિગ્સએ કોઈ પુરાવા આપ્યા નથી. કોંગ્રેસ જે દસ્તાવેજોના આધારે આરોપ લગાવી રહી છે તેમાં ઈરાની પરિવાર અને ખાસ કરીને ઝોઈશ ઈરાનીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

    ઈરાની પરિવાર અને ઝોઈશ ઈરાનીનો આ રેસ્ટોરન્ટ સાથે શું સબંધ છે? 

    સ્મૃતિ ઈરાનીની પુત્રી ઝોઈશ ઈરાનીનો સૌથી પહેલો ઉલ્લેખ ‘ધ વાયર’ દ્વારા 21 જુલાઈ 2022ના રોજ પ્રકાશિત એક લેખમાં જોવા મળે છે. જે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સના બે દિવસ અગાઉ પ્રકાશિત થયો હતો. રિપોર્ટમાં ‘ધ વાયર’ દાવો કરે છે કે રેસ્ટોરન્ટ ઝોઇશ રાની દ્વારા ચલાવવામાં આવે છે. જે દાવો ફૂડ ક્રિટીક કુણાલ વિજયકરના એક વિડીયોના આધારે કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ઝોઈશ ઈરાની કહે છે કે, ગોવા પ્રવાસન માટેનું એક મોટું સ્થળ હોવા છતાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબના ભોજનમાં પાછળ રહી જાય છે. મને આશા છે કે ‘સિલી સોલ્સ’ ગોવાનું એક સારું ‘ફૂડ ડેસ્ટિનેશન’ બનશે.”

    ‘ધ વાયર’નો લેખ

    ઝોઈશ ઈરાનીના વકીલના જણાવ્યા અનુસાર, તે સિલી સોલ્સ કાફેમાં માત્ર ઇન્ટર્નશિપ કરી રહી હતી અને તેણે ઇન્ટર્ન શૅફ તરીકે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યા અનુસાર, ઝોઈશ સોલી સોલ્સ કાફે અગાઉ ચાર જગ્યાએ ઇન્ટર્નશિપ કરી ચૂકી છે. 

    આ ઇન્ટર્નશિપના આધારે કોંગ્રેસ ‘ધ વાયરે’ આરોપ લગાવ્યા હતા કે કાફે ઝોઈશ ઈરાનીની માલિકીનું છે અને તે જ ચલાવી રહી છે. 

    રિપોર્ટમાં ‘ધ વાયરે’ આયરિશ રોડ્રિગ્સ દ્વારા લગાવવામાં આવેલ આરોપોનો પણ ઉલ્લેખ કર્યો હતો. એથી વધુ ખરાબ બાબત એ છે કે તેમણે એક પગલું આગળ ચાલીને કાફે સાથે તેનો શું સબંધ છે તે જાણ્યા-મૂક્યા વગર માત્ર એક યુ-ટ્યુબ વિડીયોના આધારે સ્મૃતિની 18 વર્ષીય પુત્રીનું નામ વિવાદમાં સામેલ કરી દીધું હતું. 

    આ જ આરોપો ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા હતા, જેમણે ગાંધી પરિવારને ઉજાગર કરતાં સ્મૃતિ ઈરાની સામે બદલો લેવા માટે તેમની પુત્રીનું નામ સામેલ કરી દીધું હતું. 

    મૂળ વાત એ છે કે, સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબીન ઈરાની એક ઉદ્યોગપતિ છે અને તેમણે ડગામા સાથે મલિની કાફેની શરૂઆત કરી હતી. પરંતુ ડગામાનું વર્ષ 2021માં અવસાન થઇ ગયું અને રેસ્ટોરન્ટની માલિકી તેમના કાયદાકીય વારસદાર તરીકે તેમના પુત્ર પાસે ગઈ છે. જેમના નામે લીકર લાયસન્સ ટ્રાન્સફર થવા જઈ રહ્યું છે.

    નોંધવું જોઈએ કે આ કાફે ઝુબીન ઈરાનીનો સંપૂર્ણપણે કાયદેસરનો વ્યવસાય છે. ઈરાની પરિવાર માટે સમસ્યારૂપ બને તેવું કોઈ પણ પાસું કોંગ્રેસ શોધી શકી નથી. કારણ કે આ વ્યવસાય સ્થાપવામાં કોઈ પણ રાજકીય વગ વાપરવામાં આવી ન હતી કે કોઈ પણ સાર્વજનિક ભંડોળનો ઉપયોગ થયો ન હતો. જેથી ઝુબીન ઈરાનીનાના કાયદેસર વ્યવસાયિક હિતોને ટાર્ગેટ કરવાં, તેમની 18 વર્ષીય પુત્રીને વિવાદમાં ઘસડવી માત્ર એ જ દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટી ગાંધી પરિવારના ભ્રષ્ટાચાર પરથી આપણું ધ્યાન ભટકાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે અને તે માટે એક તરૂણ છોકરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    એક તરફ કોંગ્રેસ પાર્ટીએ ઝોઈશ ઈરાની પર હુમલાઓ કરવાના ચાલુ કર્યા ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દ્વારા એક તસ્વીર બહુ વાયરલ કરવામાં આવી હતી. જેમાં સ્મૃતિ ઈરાની અને ઝોઈશ ઈરાની રેસ્ટોરન્ટની બહાર ઉભેલા જોવા મળે છે અને બહાર રેસ્ટોરન્ટનું એક બોર્ડ જોવા મળે છે, જેમાં ‘બાર’ લખવામાં આવ્યું છે. 

    પરંતુ હકીકત એ છે કે આ તસ્વીર વર્ષ 2019ની છે અને તેમના આરોપો સાબિત કરવા માટે કોંગ્રેસ દ્વારા એડિટ કરીને પોસ્ટ કરવામાં આવી રહી છે. સ્મૃતિ ઈરાનીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી વર્ષ 2019માં આ તસ્વીર પોસ્ટ કરવામાં આવી હતી. આ તસ્વીર ગોવામાં કોઈ બાર આગળ નહીં પરંતુ સંભવતઃ તેમના નિવાસસ્થાને લેવામાં આવી છે.

    સ્મૃતિ ઈરાનીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

    આ તસ્વીર કોંગ્રેસ પાર્ટી દ્વારા એડિટ કરીને રેસ્ટોરન્ટના બોર્ડ સાથે એડિટ કરી દેવામાં આવી હતી. જે બાદ આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી અને કોંગ્રેસ પાર્ટીના જુઠ્ઠાણાંનો પ્રચાર કરવામાં આવ્યો.

    કારણ સ્પષ્ટ છે કે શા માટે કોંગ્રેસ પાર્ટીએ સ્મૃતિ ઈરાની કે ઝુબીન ઈરાનીને સીધા ટાર્ગેટ કરવાને બદલે ઝોઈશ ઈરાનીની પસંદગી કરી? એક મહિલાને ચૂપ કરી દેવા માટેનો સૌથી સરળ રસ્તો એ છે કે કાં તો તેનાં સંતાનોને નિશાન બનાવવામાં આવે અથવા તેના ચારિત્ર્ય પર હુમલો કરવામાં આવે. સ્મૃતિ ઈરાની ગાંધી પરિવારનાં ટીકાકાર રહ્યાં છે. ઉપરાંત, તેમણે રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હરાવ્યા હતા, જે બેઠક ગાંધી પરિવારના ગઢ સમાન ગણાતી હતી. સ્મૃતિ ઈરાનીના કારણે જ રાહુલ ગાંધીએ વાયનાડની ‘સુરક્ષિત બેઠક’ શોધવી પડી હતી જ્યાં તેઓ જાણતા હતા કે બહુમતી મુસ્લિમ મતદારો તેમને સરળતાથી જીતાડી દેશે. પરંતુ પોતાના અને પોતાના ચારિત્ર્ય પર કરવામાં આવેલ હુમલાઓનો સામનો કરતાં સ્મૃતિ એક એવા નેતા તરીકે ઉભરી આવ્યાં છે, જેમનાથી કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી પરિવાર ડરે છે.

    ઇડી દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તપાસ ચાલી રહી છે ત્યારે સ્મૃતિ ઈરાની કોંગ્રેસ પાર્ટીને તેમના કાર્યકાળ દરમિયાન થયેલાં કરોડોનાં કૌભાંડો અંગે પ્રશ્નો કરવામાં સતત અગ્રેસર રહ્યાં છે. સતત ચારિત્ર્ય પર થતા હુમલાઓ છતાં સ્મૃતિએ પાછીપાની નહીં કરી ત્યારે કોંગ્રેસે તેમને ચૂપ કરવા માટે તેમની પુત્રી પર હુમલો કરવાનો સૌથી અસરકારક રસ્તો અપનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ આરોપોના કારણે એક તરૂણ વયની પુત્રીના જીવન પર અસર થાય અને તેની માતાએ ફરજીયાત પાછળ હટી જવું પડે. 

    કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લગાવવામાં આવેલ આરોપો અને આક્ષેપો એ બાબતની સાક્ષી પૂરે છે કે કોંગ્રેસે શરમજનક રીતે એક તરૂણીના ચારિત્ર્ય હનનના પ્રયત્નો કર્યા કારણ કે તેઓ તેની માતાને ડરાવવા માંગતા હતા, જેમણે દેશને એ સાબિત કરી બતાવ્યું કે ગાંધીઓને તેમના જ ગઢમાં પણ હરાવી શકાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં