Monday, November 25, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા દિવસના ભાષણમાં PM મોદીએ શા માટે કર્યો 'સેક્યુલર સિવિલ કોડ'નો ઉલ્લેખ?...

    સ્વતંત્રતા દિવસના ભાષણમાં PM મોદીએ શા માટે કર્યો ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ? UCCથી અલગ છે આ નાગરિક સંહિતા?: જાણો તમામ પ્રશ્નોના સરળ-સાચા ઉત્તર

    સમાન નાગરિક સંહિતા (UCC)નો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ-4ના અનુચ્છેદ 44માં કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, "રાજ્ય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે."

    - Advertisement -

    ગુરુવારે (15 ઑગસ્ટ, 2024) વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનની સાથે પોતાનું હમણાં સુધીનું સૌથી લાંબુ વક્તવ્ય આપ્યું હતું. લાલ કિલ્લા પરથી અપાયેલા ભાષણમાં વડાપ્રધાન મોદીએ અનેક મુદ્દાઓને આવરી લીધા હતા. તેમણે બાંગ્લાદેશમાં થયેલા હિંદુ લઘુમતીઓના દમનને લઈને પણ અવાજ ઊંચક્યો હતો. તે સિવાય તેમણે ‘વન નેશન-વન ઇલેક્શન’ અને ‘સેક્યુલર સિવિલ કોડ’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશમાં હવે ‘સેક્યુલર સિવિલ કોડ’ની ખૂબ જરૂરિયાત છે. ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ કરવાની સાથે જ દેશભરમાં ચર્ચાઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લોકોને પ્રશ્ન થઈ રહ્યા છે કે, શું ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) અને ‘સેક્યુલર સિવિલ કોડ’ અલગ-અલગ છે કે એક જ છે.

    15 ઑગસ્ટના રોજ વડાપ્રધાન મોદીએ ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ કરીને આડકતરી રીતે UCC વિશેની વાત કરી હતી. તેમણે લાલ કિલ્લા પરથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે વાત કરતાં કહ્યું હતું કે, વર્તમાન સિવિલ કોડ એક પ્રકારનો કોમ્યુનલ સિવિલ કોડ છે. તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં આ મુદ્દે ચર્ચા કરવાની અને આધુનિક સમયમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, “ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા હોવી અને ભેદભાવપૂર્ણ સાંપ્રદાયિક નાગરિક સંહિતાને સમાપ્ત કરવી એ સમયની જરૂરિયાત છે.” તેમના આ ભાષણ દરમિયાન CJI ચંદ્રચૂડ પણ ત્યાં જ હાજર હતા.

    વડાપ્રધાન મોદીએ આ કાયદાને લઈને થયેલી અનેક ચર્ચાઓ વિશે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક સંહિતા (UCC) વિશે વારંવાર ચર્ચા કરી છે અને ઘણીવાર તો આદેશ પણ આપ્યા છે. દેશનો એક મોટો વર્ગ માને છે અને તે સત્ય પણ છે કે, જે નાગરિક સંહિતા સાથે આપણે જીવી રહ્યા છીએ, તે વાસ્તવમાં સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે.” તેમના આ ભાષણથી હવે ‘ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા’ (Secular Civil Code)ની ચર્ચા શરૂ થઈ છે.

    - Advertisement -

    સેક્યુલર સિવિલ કોડ અને UCC બંને સમાન છે?

    PM મોદીએ ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ કરીને શરૂ કરેલી આ ચર્ચા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, UCC અને સેક્યુલર સિવિલ કોડ બંને સમાન સંહિતા છે કે પછી કોઈ તફાવત છે? ભાજપના લઘુમતી પાંખના વડા જમાલ સિદ્દિકીએ આ અંગે ન્યૂઝ18ને ઉત્તર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બંને સંહિતાઓ સમાન જ છે. તેમાં કોઈ તફાવત નથી. પરંતુ બંનેનો દ્રષ્ટિકોણ અલગ છે. બંને એક સમાન જ છે, પરંતુ જે રીતે કહેવામાં આવ્યું છે, તે રીતે લોકોને સમજવામાં સરળતા રહે છે. હું નાગરિક સંહિતાના વિમર્શને લોકો માટે સરળ બનાવવાને લઈને વડાપ્રધાનની સરાહના કરું છું.” તેમનો કહેવાનો અર્થ એવો છે કે, બંને કાયદા સમાન જ છે. બસ, શબ્દ અલગ વાપરવામાં આવ્યો છે. દેશની બહુમતી પ્રજા તે સિવિલ કોડને સરળતાથી સમજી શકે, તે માટે તેને અલગ શબ્દ સાથે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે.

    સમાન નાગરિક સંહિતા (UCC)નો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ-4ના અનુચ્છેદ 44માં કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, “રાજ્ય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.” ભારતીય બંધારણના ઘડવૈયાઓએ તે સિવિલ કોડને ભવિષ્ય માટે છોડ્યો હતો, પરંતુ તેના પર કાયદો બની શક્યો નહોતો. તેથી UCC એ કાયદો છે, જે ભારતના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરશે અને દેશના તમામ લોકોને એક તાંતણે બાંધી દેશે.

    શું છે UCC? શા માટે છે તેની જરૂર?

    UCC (Uniform Civil Code)નો શાબ્દિક અર્થ થાય છે, સમાન નાગરિક સંહિતા. દેશમાં રહેતા તમામ લોકો માટે સમાન કાયદા હોય તેને UCC કહેવામાં આવે છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો તે. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, તલાક, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.

    ભારતમાં વિભિન્ન ધર્મ, મઝહબ અને સંસ્કૃતિના લોકો એકસાથે રહે છે. પરંતુ તેમના વ્યક્તિગત મામલાઓમાં અલગ-અલગ કાયદાઓ લાગુ થયેલા છે. આ જ વ્યવસ્થા ઘણીવાર વિવાદનું કારણ પણ બને છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ તમામ ધર્મ અને મઝહબમાં ચાલી રહેલી તમામ પ્રકારની અસમાનતાને સમાપ્ત કરવામાં આવશે. હાલમાં ઘણા વિવાદિત નિયમો પણ ચાલી રહ્યા છે. જેમ કે, મુસ્લિમ પર્સનલ લૉ પ્રમાણે, મુસ્લિમ મહિલા બાળકને દત્તક લઈ શકે નહીં, મુસ્લિમ પુરુષ એક કરતાં વધુ વખત નિકાહ કરી શકે છે. આ બધી અસમાનતાને દૂર કરવા માટે UCCની જરૂર પડી રહી છે.

    UCC લાગુ થવાથી શું થશે પરિવર્તન?

    UCC લાગુ થયા બાદ અનેક કાયદાઓમાં પરિવર્તન આવી જશે. દેશમાં તમામ પ્રકારના મત, મજહબ અને પંથના લોકો પર તેની સીધી અસર પડશે. વારસદારના કાયદાથી લઈને નિકાહની ઉંમર સુધીના તમામ કાયદાઓ તમામ પ્રકારના લોકો માટે સમાન થઈ જશે. જેના કારણે મુસ્લિમોમાં ચાલી રહેલા બાળનિકાહ કે નાની ઉંમરમાં થઈ રહેલા નિકાહને પણ અટકાવી શકાશે. તે સિવાય પણ ઘણા કાયદાઓમાં પરિવર્તન થવાની સંભાવના છે. આપણે મુદ્દાસર તેના વિશે ચર્ચા કરીશું.

    નાની ઉંમરે થયેલા નિકાહ ગુનો ગણાશે:

    18 વર્ષની કન્યા અને 21 વર્ષના યુવકના લગ્ન કે નિકાહ જ કાયદાકીય રીતે યોગ્ય અને મહત્વના ગણાય છે. તમામ ધર્મ અને પંથમાં લગ્નની ઉંમર આ જ રાખવાની હોય છે. પરંતુ, ઇસ્લામમાં માનનારા લોકોમાં ઘણી નાની ઉંમરે જ બાળકીઓના નિકાહ કરી નાખવામાં આવે છે. તેઓ એવું માને છે કે, બાળકી જ્યારે ‘માસિક ધર્મ’માં આવતી થાય, ત્યારે તેના નિકાહ કરાવી નાખવા જરૂરી છે. જોકે, નિકાહ થયા બાદ તેની સીધી અસર બાળકીના સ્વાસ્થ્ય પર પણ પડે છે. બાળકને જન્મ આપતી વખતે તે બાળકીનું મોત પણ થઈ શકે છે. UCC લાગુ થયા બાદ બાળનિકાહ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

    તલાકના સમાન નિયમો:

    તમામ પંથ કે ધર્મના લોકો માટે ડિવોર્સના નિયમો અલગ-અલગ છે. હિંદુ, શીખ, ખ્રિસ્તી સમુદાયના લોકોના નિયમો પણ ઘણા અલગ છે. હિંદુઓમાં છૂટાછેડા માટે 6 મહિના સુધીનો સમય લાગે છે. જ્યારે ખ્રિસ્તીઓમાં 2 વર્ષ સુધીનો સમય લાગે છે. બીજી તરફ ઇસ્લામમાં તો તદ્દન ભિન્ન જ નિયમ લાગુ પડે છે. તેમાં કોઈપણ સમયે પુરુષો ત્રણ વખત ‘તલાક.. તલાક.. તલાક..’ કહીને મહિલાઓને તલાક આપી દે છે. જોકે, ભારતમાં હવે તે કુરિવાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, પરંતુ તેમ છતાં ક્યારેક-ક્યારેક આવી ઘટનાઓ સામે આવતી રહે છે. તેથી UCC લાગુ થયા બાદ તમામ પંથના લોકો માટે સમાન સંહિતા હશે.

    મુસ્લિમ મહિલાઓ દત્તક લઈ શકશે બાળક, બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ:

    મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ કોઈપણ મુસ્લિમ મહિલા કોઈપણ બાળકને દત્તક લઈ શકતી નથી. બીજી તરફ હિંદુ મહિલાઓ બાળકને દત્તક લઈને સંતાન હોવાનું ગર્વ લઈ શકે છે. UCC લાગુ થયા બાદ મુસ્લિમ મહિલાઓને પણ સંતાન દત્તક લેવાનો અધિકાર મળી જશે. તે ઉપરાંત તમામ ધર્મ અને પંથમાં એક જ લગ્ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ઇસ્લામમાં માનનારા પુરુષોને 4 નિકાહ કરવા સુધીની પરવાનગી આપવામાં આવી છે. UCC લાગુ થયા બાદ બહુપત્નીત્વ પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે.

    સંપત્તિ અધિકારના કાયદામાં સમાનતા:

    હાલના કાયદા અનુસાર હિંદુ સ્ત્રીઓને તેમના માતા-પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળે છે અને પહેલાં પણ આપવામાં આવતો રહ્યો છે. પરંતુ અન્ય કેટલાક પંથમાં આવું નથી. ત્યાં, જો કોઈ કોઈ કન્યા અન્ય ધર્મના પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેને મિલકતમાંથી કાઢી મૂકવાની જોગવાઈ છે. UCCના આગમન સાથે, મિલકત સંબંધિત સમાન નિયમો તમામ મત, મઝહબ અને પંથમાં લાગુ થશે.

    ઉપરોક્ત જણાવવામાં આવેલા મુદ્દાઓ સિવાય, અન્ય પણ ઘણા મુદ્દાઓનો તેમાં સમાવેશ થઈ શકે છે. UCC લાગુ થયા બાદ નાગરિકોમાં પણ સમાનતાની ભાવના જાગશે અને ભારતના તમામ નાગરિકોને સમાન અધિકાર અને હક્ક મળી શકશે. ભૂતકાળમાં ઘણીવાર પર્સનલ લૉના કાયદાઓ વિવાદ ઊભો કરનારા રહ્યા હતા. સમાન નાગરિક સંહિતાથી તમામ પંથ, સમાજ, સમુદાય અને મઝહબના લોકોને સમાન કાયદાઓનું પાલન કરવાનું રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં